MLA ગોવિંદ પટેલની બેઠક પર રાજકારણ શરુ:રાજકોટમાં આપાગીગાના મહંતે દક્ષિણની બેઠક પર ટિકિટ માંગી કહ્યું:'વિશ્વકર્મા સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ'

રાજકોટએક મહિનો પહેલા
આપાગીગાના મહંત નરેન્દ્ર બાપુ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય ગતિવીધિઓ તેજ થઈ રહી છે. ચૂંટણીની જાહેરાત પણ ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ત્રણેય પક્ષો પણ એકબીજાને પડકાર ફેકી રહ્યાં છે અને ચૂંટણી માટે તૈયારીઓ બતાવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં આવતીકાલે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યાં MLA ગોવિંદ પટેલની રાજકોટ દક્ષિણની બેઠક પર આપાગીગાના મહંત નરેન્દ્ર બાપુએ દક્ષિણની બેઠક પર ટિકિટ આપવાની માંગ ભાજપના મોવડી મંડળ સમક્ષ કરી હતી અને મીડિયાને જણાવ્યું હતું કેચૂંટણીમાં વિશ્વકર્મા સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

હું ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવીશ
વધુમાં તેમણે કહ્યું હતું કે, વજુભાઇ વાળા લડતા ત્યાં સુધી એક બેઠક વિશ્વકર્મા સમાજને મળતી હવે તે લડતા નથી ત્યારે એક બેઠક પર વિશ્વકર્મા સમાજનો હક્ક છે. પાટીદારો 12% વસ્તી મુજબ 7 ટિકિટ સૌરાષ્ટ્રમાં માંગે છે, વિશ્વકર્મા સમાજ 10%ની વસ્તી મુજબ ટિકિટ માટે રાજકોટ સહીત બેઠકો માટે હક્કદાર છે. એટલે રાજકોટની દક્ષિણની બેઠક પર હું ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવીશ. ભાજપ મોવડી મંડળ વિશ્વકર્મા સમાજની લાગણી અને માગણી સંતોષશે મને ખાતરી છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના લોકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત થયા હતા. 2022ની ચૂંટણી પહેલા હવે નરેન્દ્ર બાપુએ ટિકિટની માંગ કરતા ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વોટબેંકનું નવું સમીકરણ રચાશે ! તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે આ વખતે 2022 ની ચૂંટણીમાં કયા પક્ષની પાર્ટીમાં કઈ જ્ઞાતિનું સૌથી મોટું સમર્થન મળશે એ જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...