• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Young Man Stormed Into The Ground And Reached The Main Pitch, A Sri Lankan Player Caught Him And Handed Him Over To The Bouncers.

SCA સ્ટેડિયમની સુરક્ષામાં મોટી ચૂક!:યુવક કૂદકા મારતાં-મારતાં મેઇન પિચ સુધી પહોંચ્યો, બાઉન્સરોએ બહાર કાઢ્યો, ફરિયાદ નોંધાતા પડધરી પોલીસે અટકાયત કરી

રાજકોટ21 દિવસ પહેલા

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી T20 મેચ રમાઈ ગઈ હતી. ત્યારે સ્ટેડિયમમાં પ્લેયર્સની સુરક્ષામાં એક મોટી ચૂક બની હતી. જેમાં એક યુવક મેચ પૂરી થતાંની સાથે જ ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો હતો. તે યુવક ગ્રાઉન્ડમાં જઈને પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમરાન મલિકના પગે પડી ગયો હતો. અને પછી તે મેઇન પિચ સુધી પહોંચી ગયો હતો. તે યુવક કૂદકા મારતાં-મારતાં મેઇન પિચ સુધી પહોંચી ગયો હતો અને ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને મળવા પહોંચ્યો હતો. જોકે શ્રીલંકાના એક પ્લેયરે તેને પકડીને બાઉન્સર્સને સોંપી દીધો હતો. આ અંગે ગ્રાઉન્ડના સિક્યોરિટી સુપરવાઇઝરે મેદાનમાં ઘૂસેલા અબ્બાસ સંધી નામના યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આથી પડધરી પોલીસે અબ્બાસની અટકાયત કરી છે.

ગ્રાઉન્ડ સિક્યોરિટી સુપરવાઈઝરે ફરિયાદ નોંધાવી
ગ્રાઉન્ડ પર સિક્યોરિટી સુપરવાઈઝર મેહુલભાઈ વિનુભાઈ શૈયાગોરએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભારત-શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ચાલતો હતો. અમારા સિક્યોરિટીના અજીતભાઈ હરિભાઈ રવિયા સ્ટેડિયમના ઈસ્ટ વિભાગ બાજુ તેમની સિક્યોરિટીની ગ્રાઉન્ડની બાઉન્ડ્રી બાજુ ફરજ પર હતા. બધા પ્રેક્ષકો મેચ જોતા હતા તે દરમિયાન મેચના છેલ્લા બોલે આશરે પોણા અગિયારેક વાગ્યે ઈસ્ટ સાઈટ લેવલ એકમાંથી એક પ્રેક્ષક બાઉન્ડ્રી લાઈન ઓળંગીને ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર પ્રવેશ્યો હતો અને પ્રતિબંધિત વિસ્તારમાં કોઈને પૂછ્યા વગર ગ્રાઉન્ડમાં જતો રહ્યો હતો.

અબ્બાસ ઉનાના ઉમેજ ગામમાં રહે છે
મેહુલભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આથી બાઉન્સરોએ ગ્રાઉન્ડમાં જઈ તેને પકડી બહાર લાવ્યા હતા અને તેનું નામ પૂછતા અબ્બાસ હુસેનભાઈ ઉનડજામ (સંધી) ઉંમર 28 વર્ષ જણાવ્યું હતું. તેમજ તેણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામે રહેતો હોવાનું જણાવ્યું હતું. અબ્બાસે ભારત-શ્રીલંકા વચ્ચેની મેચમાં પ્રતિબંધિત કરેલ વિસ્તારમાં ગેરકાયેદસર રીતે પ્રવેશ કરી કોઈ ગુનો કરવાની કે કોઈ વ્યક્તિને હાનિ કરવાના ઈરાદે પ્રવેશ કર્યો હોય તો તેના વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને અટકાયતમાં લીધો છે. અબ્બાસ ઉનાની કોલેજમાં અભ્યાસ કરે છે અને રાજકોટ મેચ જોવા માટે આવ્યો હતો.

