મહેશ આસોદરિયા સટ્ટા કેસ:પ્રતિક-હાર્દિકને 50 હજારમાં ID આપ્યું હતું; બે આરોપીની ધરપકડ, 3 ફરાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેશ આસોદરિયા - ફાઈલ તસવીર - Divya Bhaskar
મહેશ આસોદરિયા - ફાઈલ તસવીર
  • સટ્ટો રમવા આઇડી આપનાર રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટરની ધરપકડ

આઇપીએલ શરૂ થતાની સાથે જ શહેરમાં ક્રિકેટ સટ્ટો રમાડતા સટોડિયાઓને પોલીસ એક પછી એક ઝડપી રહી છે. જેમાં વેપારી, કારખાનેદાર સહિતનાઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે ત્રણ દિવસ પહેલા પોલીસે વિરાણી અઘાટ વિસ્તારમાંથી ચંપકનગરના વેપારી પ્રતિક દિનેશ ટોપિયા અને કુવાડવા રોડ, એલપી પાર્કના હાર્દિક જિતેન્દ્ર તારપરાને પોલીસે આઇપીએલના રાજસ્થાન અને લખનૌ વચ્ચેના મેચમાં મોબાઇલના માધ્યમથી ઓનલાઇન સોદા લઇ ક્રિકેટ સટ્ટો રમાડતા પકડી પાડ્યા હતા.

મહેશે આઇડી મેળવ્યાની કબૂલાત આપી
ક્રિકેટ સટ્ટો રમાડતા બંને શખ્સને પકડી પાડ્યા બાદ મૂળ સુધી પહોંચવા પૂછપરછ કરતા પ્રતિકે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં તાજેતરમાં જ ડિરેક્ટર તરીકે નિમાયેલા મહેશ પ્રાગજી આસોદરિયા પાસેથી રૂ.50 હજારમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડવા માટેની આઇડી મેળવ્યાની કબૂલાત આપી હતી. તેમજ તેમની સાથે મુંબઇના હિમાંશુ પટેલ અને રાજકોટના અજય નટવરલાલ મીઠિયા પણ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે પાંચેય આરોપી સામે ગુનો નોંધી અન્ય ત્રણ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

મોબાઇલ લોકેશનથી આરોપીની ધરપકડ
દરમિયાન સહકાર સોસાયટી-8માં રહેતો રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર મહેશ આસોદરિયાને મોબાઇલ લોકેશનના આધારે ઝડપી લઇ ધરપકડ કરી છે. પકડાયેલા મહેશની પ્રાથમિક પૂછપરછમાં તેને સુરતના રાજુ નામના શખ્સ પાસેથી આઇડી મેળવ્યું હોવાની પીઆઇ જે.વી.ધોળાને કેફિયત આપી છે. અન્ય બે ફરાર આરોપીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજકોટ લોધિકા સંઘમાં ડિરેક્ટર પદેથી આસોદરિયાને દૂર કરાયા
ક્રિકેટના સટ્ટામાં મહેશ આસોદરિયાનું નામ ખૂલતા તેને રાજકોટ લોધિકા સંઘમાંથી ડિરેક્ટર પદેથી દૂર કર્યા હોવાનું આર.ડી.સી. બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું. વધુમાં તેને જણાવ્યું હતું કે, હાલ જે જગ્યા ખાલી પડી છે તેમાં જ્યાં સુધી નવા ડિરેક્ટરની નિમણૂક નહિ થાય ત્યાં સુધી ઝોનલ મેનેજર ઈન્ચાર્જ તરીકે રહેશે. જોકે મહેશ આસોદરિયાની નિમણૂક ફેબ્રુઆરી માસમાં જ કરવામાં આવી હતી અને તેની નિમણૂકના બે મહિનામાં જ તેનું નામ ક્રિકેટ સટ્ટામાં ખૂલતા આ મુદ્દો સહકારી જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...