બે મહિના પૂર્વે જ મધ્યપ્રદેશથી રાજકોટ આવી કારખાનામાં કામ કરતા શખ્સે યૂ-ટ્યૂબ પરથી હથિયાર બનાવવાનું શરૂ કર્યું હતું અને પાંચ જ દિવસમાં તમંચો બનાવી વેચવા માટે મિત્રને આપ્યો હતો. પોલીસે બંનેને ઝડપી લઇ હથિયાર જપ્ત કર્યું હતું. પોલીસે બંનેને બે દિવસના રિમાન્ડ પર લઇ તપાસ આગળ ધપાવી હતી. કોઠારિયા સોલવન્ટ નજીક સીતારામ સોસાયટીના ચોકમાં રાજેશ જેસિંગ આંકોલિયા નામનો શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઊભો હોવાની હકીકત મળતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે રાજેશને સકંજામાં લઇ તેની તલાશી લેતા તેની પાસેથી રૂ.10 હજારની કિંમતનો દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે હથિયાર જપ્ત કરી મૂળ ચોટીલાના પાજવાલી ગામના રાજેશ જેસિંગ આંકોલિયાની પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં પોલીસે તેના મિત્ર નવીન દાદોરિયાને પણ ઝડપી લીધો હતો.
નવીન દાદોરિયાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, બે મહિના પૂર્વે જ એમ.પી.થી રાજકોટ આવ્યો હતો અને હર્ષ મશીન ટુલ્સ નામના કારખાનામાં મજૂરીકામે રહ્યો હતો. સાંજે કારખાનેદાર ઘરે જાય એટલે રાત્રીના 9 વાગ્યાના અરસામાં યૂ-ટ્યૂબ પરથી હથિયાર બનાવવાનું શીખતો હતો અને પાંચ જ દિવસમાં તમંચો બનાવ્યો હતો. તમંચો તૈયાર થતાં તેના મિત્ર રાજેશ આંકોલિયાને વેચવા આપ્યો હતો. પ્રથમ હથિયાર વેચાયા બાદ વધુ હથિયાર બનાવવાનો પ્લાન હતો, જોકે તે પહેલા જ પોલીસે ઝડપી લીધો હતો.
પોલીસે કારખાનામાંથી જુદા જુદા હથિયારના સ્કેચ, હથિયાર બનાવવામાં કામમાં આવતી અલગ અલગ સ્પ્રિંગ, લોખંડનું રોમટિરિયલ સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. નવીન દાદોરિયાએ અગાઉ હથિયાર બનાવ્યા હતા કે કેમ?, જો બનાવ્યા હોય તો કોને વેચ્યા હતા સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે બંને આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.