રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ એક્સીસ બેંક અને એટીએમમાંથી બે માસ પૂર્વે એટલે કે ગત 13 જાન્યુઆરીએ 500ના દરની 31 નકલી નોટો મળી આવી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકોટ અને અમરેલીના પાંચ શખસો સાથે પુનાના સપ્લાયર અને મુખ્ય સુત્રધાર તેલંગાણાના શખસની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેલંગાણાના શખસની પુછપરછમાં તેની બહેનની સંડોવણી ખુલતા આજ રોજ પોલીસે હૈદરાબાદ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં પોલીસ દ્વારા 3443 જાલી નોટો કબ્જે કરી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
500ના દરની 31 નકલી નોટો મળી આવી હતી
એ ડિવિઝન પોલીસે જાલી નોટ કૌભાંડમાં તેલંગાણાના મુખ્ય આરોપી રમેશબાબુની ધરપકડ કરતા તેની પુછપરછમાં તેની બહેનની સંડોવણી હોવાનું ખુલતા તેની તપાસ કરતા મળી આવેલ ન હતી જેમાં સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આ પછી 20.02.2023 ના રોજ રામેશ્વરી ઉર્ફે અનુ કસ્તુરી હૈદરાબાદ ખાતે 26 લાખ કિંમતની રૂપિયા 500 ના દરની 5200 જાલી નોટ સાથે ઝડપાઈ હતી જેથી આજરોજ પોલીસે મહિલા આરોપીની ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહિલા આરોપી રામેશ્વરી ઉર્ફે અનુ કસ્તુરી અગાઉ 2022 માં પણ પોલીસના હાથે જાલીનોટના કેસમાં પકડાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે.
કેસમાં પોલીસ દ્વારા 7 આરોપીની ધરપકડ કરવામાં આવી
એ ડિવિઝન પીઆઈ કે.એન.ભૂકણ અને ટીમે આંગડીયા મારફતે બેંકમાં નકલી નોટો ઘૂસાડવાના કૌભાંડમાં મૂળ અમરેલીના રાજુલાના હાલ રાજકોટમાં રહેતા ભરત મેરામભાઇ બોરીચા, રાજકોટના તેજસ રાજુ જસાણી, વિમલ બીપીનભાઈ થડેશ્વર, મયુર બીપીનભાઈ થડેશ્વર અને ગુરુપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણીની ધરપકડ કરી હતી. આ લોકોની પૂછપરછમાં પુનાના કમલેશ શીવનદાસ જેઠવાણીની સંડોવણી ખુલતા પોલીસે તેને પણ પુનાથી દબોચી લીધો હતો અને 6 શખસ પાસેથી 15,84,500ની કિમતની 3443 નકલી નોટો કબજે કરી હતી.
રમેશના રિમાન્ડ પૂરા થતા કોર્ટે જેલહવાલે કરવા હુકમ કર્યો
કમલેશ તેલંગાણાના તંદુરગામના રમેશબાબુ વૈન્કટેશ કસ્તુરી પાસેથી નકલી નોટ લાવતો હોવાની અને આ રમેશ જ નકલી નોટ છાપતો હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે તેની પણ ધરપકડ કરી 12 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા તેની બહેન અનુની પણ સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી જો કે એ સમયે તેને પકડવામાં પોલીસને નિષ્ફ્ળતા મળી હતી અને રમેશના રિમાન્ડ પૂરા થતા કોર્ટે જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.
બેંક ખાતેદાર રૂપિયા જમા કરાવા આવ્યા ને ભાંડો ફૂટ્યો હતો
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી એક્સિસ બેંક બ્રાંચના ઓપરેશનલ હેડ તુષારભાઇ સુરેશભાઇ રાવલે 13 જાન્યુઆરીના રોજ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બેંકના ખાતેદાર સંદીપકુમાર કાંતીલાલ સાપરિયા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા. તેઓએ 500ના દરની કુલ 31 જાલી નોટ જમા કરાવી હતી. જેથી મેનેજરે આરબીઆઇના નિયમ મુજબ કાર્યવાહી કરી ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને આંગડિયા પેઢીમાંથી રૂપિયા મેળવ્યાનું ખુલતા પોલીસે આંગડીયા પેઢીમાં પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી.
પુનામાં કમલેશ પુનાવાલા જાલીનોટનું નેટવર્ક ચલાવતો
આંગડિયા પેઢીની તપાસમાં રાજકોટની પી.એમ. આંગડિયા પેઢીમાં ભરત બોરીચાએ જાલીનોટ જમા કરાવ્યાનું સામે આવ્યું હતું. જે બાદ ભરત બોરીચાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેની સાથે સંડોવાયેલા આરોપી તેજસ ઉર્ફે ગોપાલ જસાણી, વિમલ થડેશ્વર, ગુરપ્રિતસીંગ કારવાણી અને મયુર થડેશ્વર સહિત 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે જાલી નોટ મોકલનાર કમલેશ પુનાવાલાને સ્થાનિક પોલીસની મદદથી અટકાયત લઈ કબ્જો લેવા તપાસ હાથ ધરી હતી. પોલીસે રાજકોટ અને જામનગરની આંગડિયા પેઢીમાં જમા કરાવેલી 500ના દરની 513 જાલી નોટ કબ્જે કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
ભરતે તેના મિત્ર તેજસ જસાણીનો સંપર્ક કર્યો હતો
પોલીસના જણાવ્યા મુજબ રાજુલાના ભરત બોરીચાને પોતાની ફેક્ટરીમાં નુકસાની જતા તેને દેવું વધી જતા જાલી નોટ મંગાવ્યાનું સામે આવ્યું હતું. ભરતે તેના મિત્ર તેજસ જસાણીનો સંપર્ક કર્યો હતો અને તેને વિમલ સાથે મુલાકાત કરાવી હતી. બાદમાં વિમલે જણાવ્યું હતું કે, ગુરપ્રીતસીંગ જાલી નોટ કરાવી આપશે. જેથી તેની સાથે મુલાકાત કર્યા બાદ ગુરપ્રીતસીંગે જણાવ્યું હતું કે, મારા મામાનો દીકરો કમલેશ છે તે પુના રહે છે અને તેની પાસેથી જાલી નોટ મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.