રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાથી કમળાપુર ગામે જતા મામલતદાર એસ.આર.ત્રિવેદીએ બાખલવડ ગામ નજીક બે શંકાસ્પદ ડમ્પરને અટકાવ્યા હતા. જ્યાં તપાસ કરતા 50 ટન જેટલી ગેરકાયદેસર રેતી મળ આવી હતી. જેને પગલે મામલતદાર એસ.આર.ત્રિવેદીએ બન્ને વાહન ચાલકો પર રૂ.2 લાખનો દંડ ફટકાર્યો હતો.
મામલતદાર વેક્સિનેશન અભિયાન માટે જતા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં મામલતદાર એસ.આર.ત્રિવેદી અને તેનો સ્ટાફ કમળાપુર ગામે વેક્સિનેશન અભિયાન માટે જઈ રહ્યો હતો.એ સમયે બાખલવડ ગામ નજીક સામેની સાઈડથી આવતા નંબર પ્લેટ વગરના બે ડમ્પર શંકાસ્પદ હાલતમાં 50 ટન જેટલી રેતી ભરેલા નીકળતા જસદણ મામલતદારે અટકાવ્યા હતા.
ડમ્પરને કસ્ટડીમાં રાખી આગળની કાર્યવાહી હાથ ધરી
જસદણ મામલતદારે બન્ને ડમ્પરના ચાલક પાસે રેતી અને વાહનોના આધાર દસ્તાવેજો માંગ્યા હતા અને બન્ને ડમ્પરના ચાલકનું નિવેદન લઈ બન્ને ડમ્પરને જસદણની મામલતદાર કચેરી ખાતે લઈ જઈ કસ્ટડીમાં રાખી દઈ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ બન્ને ડમ્પરના માલિકોને બોલાવતા વાહન માલિકોએ પોતાની ભૂલ સ્વીકારી યોગ્ય દંડ વસુલી બન્ને વાહનો છૂટા કરી આપવાની માંગ કરી હતી.
ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો
જેથી જસદણ મામલતદાર એસ.આર.ત્રિવેદીએ કાયદા અને નિયમાનુસાર બન્ને વાહનોનો કુલ રૂ.2,00,000 નો દંડ વસુલી લઈ મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા બન્ને ડમ્પર થાનગઢથી રેતી ભરીને જસદણ તરફ આવી રહ્યા હતા અને બન્ને ડમ્પરમાં નંબર પ્લેટ લગાવેલી ન હોવાથી જસદણ મામલતદારે આરટીઓ ઈન્સ્પેકટરને જાણ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જસદણ મામલતદારે ગેરકાયદેસર રેતી ભરેલા બન્ને ડમ્પરને પકડી પાડી દંડનાત્મક કાર્યવાહી કરતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
(દિપક રવિયા,જસદણ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.