કાર્યવાહી:‘તું પૈસા ખિસ્સામાં નાંખશ’ કહી શખ્સે મહિલા હેડ કોન્સ્ટેબલને તમાચો ઝીંક્યો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દંડ લઇ રૂપિયા ખિસ્સામાં મૂકતા બીજો વચ્ચે કૂદી પોલીસની ફરજમાં રુકાવટ કરી
  • ઢેબર ચોકમાં રવિવારે સવારે બનેલો બનાવ, શ્યામનગરના શખ્સની અટકાયત

શહેરમાં અવારનવાર પોલીસ સાથે માથાકૂટ કરી ફરજમાં રુકાવટ કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે વધુ એક બનાવમાં દંડ વસૂલીની રકમ ખિસ્સામાં મૂકતા મહિલા હેડ કોન્સ્ટેબલ સાથે એક શખ્સે ઝઘડો કરી સરાજાહેર તમાચો ઝીંકી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. સિટી પોલીસના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ.એ.એસ.ટીલાવતે એ ડિવિઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા હેડ કોન્સ.ની ફરિયાદ મુજબ, રવિવારે સવારે તેઓ ઢેબર ચોકમાં ટ્રાફિક બ્રિગેડ સહિતનાઓ સાથે ફરજ પર હતા.

ત્યારે એક બાઇકની નંબર પ્લેટ ફેન્સી હોય તેને અટકાવ્યું હતું. પૂછપરછ કરતા તે ચુનારાવાડ ચોક-1માં રહેતો ઉગ્રસેન શ્રવણભાઇ પટેલ હોવાનું જણાવ્યું હતું. બાઇકની નંબર પ્લેટ ફેન્સી હોવાની વાત કરી ટ્રાફિક પોલીસ એપ્લિકેશન મારફતે ફોટો પાડી રૂ.500ના દંડની રસીદ ચાલકના મોબાઇલ નંબર પર મોકલી આપી હતી. જે રસીદ મોબાઇલમાં મળતા ચાલકે દંડ પેટેના રૂ.500 આપ્યા હતા. જે દંડની રકમ લઇ ખિસ્સામાં મુક્યા હતા. આ જ સમયે એક બાઇકચાલક પોતાની પાસે આવી બૂમો પાડી તું આ રૂ.500 શેના ઉઘરાવશ અને તેની પાવતી બતાવ.

જેથી તેને ઓનલાઇન મેમો આપી દંડ વસૂલ કર્યો હોવાનું કહ્યું હતું. ત્યારે તે ચાલક વધુ ઉશ્કેરાય જઇ અસભ્યતાથી તું ક્યારની રૂપિયા ઉઘરાવશ, તું ખોટું બોલશ, આ પૈસા તું તારા ખિસ્સામાં નાખશ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો. જેથી તેને પોતે ડ્રેસમાં છે અને ફરજ પર છે તેવું કહેતા તે શખ્સે પોતાને જાહેરમાં તમાચો ઝીંકી દીધો હતો. સરાજાહેર તમાચો મારતાં જ મારી સાથે ફરજમાં રહેલા ટ્રાફિક બ્રિગેડ દોડી આવ્યા હતા.

બનાવ સમયે જે ચાલક પાસેથી દંડ વસૂલ્યો તે વ્યક્તિએ પણ પોતાની નંબર પ્લેટ ફેન્સી હોય દંડ ભર્યાનું કહેવા છતાં તે શખ્સે ગાળો ભાંડવાનું ચાલુ રાખતા તે શખ્સને એ ડિવિઝન પોલીસમથક લઇ જવાયો હતો. પોલીસમથક લઇ જવાતા તે શખ્સે મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. અંતે પોલીસે મહિલા પોલીસને તમાચો ઝીંકી ફરજમાં રુકાવટ કરનાર ગાંધીગ્રામ, શ્યામનગર-1ના નિલેષ પ્રકાશશંકર માઢક સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...