ગણેશ મહોત્સવ 22મીથી શરૂ થઇ રહ્યો છે ત્યારે કોરોના મહામારીમાં લોકોને ભીડમાં ગણેશ મૂર્તિ ખરીદવા ન જવું પડે અને ઘેરબેઠા જ લોકો જાતે મૂર્તિ બનાવી શકે તે માટે ‘દિવ્ય ભાસ્કરે’ એક્સપર્ટને સાથે રાખી માત્ર 8 સ્ટેપમાં જ મૂર્તિ બનાવવાની રીત રજૂ કરી છે. જેમણે અત્યાર સુધીમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ સહિત હજારો લોકોને વર્કશોપના માધ્યમથી માટીની ગણેશ મૂર્તિ બનાવતા શીખવ્યું છે તે એક્સપર્ટ શીલાબેન રાઠોડે લોકો સરળતાથી સમજી શકે અને ઘેરબેઠા પોતે જ મૂર્તિ બનાવી શકે તે માટે માત્ર 8 સ્ટેપમાં આખી પ્રક્રિયા સમજાવી છે.
માટીની મૂર્તિ પર્યાવરણ માટે ફાયદાકારક છે જ સાથે સાથે આ મૂર્તિની અંદર એક બીજ પણ નાખવામાં આવે છે જેથી લોકો 11 દિવસ ઘેર સ્થાપન અને પૂજા-અર્ચના કરી પોતાના ઘરઆંગણે કે કુંડામાં માટીની મૂર્તિ વિસર્જિત કરે ત્યારબાદ તે જગ્યાએ એક વૃક્ષ પણ ઊગી નીકળે અને પર્યાવરણ માટે ફાયદારૂપ બને. ગણેશની મૂર્તિ બનાવવા માટે કાળી માટી (ચાળેલી), પાણી, 5 દીવાસળી અથવા સળી, મૂર્તિ રાખવા માટેની ડિશની જ માત્ર જરૂર રહે છે.
પગઃ
સૌ પ્રથમ ગણેશજીના પગ બનાવીશું. પગ બનાવવા માટે માટીનો ગોળો બનાવી તેને વેલણ આકાર આપીશું. ત્યારબાદ ‘યુ શેપ’ આપવાનો. પગના પંજાને અંગૂઠા વડે દબાવી બહારની બાજુ વાળવાનો છે.
પેટઃ
પેટ બનાવવા માટે માટીનો મોટો ગોળો બનાવી લાડુની જેમ ગોળાકાર કરી પગના યુ શેપ વચ્ચે ગોઠવવું. પેટ બનાવતી વખતે બંને બાજુ બે સળી ગોઠવી દેવી હાથ બનાવવા માટે.
હાથઃ
માટીને વેલણનો આકાર આપી વચ્ચેથી કાપી ખભ્ભા બાજુ જે બે સળીમાં ગોઠવવું. બંને હાથને વાળી છેડાનો ભાગ છે એને દબાવી એક હાથ આશીર્વાદની મુદ્રામાં અને બીજો લાડુ મૂકવા સીધો પંજો રાખવો.
ખેસઃ
ગોળ લાડુ કરી નીચે રાખીને વણી લેવાનું, આંગળીથી દબાવી લાંબી પટ્ટી બનાવી દેવાની. એ પટ્ટીને ધીમેથી ઉઠાવી ગણેશજીને ખેસ તરીકે હારની જેમ પહેરાવી દેવાનો.
મસ્તક અને સૂંઢઃ
એક લાડુનો મોટો ગોળો બનાવવો, એ ગોળાને અડધો વણવાનો છે એટલે ઉપર વણેલો ભાગ ગોળ રહેશે અને નહીં વણેલો ભાગ ગણેશજીની સૂંઢ બનશે.
દંતશૂળઃ
દંતશૂળ બનાવવા માટે માટીને નાની પટ્ટી જેવો ગોળો બનાવી વચ્ચેથી કાપી નાખવું. ત્યારબાદ સૂંઢની એકબાજુ અણીવાળો અને બીજી બાજુ સીધો લગાવવો.
કાનઃ
માથાના ભાગે કાનની જગ્યાએ બે સળી પહેલાથી જ લગાવી દેવી, ગોળો બનાવી દબાવવો. ગોળાને વચ્ચેથી કાપી ગોળાઈ વાળો ભાગ સળીમાં ભરાવી દેવાનો. સીધો ભાગ બહાર દેખાય એવી રીતે.
મુગટઃ
ગોળો બનાવી તેને વેલણની જેમ વણી લેવું. દબાવીને ચપટું બનાવી દેવાનું. બંને કાન વચ્ચે અને મસ્તકની ઉપર આવે એ પ્રમાણે ગોઠવવું. તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે દીવાસળીથી પણ આકાર આપવો.
(તસવીરોઃ પ્રકાશ રાવરાણી, રાજકોટ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.