ધરપકડ:દર્શન કરી ઘરે જઇ રહેલા વૃદ્ધાનું ગળું અડવું કરનાર શખ્સ પકડાયો, 3 માસ પહેલા સાધુવાસવાણી રોડ પર ચીલઝડપ કરી હતી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના પોશ વિસ્તાર જાગનાથ પ્લોટમાં ત્રણ દિવસ પહેલા વૃદ્ધાનું ગળું અડવું કરી નાસી ગયેલા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. પૂછપરછમાં વધુ એક ચીલઝડપનો ભેદ ઉકેલાયો છે.ન્યૂ જાગનાથ પ્લોટ 39 બમાં રહેતા મીનાબેન ભરતભાઇ ગાંધી નામના વૃદ્ધા ગત તા.4ની સવારે નવ વાગ્યાના અરસામાં ઘર પાસે આવેલા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત ફરતી વેળાએ ઘર પાસે જ સામેથી બાઇક પર આવેલા શખ્સે અચાનક ગળામાં ઝોંટ મારી રૂ.1 લાખની કિંમતના બે તોલાનો સોનાનો ચેઇન ઝૂંટવી મહિલા કોલેજ અન્ડરબ્રિજ તરફ જવાના રસ્તે ભાગી ગયો હતો.

બૂમાબૂમ કરવા છતાં બાઇકસવાર સમડી નાસી છૂટવામાં સફળ રહી હતી. વૃદ્ધાએ પોલીસને જાણ કરતા પોલીસે બનાવ સ્થળે દોડી જઇ સીસીટીવી કેમેરાના આધારે ચેઇન ઝૂંટવી નાસી ગયેલી સમડીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. ફૂટેજના આધારે હાથ ધરેલી પોલીસ તપાસમાં વિમલનગરમાં રહેતા હર્ષ જયેશ માલવીને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં તેને જાગનાથ પ્લોટ અને ત્રણ મહિના પહેલા સાધુવાસવાણી રોડ પર મળી બે ચીલઝડપની કબૂલાત આપી છે. પોલીસે હર્ષની ધરપકડ કરી સોનાના ચેઇન, એક ટુ વ્હિલર મળી રૂ.1.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

લૂંટ-ચીલઝડપના ગુના આચરનાર ગુનેગાર પાસામાં
શહેરમાં અનેક ગુના આચરનાર મનહરપરામાં રહેતા સુરેશ ઉર્ફે ચોટો હરિ બાબરિયાને પાસા હેઠળ મહેસાણા જેલહવાલે કરી દેવાયો છે. પાસા હેઠળ ધકેલાયો સુરેશ ઉર્ફે ચોટો અગાઉ શહેરના પાંચ પોલીસમથકના વિસ્તારમાં વીસથી વધુ ગુના આચરવાના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...