રાજકોટ શહેરનાં કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટ પાછળ લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતાં અને અભ્યાસ કરતાં 16 વર્ષના સગીર વયનો દિશાંત અને સંત કબીર રોડ પર ગોકુલનગર-1માં રહેતાં તથા યાર્ડમાં મજૂરી કરતાં તેના 20 વર્ષના મિત્ર શ્યામ વિનુભાઇ મેવાડા અલગ અલગ જગ્યાએ બેભાન થઇ ગયા બાદ બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં મોત નીપજ્યા હતાં. બંને મિત્રોના મોત ઝેરી દવા પીવાથી થયાનો પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવતાં બંનેએ સજોડે ઝેર પીધાનું તારણ નીકળ્યું છે. જોકે, આવુ પગલુ શા માટે ભર્યું? તે અંગે કારણ બહાર ન આવતાં ભેદભરમ સર્જાયા છે. કારણ શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સગીર ઘરે આવી સીધો સેટી પર સૂઇ ગયો હતો
પ્રાપ્ત વિગત મુજબ લોકમાન્ય તિલક ટાઉનશીપ RMC ક્વાર્ટરમાં રહેતો સગીર ગત સાંજે પોણા આઠેક વાગ્યે બહારથી ઘરે આવી સીધો જ સેટી પર સુઇ ગયો હતો. તેના મોઢામાંથી
સફેદ ફીણ નીકળતાં જોઇ પિતા વિનુભાઇ ગોવિંદભાઇ ઝાલા, માતા નિરૂબેન અને બીજા સગાસંબંધીઓ હતપ્રભ થઇ ગયા હતાં. તુરંત જ રિક્ષા મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. રસ્તામાં પિતા અરજણભાઇએ શું થયું? શું પીધું? એવા અનેક સવાલ પૂછ્યા હતાં. પરંતુ પુત્ર બોલી શક્યો ન હતો. સિવિલ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવતાં પરિવારમાં કલ્પાંત જોવા મળ્યો હતો.
મોરબી રોડ પર રેતીના ઢગલા પર મિત્ર બેભાન મળ્યો
બીજી તરફ મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસે રેતીના ઢગલા પર એક યુવાન પડ્યો હોય અને તેની બાજુમાં બાઇક હોય કોઇએ 108ને જાણ કરતાં 108 પહોંચી હતી. આ યુવાનને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. તેને પણ તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેના મોબાઇલમાંથી 108ના તબીબે અલગ અલગ નંબર પર સંપર્ક કરતાં મૃતકના ભાઇ રોહિત મેવાડાએ ફોન રિસીવ કર્યો હતો અને એ રીતે મૃતકનું નામ શ્યામ વિનુભાઇ મેવાડા હોવાનું ખુલ્યું હતું.
સગીર બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો
બનાવની અલગ અલગ એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધાવતાં બી-ડિવીઝનના હેડકોન્સ. કે. કે. નિકોલા અને ભાવેશ રબારીએ હોસ્પિટલે પહોંચી એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહોનાં પોસ્ટમોર્ટમ કરાવતાં બંનેના મોત ઝેરી દવા પીવાથી થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો. મૃત્યુ પામનાર સગીર બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેને ભણવા મોડો બેસાડ્યો હોય હાલમાં તે આજી વસાહતમાં આવેલી શાળા નં.76માં ધોરણ-6માં ભણતો હતો. તેના પિતા અરજણભાઇ ધીરૂભાઇ ઝાલા પ્રાઇવેટ સફાઇ કામ કરે છે. માતાનું નામ નીરૂબેન છે. પિતા અરજણભાઇએ કહ્યું હતું કે, શ્યામને ઘરમાં કોઇએ કંઇ કહ્યું નહોતું. તેને શ્યામ સાથે કેટલાક સમયથી મિત્રતા હતી. શ્યામના મોટા પપ્પા લોકમાન્ય તિલક ક્વાર્ટરમાં રહેતાં હોય શ્યામ અહીં આવતો જતો હોવાથી દિશાંત અને શ્યામ વચ્ચે મિત્રતા થઇ હતી. દિશાંતે આવું પગલુ શા માટે ભર્યુ તેની અમને જાણ નથી. શ્યામના મૃતદેહને અંતિમવિધી માટે વતન વાંકાનેરના મહિકા ગામે લઇ જવાયો હતો.
શ્યામ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો
જ્યારે શ્યામ મેવાડા ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તે યાર્ડમાં મજૂરી કરતો હતો. તેના માતાનું નામ પ્રફુલાબેન છે. તેના પિતા વિનુભાઇ ગોવિંદભાઇ મેવાડા ડાકલા વગાડી
ગુજરાન ચલાવે છે. ભાઇ રોહિતે કહ્યું હતું કે શ્યામ યાર્ડમાં મજૂરીએ જતો હતો. પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયાથી તેનું વર્તન ફરી ગયું હતું. તે ઘરમાં કોઇ સાથે બહુ બોલતો નહિ. સુવા અને જમવા માટે જ આવતો હતો. અઠવાડિયાથી મજૂરીએ પણ જતો નહોતો. ગઇકાલ સાંજે તે ઘરેથી નીકળ્યા બાદ મને તે મોરબી રોડ જૂના જકાતનાકા પાસે રેતીના ઢગલા પર બેભાન પડ્યો હોવાનો 108માંથી ફોન આવ્યો હતો. તેને ઘરમાં કોઇનો ઠપકો પણ નહોતો કે તેને કોઇ છોકરી સાથે પણ મિત્રતા નહોતી. આ પગલુ શા માટે ભર્યુ તેની અમને ખબર નથી.
બંનેના પરિવારજનો આ ઘટનાથી હતપ્રભ
બંને મિત્રોએ મોરબી રોડ જકાત નાકા પાસે ઝેરી પ્રવાહી પીધા બાદ વધુ અસર થતાં શ્યામ ત્યાં જ બેભાન થઇ પડી ગયાની અને દિશાંતને ઓછી અસર હોય તે ઘરે પહોંચ્યા બાદ ઝેરી અસર થતાં બેભાન થઇ ગયાની શક્યતા પોલીસ ચકાસી રહી છે. બંનેના પરિવારજનો આ ઘટનાથી હતપ્રભ થઇ ગયા છે. પોલીસે કારણ શોધવા મથામણ આદરી છે. બે મિત્રોએ ભેદી સંજોગોમાં આપઘાત કરી લીધાની ઘટનાની તપાસ પીઆઇ એમ. બી. ઔસુરાની રાહબરીમાં હાથ ધરવામાં આવી છે. બંને મિત્રોના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવામાં આવશે તેમજ આ બંને ખરેખર ક્યાં ભેગા થયા હતા? બંનેએ એક જ સ્થળે દવા પીધી હતી કે કેમ? તે સહિતની હકીકત જાણવા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.