અબ્બાસ કૂદકા મારતાં-મારતા ગ્રાઉન્ડ અંદર ઘૂસ્યો હતો
અબ્બાસ મેચ પૂરી થતાંની સાથે જ ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો હતો. ત્યારે તે બાઉન્ડ્રી પાસે ઊભેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને પગે પડ્યો હતો. આ પછી તે કૂદકા મારતાં-મારતાં મેઇન પિચ સુધી પહોંચી ગયો હતો. અબ્બાસ ટીમ ઈન્ડિયાના અન્ય પ્લેયર્સને મળવા ગયો હતો. તેણે ગ્રાઉન્ડ પરની સિક્યોરિટી અને પ્રાઇવેટ બાઉન્સર્સને ખબર પડવા દીધી નહોતી અને ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો.

શ્રીલંકન પ્લેયરે તેને પકડીને બાઉન્સર્સને સોંપ્યો હતો
અબ્બાસ જ્યારે મેઇન પિચ સુધી પહોંચ્યો હતો, ત્યારે જ એક શ્રીલંકાના પ્લેયરે તેને પકડી લીધો હતો અને પ્રાઇવેટ બાઉન્સર્સને સોંપી દીધો હતો. બાઉન્સર્સ પણ અબ્બાસને ગ્રાઉન્ડમાં જતા જોઈને તરત જ પાછળ દોડ્યા હતા. ત્યારે એક શ્રીલંકાના પ્લેયરે તેને પકડીને બાઉન્સર્સને સોંપી દીધો હતો અને ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ સુધી પહોંચવા દીધો નહોતો.

બાઉન્સર્સ તેને લઈને ગ્રાઉન્ડની બહાર લઈ ગયા
શ્રીલંકાના પ્લેયરે અબ્બાસને બાઉન્સર્સને સોંપી દીધા પછી, પાંચથી છ બાઉન્સર્સ અબ્બાસને ગ્રાઉન્ડની બહાર લઈ ગયા હતા. અબ્બાસને પકડીને પ્રાઇવેટ બાઉન્સર્સ તેને મેદાનમાંથી બહાર કાઢ્યો હતો.

સુરક્ષામાં આવી મોટી ચૂક!
ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને મળવા માટે ચાહકો તલપાપડ થતાં હોય છે, અને આવી રીતે મળવા માટે ચાલુ મેચમાં સિક્યોરિટી તોડીને અથવા તો ગમે તે રીતે જઈને પણ મળવા માગતા હોઈ છે. ત્યારે સિક્યોરિટી સામે સવાલો ઊભા થતા હોય છે. ત્યારે આવી જ સિક્યોરિટીમાં ચૂક ગઈકાલે રાજકોટના સ્ટેડિયમમાં જોવા મળી હતી. આટલી બધી સિક્યોરિટી, પોલીસ અને સાથે પ્રાઇવેટ બાઉન્સર્સ હોવા છતાં તે યુવક મેદાનમાં કૂદીને જતો રહ્યો તે ખૂબ જ મોટી ચૂક કહેવાય.

ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતી લીધી
ભારત અને શ્રીલંકા T20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રને હાર આપી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 229 રનના ટાર્ગેટની સામે શ્રીલંકા 16.4 ઓવરમાં 137 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

સૂર્યકુમારે શાનદાર સેન્ચુરી ફટકારી
ટીમ ઈન્ડિયાના 360 ડિગ્રી પ્લેયર તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમતા માત્ર 45 બોલમાં સેન્ચુરી પૂરી કરી હતી અને કરિયરની ત્રીજી સદી ફટકારી હતી. તેણે ટીમ ઈન્ડિયાની ઇનિંગ પૂરી થતાં સમયે કુલ 51 બોલમાં 7 ચોગ્ગા અને 9 છગ્ગા અને 219.61ની સ્ટ્રાઈક રેટથી 112* રન ફટકાર્યા હતા. તેના 360 ડિગ્રી શોટ્સ જોઈને સ્ટેડિયમમાં હાજર રાજકોટિયન્સને મજા પડી ગઈ હતી. તેઓના પૈસા વસૂલ થઈ ગયા હતા. તેમાં પણ ટીમ ઈન્ડિયાએ મેચ જીતીને સિરીઝ જીતી લેતાં તેમની ખુશીમાં વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...