કાગદડી મહંત આપઘાતકેસ:મહંતે આપઘાત પૂર્વે સુસાઇડ નોટમાં લખ્યું- ભત્રીજા પાસે 2 દીકરીના 6 વીડિયો છે, એનો દુરુપયોગ કરી મને ખોટી રીતે મૃત્યુના મુખમાં ધકેલી દીધો

4 મહિનો પહેલા
રાજકોટનો વિક્રમ સોહલા હિતેશ અને અલ્પેશને મદદ કરતો તથા મહંતને માર મારતો હતો.
  • આશ્રમ પર કબજો જમાવવા દબાણ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ
  • આરોપીઓએ બે યુવતીને તેની પાસે મોકલી અલગ અલગ 6 વીડિયો ઉતારી લીધા
  • જો મને કંઈ થાય તો એના માટે જવાબદાર હિતેષભાઈ લખમણભાઈ જાદવ તથા અલ્પેશસિંહ સોલંકી રહેશે

રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાતકેસ પરથી પોલીસે પડદો ઊંચકી લીધો છે. આ ચકચારી મામલામાં ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપી ભૂગર્ભમાં ઊતરી ગયા છે ત્યારે મહંતની 20 પાનાંની સુસાઈડ નોટના અંશો સામે આવ્યા છે, જેમાં મહંતે લખ્યું છે કે ભત્રીજા પાસે 2 દીકરીના 6 વીડિયો છે. એનો દુરુપયોગ કરી મને ખોટી રીતે મૃત્યુના મુખમાં ધકેલી દીધો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહંતનો યુવતી સાથેનો આપત્તિજનક વીડિયો સામે આવ્યો હતો.

આશ્રમ પર કબજો જમાવવા દબાણ કરવામાં આવતું હતું
મહંતે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આરોપીઓએ બે યુવતીને તેની પાસે મોકલી અલગ અલગ 6 વીડિયો ઉતારી લીધા હતા. એ વીડિયોના આધારે બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવ્યા હતા અને આશ્રમ પર કબજો જમાવવા દબાણ કરવામાં આવતું હતું. વીડિયો ઉતારીને બ્લેકમેઇલિંગ શરૂ કરી લાખો રૂપિયા પડાવી લીધા બાદ મહંતને છરીની અણીએ દબાવીને આશ્રમને દાન, ફાળામાં મળતા તમામ પૈસા રોજેરોજ અલ્પેશને આપી દેવાના અને જે પૈસા છે એમાંથી ધંધો કરાવી દેવાની ધમકી આપી હતી. તદુપરાંત તમામ ટ્રસ્ટીઓનાં રાજીનામાં લઇ લીધાં પછી ગૌશાળાની તમામ ગાયો વેચીને ફલેટ લઇ દેવાની હા પડાવી હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.

મહંત યુવતીને રાત્રે આશ્રમમાં રોકાઈ જવા કહેતા હતા.
મહંત યુવતીને રાત્રે આશ્રમમાં રોકાઈ જવા કહેતા હતા.

શું છે સમગ્ર મામલો
રાજકોટના કાગદડી ગામના ખોડિયાર આશ્રમના મહંતનું 1 જૂને થયેલું મૃત્યુ કુદરતી નહોતું, પરંતુ મહંતે તેના કૌટુંબિક ભત્રીજા અને જમાઇ સહિત ત્રણ શખસના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ધડાકો પોલીસ તપાસમાં થયો હતો. ભત્રીજા અને જમાઇએ બે વર્ષ પહેલાં મહંત પાસે બે યુવતીને છ વખત મોકલી તેનું વીડિયો શૂટિંગ કરી લીધું હતું અને એના આધારે મહંતને બ્લેકમેઇલ કરી અત્યારસુધીમાં રૂ.20 લાખ પડાવ્યા હતા અને આશ્રમ પચાવી પાડવા માટે રાજકોટના શખસની સાથે મળી દબાણ કરતાં મહંતે આપઘાત કરી લીધો હતો. પોલીસે ત્રણ શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પોલીસ કોના દબાણથી વિગતો છુપાવી રહી છે?
હાલ સુસાઇડ નોટના આધારે હિતેષ, અલ્પેશ અને વિક્રમ દ્વારા આશ્રમ પર કબજો કરી લેવાનો કારસો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. રાજકીય વગ ધરાવતા મહંતના ભેદી મોત મામલે પોલીસ કોના દબાણથી વિગતો છુપાવી રહી છે? એવી આશ્રમના અનુયાયીઓમાં જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે.

