લો ​​​​​​​કોલેજે કર્યું કાયદાનું ઉલ્લંઘન:ક્લાર્કને 6 વર્ષથી 1.90 લાખની ગ્રેચ્યુઇટી ન ચૂકવાતા મામલતદારે લો કોલેજની ચાર ઓફિસ સીલ કરી દીધી!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેબર કોર્ટના હુકમ અને કલેક્ટરની નોટિસને પણ ગાંઠતા નો’તા

શહેરમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે કોઈ સરકારી કોલેજની ઓફિસોને સરકારી તંત્રએ જ સીલ કરી દીધી હોય. એએમપી લો કોલેજમાં અગાઉ ફરજ બજાવતા અને વર્ષ 2016માં નિવૃત્ત થયેલા જુનિયર ક્લાર્ક કિશોરભાઈ પંડ્યાને તેમની નિવૃત્તિ બાદ ગ્રેચ્યુઇટીની રકમ કોલેજે નહીં ચૂકવતા લેબર કોર્ટમાં દાદ માંગી હતી.

લેબર કોર્ટે ક્લાર્કની ફેવરમાં નિર્ણય કરતા ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો, તેમ છતાં ઘણા સમય સુધી રકમ નહીં ચૂકવતા જિલ્લા કલેક્ટરે પણ આદેશ કર્યો અને મામલતદાર દ્વારા નોટિસ ફટકારવા છતાં કોલેજના સંચાલકોએ બાકી રકમ ચૂકવવા કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે તાજેતરમાં જ પશ્ચિમ મામલતદારે એએમપી લો કોલેજની પ્રિન્સિપાલની બે ચેમ્બર, સ્ટાફરૂમ અને લાઇબ્રેરી સહિત 4 ઓફિસ સીલ કરી દેતા શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે.

આ અંગે લો કોલેજમાં અગાઉ જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત કિશોરભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબર 2016ના રોજ નિવૃત્ત થયો. નિવૃત્ત થયાના બેથી અઢી વર્ષ પહેલા જ બદલી થઇને લો કોલેજમાં જોડાયો હતો. નિવૃત્તિ બાદ મને મળવા પાત્ર થતી 10 વર્ષથી ગ્રેચ્યુઇટી મળવા પાત્ર નથી એમ કહીને ન અપાઈ. ત્યારબાદ લેબર કમિશનરમાં કેસ દખલ કર્યો. એક જ હિયરિંગમાં ગ્રેચ્યુઇટી ચૂકવવા હુકમ થઇ ગયો.

1-12-2016થી એરિયર્સ ચૂકવવા અને જો ચૂકવવામાં વિલંબ થાય તો વાર્ષિક 10 ટકા સાદું વ્યાજ પણ ચૂકવવું તેવો હુકમ થયો. પરંતુ રકમ નહીં ચૂકવાતા તે વખતે રાહુલ ગુપ્તા કલેક્ટર હતા એમને અમે રજૂઆતો કરી. કલેક્ટરે મામલતદાર મારફત હુકમ કર્યો અને ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવા જણાવાયું. છતાં કોલેજવાળાએ ફોલોઅપ ન લીધું. કલેક્ટર ઓફિસ અને મામલતદારે ખૂબ ફોલોઅપ લીધું, કોલેજવાળાને રૂબરૂ બોલાવ્યા અને સમજાવ્યા. ત્યારે કોલેજે કહ્યું કે, અમે ઉપર મોકલ્યું છે આવે એટલે ચૂકવી દઈશું.

કલેક્ટર ઓફિસમાં સંકલન સમિતિમાં પણ આ મુદ્દો મુકાયો હતો. મામલતદારે અગાઉ બે વખત વોર્નિંગ આપી ગયા, નોટિસ પણ આપી છતાં કોલેજ આદેશને ગાંઠતા ન હતા. ત્રણ વર્ષ સુધી આ મુદ્દે કોઈ નક્કર નિરાકરણ અહીં આવતા આખરે પશ્ચિમ મામલતદારે કડક કાર્યવાહી કરી એએમપી લો કોલેજની પ્રિન્સિપાલની ઓફિસ સહિત ચાર ઓફિસ સીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...