• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Made 128 Houses At A Cost Of Rs. 6.91 Crore 3 Years Ago To Prevent Poor Families From Becoming Homeless In Case Of Demolition; Neither Demolition Nor Flat

સુઆયોજિત ષડયંત્રનો પર્દાફાશ:ડિમોલિશન થાય તો ગરીબ પરિવાર બેઘર ન બને તે માટે 3 વર્ષ પહેલા 6.91 કરોડના ખર્ચે 128 આવાસ બનાવ્યાં; ન ડિમોલિશન થયું ન ફ્લેટ ફાળવાયા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનપાના એન્જિનિયરોએ આવાસની સાથે આંગણવાડી પણ બનાવી દીધી. જો કે, હજુ કોઈને ફાળવણી નથી થઈ એટલે આંગણવાડી પણ બાળકો વિના સૂની-સૂની પડી છે. - Divya Bhaskar
મનપાના એન્જિનિયરોએ આવાસની સાથે આંગણવાડી પણ બનાવી દીધી. જો કે, હજુ કોઈને ફાળવણી નથી થઈ એટલે આંગણવાડી પણ બાળકો વિના સૂની-સૂની પડી છે.
  • નદી, તળાવ અને વોંકળાકાંઠાના વિકાસ માટે જરૂરી ડિમોલિશન કરી તે ડિમોલિશનના અસરગ્રસ્તોને આવાસ ફાળવવા પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો
  • ચારેય પ્રોજેક્ટમાં ડિમોલિશન નથી થયું છતાં ત્રણ વર્ષ પૂર્વે આવાસ બનાવ્યાં
  • આવાસની સાથે આંગણવાડી પણ બનાવી દેવાઈ

ચોક્કસ ઇરાદો પાર પાડવા પ્રજાને ઉલ્ટા ચશ્મા પહેરાવવામાં માહિર રાજકોટ મહાનગરપાલિકાના વધુ એક સુઆયોજિત ષડયંત્રનો પર્દાફાશ થયો છે. શહેરના સ્લમ વિસ્તારમાં નદી, તળાવ અને વોંકળા કાંઠે વિકાસકામો કરવા તે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવે ત્યારે ત્યાં રહેતા લોકોને આશરો મળી રહે તે માટે મનપા દ્વારા આવાસ બનાવવાનો પ્રોજેક્ટ છ વર્ષ પૂર્વે સરકારમાં મુકવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ મંજૂર થયા બાદ ઉપલાકાંઠા વિસ્તારમાં રૂ.6.91 કરોડના ખર્ચે 128 સ્માર્ટ ઘર બનાવી દેવામાં આવ્યાં હતાં.

ત્રણ વર્ષથી આ મકાન ખાલીખમ્મ ઊભા છે, મનપાએ આ છ વર્ષ દરમિયાન નદી, તળાવ કાંઠે ન તો ડિમોલિશન કર્યું છે અને ન તો કોઇને મકાન ફાળવ્યું છે, માત્ર પ્રોજેક્ટનો ખર્ચ જ કરીને પોતાના ચોક્ક્સ ઇરાદા પાર પાડવા પ્રજાના પૈસાનો ધુમાડો કરવાની વધુ એક વૃત્તિ સામે આવી છે જેમાં અગાઉ વગોવાયેલા એક અધિકારીની જ ભૂમિકા વધુ એક વખત પ્રકાશમાં આવી હતી.

મનપાએ પ્રોજેક્ટ વર્ષ 2016માં તૈયાર કર્યો હતો
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટેનેબલ આવાસ સ્કિમ પણ સરકાર દ્વારા મુકવામાં આવી હતી, જેમાં નદી, તળાવ અને વોંકળા કાંઠાનો વિકાસ કરવાનો હોય અને જો તે સ્થળે ગેરકાયદે મકાનો બની ગયા હોય તો ત્યાં દબાણ હટાવી તે દબાણકર્તાઓને આવાસ આપવાની યોજના અમલી બનાવવામાં આવી હતી, સરકારની આ યોજના હેઠળ કરોડોની આવક મેળવી ચોક્કસ ઇરાદો પાર પાડવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ શાખાના ટેક્નિકલ વિભાગના તત્કાલીન સિટી એન્જિનિયર અલ્પના મિત્રાએ એક એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.

પ્રોજેક્ટ મુજબ રાજકોટના લાલપરી અને રાંદરડા તળાવ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ, લલૂડી વોંકળી પહોળી કરવાનો પ્રોજેક્ટ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ભવિષ્યમાં અમલી બનાવવામાં આવે તો તે પ્રોજેક્ટ વિસ્તારમાં ગેરકાયદે બનાવાયેલા મકાનો દૂર કરવા પડે અને તેના અસરગ્રસ્તોને માર્કેટિંગયાર્ડ નજીક હાઉસિંગ બોર્ડ પાસેની આંબાવાડીમાં આવાસ આપવાનો પ્રોજેક્ટ વર્ષ 2016માં તૈયાર કરવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટ મનપાએ સરકારમાં મોકલ્યો હતો. મનપાના આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.

મનપાએ કરોડોના ખર્ચે બનાવેલ આવાસ હાલમાં ધૂળ ખાઇ રહ્યા છે
આંબાવાડીમાં રૂ.6.91 કરોડના ખર્ચે 128 સ્માર્ટ ઘર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2019માં તમામ 128 આવાસ બનીને તૈયાર થઇ ગયા હતા. જે પ્રોજેક્ટ ભવિષ્યમાં અમલી બનશે તેનું આગોતરું આયોજન અલ્પના મિત્રા અને તેની ટીમે કર્યું હતું અને સરકારની 6.91 કરોડની ગ્રાન્ટ મેળવી આવાસ બનાવી દીધા હતા, પરંતુ આ આવાસ બની ગયાના અઢી વર્ષ વિતી ગયા હોવા છતાં આ આવાસનું એક પણ ક્વાટર્સ કોઇને ફાળવવામાં આવ્યું નથી, એટલું જ નહીં, ઉપરોક્ત ચારેય સ્થળે હજુ સુધી ડિમોલિશન પણ કરવામાં આવ્યું નથી.

મનપાએ કરોડોના ખર્ચે આવાસ તો બનાવી દીધા પરંતુ કરોડોના ખર્ચે બનેલા તે આવાસ હાલમાં ધૂળ ખાઇ રહ્યા છે, અને હજુ પણ તે ફાળવવામાં નહી આવે તો ખરેખર ડિમોલિશન થશે ત્યારે તે આવાસ રહેવાલાયક રહેશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ગોકુલનગર આવાસ યોજના હાલમાં શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે, તેમાં પણ અલ્પના મિત્રા અને તેની ટીમે કરેલા ગોરખધંધાનો અગાઉ દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો હતો, ત્યારે આંબાવાડીના સ્માર્ટ ઘરમાં પણ પોતાનો જ ઇરાદો પાર પાડવા બનાવાયાની વાત શરૂ થઇ છે, મનપાના હાલના અધિકારીઓ જો આ મામલે ઊંડાણપૂ્ર્વક તપાસ કરશે તો આનો રેલો અધિકારીઓ અને તે સમયના પદાધિકારીઓ સુધી પહોંચવાના પણ નિર્દેષો મળી રહ્યા છે.