જે પૈસા આવે એ સાંજે અલ્પેશને આપી દેવા
મહંતે સુસાઇડ નોટમાં વલોપાત સાથે લખ્યું છે કે તેમને બ્લેકમેઇલ કરી રહેલા શખસોમાંથી ‘અલ્પેશ અહીં રહેશે, ગૌશાળામાં તમારે જવાનું નહીં, જે પૈસા આવે એ સાંજે અલ્પેશને આપી દેવા, અલ્પેશ અને હું જે કાંઇ કરીએ તમારે બોલવાનું નહીં.'

ગાયો વેચી અલ્પેશને ફ્લેટ લઈ દેવાનો
ધીરે ધીરે બધા ટ્રસ્ટીઓનાં રાજીનામાં લઇ લેવાનાં, ધીરે ધીરે ગાયો કાઢી અલ્પેશને ફ્લેટ લઇ દેવાનો તથા અત્યારે જે પૈસા છે એમાંથી અલ્પેશને ધંધો કરાવી દેવાનો.’

આરોપી હિતેષ અને અલ્પેશ.
આરોપી હિતેષ અને અલ્પેશ.

અતિશય માનસિક ટોર્ચરથી થાકી ગયો છું
મહંતે વધુમાં લખ્યું છે કે મેં તેના પરિવાર દ્વારા ઉકેલ માટે ઘણા પ્રયાસો કરેલા, એમાં હરિભાઈ પરબતભાઇ જાદવ દ્વારા છેલ્લા દોઢેક વર્ષથી કહેવામાં આવતું હતું કે બાપુ તમે ચિંતા ન કરો, બધું પતી જશે. મેં જ્યારે પણ ટ્રસ્ટમાંથી રાજીનામા માટે તથા હિટાચીના સામાન માટે કહેલું, આથી અતિશય માનસિક ટોર્ચરથી હું થાકી ગયો છું.

વિક્રમ ભરવાડ દ્વારા જબરદસ્તી મારકૂટ
30 મેના રોજ બપોરે 11થી 2 વચ્ચે રાજકોટથી વિક્રમ ભરવાડ દ્વારા જબરદસ્તી મારકૂટ કરીને હિતેશના કહેવાથી એવું કહેવડાવેલું’ એવો ઉલ્લેખ કરાયો છે.

સહનશક્તિ હતી ત્યાં સુધી સહન કર્યું, હવે સહનશક્તિ પૂરી થઈ
ગૌભકત અને મોટો અનુયાયીવર્ગ ધરાવતા જયરામદાસ બાપુએ આપઘાત કરતાં પૂર્વે લખેલી 20 પાનાંની સુસાઇડ નોટમાં લખ્યું છે કે ‘જો મને કાંઇ પણ થાય તો એના માટે જવાબદાર હિતેષભાઈ લખમણભાઈ જાદવ- પ્રશ્રનાવાડા તથા અલ્પેશસિંહ સોલંકી પેઢાવાડા છે, જેમને મેં મારા પુત્ર જેમ માની આશરો આપેલો, પણ હવે હું મારી ભૂલ સ્વૂકારું છું કે સાધુ લોકોએ પોતાના પરિવારને આશરો આપવો ન જોઇએ. તે લોકો જે કહે છે એ સદંતર ખોટી વાત છે. જે કાંઈપણ બનાવ બનેલો એ દિવસે મને ફસાવવા અને પૈસા કઢાવવા મારી પર ત્રાસ ગુજારેલો. સહનશક્તિ હતી ત્યાં સુધી સહન કર્યું, હવે સહનશક્તિ પૂરી થઇ ગઇ છે, સત્યતા મારો રામ જાણે.

મહંત 17 વર્ષથી આશ્રમમાં રહેતા.
મહંત 17 વર્ષથી આશ્રમમાં રહેતા.

હોસ્પિટલના ડોક્ટરનું પણ નિવેદન નોંધાશે
આવી અનેક ચોંકાવનારી વિગતો મહંતે સુસાઇડ નોટમાં લખી છે, પરંતુ પોલીસ દ્વારા સુસાઇડ નોટ અને ફરિયાદની વિગતો અકારણોસર છુપાવાઇ રહી છે. વધુમાં આપઘાતના બનાવને કુદરતી મોતમાં ખપાવવામાં ડોક્ટર નિમાવત અને તેના સાથી ડોક્ટરની ગુનાહિત બેદરકારી સાથે બનાવને છુપાવવા અંતિમવિધિ અને અસ્થિવિસર્જન કરી દેનારા ટ્રસ્ટીઓ પણ એટલા જ ગુનેગાર છે. પોલીસ દ્વારા આપઘાતના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર ડોક્ટર અને જવાબદાર ટ્રસ્ટીઓના નિવેદન સિવાય તેમની સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસે અનેક જવાબોમાં મૌન સેવી લીધું છે, એની પાછળનું કારણ શું એ એક મોટો સવાલ છે.

