તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:‘મેડમના લગ્ન બાકી છે, જિંદગી બગાડી નાખીશ’, તેવું કહેતા મહિલા તબીબે રાજીનામું આપ્યું

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા સુપરવાઈઝર ડઢાણિયા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

રાજકોટના ઉપલેટા તાલુકાના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. હેપી પટેલે અચાનક રાજીનામું ધરી દેતો પત્ર જિલ્લા આરોગ્ય અધિકારીને લખ્યો છે જેમાં હવે તેઓએ તાલુકા હેલ્થ સુપરવાઈઝર નરીન ડઢાણિયાના ત્રાસથી ફરજ નહીં બજાવી શકે તેવું કહ્યું છે.

ઉપલેટા તાલુકા આરોગ્ય અધિકારી ડો. હેપી પટેલે આરોગ્ય અધિકારીને લખ્યું છે કે, ‘તાલુકાના મુખ્ય સુપરવાઈઝર નરીન ડઢાણિયાના ત્રાસથી રાજીનામું આપવાની ફરજ પડી છે. ડઢાણિયા અનેક વખત લાંચના કેસમાં ફિટ કરાવી દેવાની તેમજ બદલી કરવાની ધમકી આપે છે. મને ડિસ્ટર્બ કરવો નહીં જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેવી. આ સિવાય એક રેકોર્ડિંગમાં સ્પષ્ટ બોલે છે કે મારે આગળ પાછળ કોઇ છે નહીં પરંતુ મેડમના લગ્ન નથી થયા તેમની જિંદગી બગાડી નાખીશ તેવી નીચલી કક્ષાની ભાષા સાંભળી પરિવારજનો ચિંતામાં મુકાયા છે. મારી ગરિમા તથા પ્રતિષ્ઠા ઉપર વાર કરેલ છે અને હવે મને કામ કરવા માટે સ્થળ સુરક્ષિત લાગતું ન હોવાથી જ્યાં સુધી તેના પર કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી મારી ફરજ પર હાજર રહી શકીશ નહીં. સરકારના નિયમો અનુસાર 90 દિવસના નોટિસ પિરિયડ સાથે રાજીનામું સ્વીકારવા અનુરોધ છે’.

ડો. હેપી પટેલના રાજીનામાએ જિલ્લા આરોગ્ય વિભાગમાં હડકંપ મચાવ્યો છે. છેલ્લા છ માસથી કોરોનાની મહામારી વચ્ચે ફરજ નિભાવતા તબીબો અને ખાસ કરીને મહિલા કોરોના વોરિયરને રાજકોટ કામ કરવા માટે સુરક્ષિત લાગતું નથી તેમ કહેતા સ્થિતિ ગંભીર હોય તેવું સાબિત થઈ રહ્યું છે.

આક્ષેપો મામલે તપાસ સોંપાઈ છે: ડીડીઓ
ડો.પટેલે પોતાના રાજીનામાની એક નકલ જિલ્લા વિકાસ અધિકારીને પણ મોકલી છે. જે મામલે ડીડીઓ અનિલ રાણાવસિયાએ જણાવ્યું છે કે ‘રાજીનામાના કારણ પાછળ તાલુકા હેલ્થ સુપરવાઈઝર જવાબદાર ગણાવ્યા છે અને ઘણી ફરિયાદો કરી છે. આ મામલે જિલ્લાના ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો.પપ્પુકુમાર સિંઘને તપાસ સોંપાઈ છે’.

અન્ય સમાચારો પણ છે...