રાજકોટમાં મામા-રાણાની દાદાગીરી:મહાનગરપાલિકાએ બીજી વાર તાળાં માર્યા તો તે પણ તોડી સામાન બહાર કઢાવ્યો; કૌભાંડીઓએ ઘણા પરિવારોની દિવાળી બગાડી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકોની દિવાળી બગાડી - Divya Bhaskar
આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકોની દિવાળી બગાડી
  • તંત્રે માનવતા રાખી ફ્લેટ ખાલી નહોતા કરાવ્યા
  • ભાડાની ખાયકી કરનાર ‘મામા’ની નવી ખંધાઈ, એ જ ગરીબો પાસે કાયદો હાથમાં લેવડાવ્યો

રાજકોટના ઉપલાકાંઠે આવેલી ગોકુલનગર વસાહતમાં મનપાના ફ્લેટ ગેરકાયદે ભાડે આપીને ગેરકાયદે ખાયકી કરતા ‘મામા’ અને તેના સાગરીત ‘રાણા’નું કૌભાંડ બહાર આવતા ‘મામા’એ મળતિયા સાથે જઇને ઘણા પરિવારની દિવાળી બગાડી નાખી રાત્રીના સમયે મકાન ખાલી કરાવ્યા છે.

આવાસ યોજનામાં કૌભાંડ બહાર આવતા તંત્રએ પણ માનવતા દાખવી હતી અને નક્કી કર્યું હતું કે, ભલે ગેરકાયદે રહે પણ દિવાળી સુધી તેમના મકાન ખાલી કરાવાશે નહિ જેથી પરિવારો દિવાળી મનાવી શકે. આ જ કારણથી મનપાના ફ્લેટમાં રહેતા હોવા છતાં તેને ખાલી કરાવ્યા ન હતા, જે પરિવારો તાળાં મારીને ભાગી ગયા છે તેમને બોલાવવા માટે મનપાએ તેમના પર પોતાના તાળાં માર્યા હતા. પણ, મફતના પૈસાની ખાયકી સહિતની કાળી કરતૂતો કરીને ખંધાઈની હદ વટાવી ચૂકેલા ‘મામા’એ નવી ખંધાઈ કરી હતી.

જે ગરીબ પરિવારો પાસેથી ભાડું વસૂલાતું હતું તેમના હાથે જ રાત્રીના સમયે મનપાના તાળાં બીજી વાર તોડાવ્યા અને સામાન ખાલી કરાવી ભગાવ્યા હતા. આ કારણે દિવાળી ટાંણે જ એ પરિવારોને રઝળવાનો વારો આવ્યો હતો. અહીં આશ્ચર્યની વાત એ છે કે, કૌભાંડકારો કોણ છે તે મનપાના અધિકારીઓ જાણે છે આમ છતાં તેની સામે પગલાં લેવાતા નથી.

‘મામા’ અને ‘રાણો’ જ ફ્લેટના ભાડા નક્કી કરતા હતા
મનપાએ ઝૂંપડપટ્ટીવાસીઓને એ શરતે આવાસ સોંપ્યા હતા કે તેઓ 15 વર્ષ સુધી આ મકાન કોઇને ભાડે આપી શકશે નહિ તેમજ વેચી શકશે નહીં. પણ, રાજકીય લાગવગથી પોતાના અનેક મળતિયાઓના નામ લાભાર્થી તરીકે ઘૂસાડનાર ‘મામા’એ ફ્લેટ ભાડે આપવાનો ધંધો ચાલુ કર્યો હતો જેથી બીજા લાભાર્થીઓએ પણ ફ્લેટ ભાડે આપવાનું ચાલુ કર્યું હતું પણ આવાસ યોજનામાં ભાડું કેટલું લેવું તે ‘મામા’ અને ‘રાણો’ જ નક્કી કરતા હતા. બધા ફ્લેટમાંથી ભાડું વસૂલવાનું કામ ‘રાણો’ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...