રાજકોટમાં સગીરાના અપહરણ અને છેડતીના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં જંક્શન વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઇ પોપટપરાનો શખસ તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરાને બળજબરીથી પકડી શરીરે અડપલા કર્યા બાદ કિસ કરી લીધી હતી. તેમજ જતા જતા પિતા અને ભાઈને મારી નાખવાની અને એસિડ એટેકની ધમકી આપી હતી. આ મામલે સગીરાના માતાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
રાજકોટના જંક્શન વિસ્તારમાં રહેતા મહિલાએ પોલીસ ફરિયાદમાં પોપટપરામાં આવેલી કૃષ્ણનગર શેરી નંબર.5માં રહેતા સેજાન ઉર્ફે સેજુ દિલાવરખાન પઠાણનું નામ આપતા પોલીસે IPC 354 (ક), 442, 506(2) અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
પરિવાર બહાર જતા સગીરા ઘરે એકલી હતી
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે. તેઓ ઘરના બધા લોકો ગત તા.21/02ના રોજ બહાર ગયા હતા. તેમની 16 વર્ષની સગીર પુત્રી ઘરે એકલી હતી. ત્યારે કૃષ્ણનગરમાં રહેતો સેજુ પઠાણ ત્યાં આવ્યો હતો. ઘરે એકલી રહેલી પુત્રીને જોઈ તેમણે એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી ગયો હતો. તેમજ પુત્રી કાંઈ સમજે એ પહેલાં જ તેણીનો હાથ પકડી દીવાલ પાસે ઉભી રાખી શરીરે અડપલાં કર્યા હતા અને બળજબરીથી કિસ કરી હતી.
ગુમસુમ રહેતી પુત્રીએ પરિવારને હકિકત જણાવી
ત્યારબાદ આ સેજુએ કહ્યું કે, આ વાત જો કોઈને કહીશ તો તારા પિતા અને ભાઈને જાનથી મારી નાખીશ, તારા મોઢા ઉપર એસિડ ફેંકી મોઢું બગાડી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. આ મામલે પુત્રી ગુમસુમ રહેતી હોય તેણીને પૂછતાં હકિકત જણાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ આરોપી સાથે માથાકૂટ થઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે સાંજના આરોપી અને સગીરાના પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં આરોપીની માતા અને તેની ભત્રીજીને માર મારવામાં આવ્યો હતો. જ્યારે સામા પક્ષે સગીરાના પિતાને પણ ઇજા પહોંચી હતી અને તેમાં એવું જણાવ્યું હતું કે, આરોપીનું સગીરા સાથે સગપણ કરવા માગું નાખવામાં આવ્યું હતું. આ બાબતે આ માથાકૂટ થઇ હતી જે મામલે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.