મહંતે સુસાઇડ નોટ કોને સંબોધીને લખી
સુસાઇડ નોટના આ લખાણ પરથી જ આરોપીઓ દ્વારા કીમતી જગ્યા પર સ્થાયી અને મોટી આવક ધરાવતા આશ્રમનો કબજો લઇ લેવા જ યુવતીઓ મારફત મહંતને ફસાવીને વીડિયો ઉતારાયા હતા. પોલીસ આ ચકચારી બનાવમાં શું સત્ય બહાર લાવી શકે છે એની પર સૌની નજર મંડાયેલી છે. મહંતે આપઘાત કરતાં પૂર્વે લખેલી સુસાઇડ નોટ કોને સંબોધીને લખી છે એ હજી જાહેર થયું નથી.

રાજકોટનો વિક્રમ સોહલા હિતેશ અને અલ્પેશને મદદ કરતો તથા મહંતને માર મારતો હતો.
રાજકોટનો વિક્રમ સોહલા હિતેશ અને અલ્પેશને મદદ કરતો તથા મહંતને માર મારતો હતો.

સેવકને આપઘાતની પહેલેથી ખબર હતી!
સુસાઇડ નોટના એક પેજમાં મહંત જયરામદાસબાપુએ પોતાના પૂર્વાશ્રમની ખેતીની પેઢાવાડા ગામની જમીન શ્રી ભગવતભાઈ ભાભાભાઈ સ્મારક ટ્રસ્ટ અથવા રામસિંહભાઇ નારણભાઇવાળા હોસ્પિટલને અર્પણ કરવી એમ લખી નીચે પોતાની સહી કરી છે. ટ્રસ્ટીઓ અસ્થિવિસર્જન કરીને પરત આવ્યા ત્યારે પ્રવીણ ટ્રસ્ટી રામજીભાઇએ કહ્યું હતું કે બાપુ ઘણા સમયથી ટેન્શનમાં હતા. બનાવની આગલી રાતે દવાના રૂમમાં ગયા હતા, જેથી બાપુએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધો હતો. પ્રવીણે ઉપરોક્ત તમામ વિગતોનો ફરિયાદમાં ઉલ્લેખ હોવા છતાં ટ્રસ્ટી અને ડોક્ટરે ઇરાદાપૂર્વક પુરાવાનો નાશ કરી આપઘાતને કુદરતી મોતમાં ખપાવ્યાનું સ્પષ્ટ થાય છે.

FIRમાં ડૉક્ટરને છાવરવાનો પ્રયાસ?
ટ્રસ્ટી રામજીભાઇની ફરિયાદ મુજબ, 1 જૂને સવારે 6:45 વાગે સેવક હરિભાઇ અને પ્રવીણભાઇએ ફોન કરીને બાપુને કંઇક થઇ ગયાની જાણ કરતાં પોતે આશ્રમે જઇને બાપુને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નહીં ઊઠતાં અરવિંદસિંહ જાડેજા, ટ્રસ્ટના ઉપ-પ્રમુખ જિતેન્દ્રસિંહ, રક્ષિત કલોલા તથા બીજા ટ્રસ્ટીઓને બોલાવ્યા હતા. ટ્રસ્ટી મંડળના નિર્ણયથી મૃતદેહને અંતિમદર્શન માટે રાખી 2 જૂનના સવારે જ આશ્રમમાં અગ્નિસંસ્કાર કરી બીજા દિવસે હરિદ્વાર અસ્થિવિસર્જન કરી પરત આવ્યા. બાપુના રૂમની ચાવી જિતેન્દ્રસિંહ પાસે રહેતી હોવાથી તેણે રૂમ ખોલતાં 20 પાનાંની સુસાઇડ નોટ મળી હતી, જેમાં હિસાબકિતાબ પણ હતા. આમ ટ્રસ્ટીઓ દ્વારા મહંતને હોસ્પિટલ લઇ ગયાનો કોઇ ઉલ્લેખ ફરિયાદમાં કરાયો ન હોવાથી પોલીસે આવી ગંભીર ભૂલ ઇરાદાપૂર્વક રાખી છે કે અક્ષમ્ય બેદરકારી દાખવાઇ છે? એ તપાસનો વિષય છે.