રાજકોટ શહેર અને જિલ્લામાં ગાયોમાં લમ્પી વાઇરસનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે એક બાજુ તંત્ર સબસલામત હોવાના દાવો કરી રહ્યો છે. ત્યારે પશુમાલિકોને તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના પશુમાલિકો જેની ગાય લમ્પી વાઇરસનો ભોગ બની છે. તેની સાથે વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે, લમ્પી વાઇરસનો ભોગ બન્યા બાદ ગાય દૂધ દેતી જ બંધ થઈ ગઈ છે. 20-20 દિવસ સુધી ગાય ઊભી નથી થઇ શકતી. ખાવા-પીવાનું મૂકી દીધું છે. જેને કારણે ગાયોમાં અશક્તિ અને નબળાઈ જોવા મળે છે.
આ સિવાય ગાયોના આંચળમાંથી લોહી નીકળે છે. પોતાના પશુધનને બચાવવા માટે પશુમાલિકો ખાનગી ડોક્ટર પાસે સારવાર કરાવી રહ્યા છે. બીજી બાજુ મનપા પાસે હાલ ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ નામની મોબાઈલ ફૂડ લેબ છે જેના આધારે અલગ અલગ વિસ્તારોમાં જઈને ડેરીઓની તપાસ થઈ રહી છે સેમ્પલ લઈને ચકાસણી થાય છે જો પ્રાથમિક તપાસમાં ફેલ જાય તો વધુ સેમ્પલ લઈ પૃથક્કરણ માટે લેબમાં મોકલાય છે. છેલ્લા 10 દિવસમાં જ મનપાની ફૂડ શાખાએ આવા 8 કેસ શોધ્યા છે જેમાં પ્રાથમિક તપાસમાં નમૂના ફેલ થયા છે.
આ તમામ નમૂનાઓમાં પાણીની ભેળસેળ સામે આવી છે તેમાં વેજિટેબલ ઓઇલ કે બીજા કેમિકલ નાખી ફેટ વધારવાના પ્રયાસ થયા છે કે નહિ તે માટે નમૂના લેબ માટે મોકલ્યા છે.લમ્પી ઉપરાંત રાજકોટ બહાર જે દૂધની ભેળસેળ અને નકલી દૂધ બનાવતી ફેક્ટરીઓ ધમધમે છે તે જે વાહનોમાં દૂધ મોકલે છે તેવા વાહનોને પણ અટકાવવામાં આવ્યા છે તેથી તેની ખેપ ઘટી છે. આ બધા કારણોથી દૂધ ઓછું ઉતરતા પાણી ઉમેરવાના પ્રયાસો વધ્યા છે પણ મોબાઈલ ફૂડ લેબને કારણે આ સંખ્યા પણ ડામી દેવાઈ છે.
માલધારી વિરલભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, તેની ગાયને લમ્પી વાયરસ થયા બાદ એકદમ અશક્ત બની ગઈ હતી. તેની ગાય પહેલા 7થી 8 લિટર દૂધ આપતી હતી. લમ્પી બાદ હવે માત્ર 5 લિટર જ દૂધ આપે છે. ગાયને લમ્પી થયા બાદ તેને ખાવાનું બંધ કરી દીધું છે. રિક્વરી રેટ ગાયની રોગપ્રતિકારક શક્તિ પર આધાર રાખે છે. તેમજ જે ગાય રિકવર થઈ ગઇ છે તેનો ખોરાક 50 ટકા ઘટી ગયો છે. તેમજ જે ગાય સવાર-સાંજ ચરતી હતી તે હવે માત્ર સવારે જ બે કલાક ચરે છે.
અમુક પશુપાલકોએ કહ્યું, ગાયે દૂધ આપવાનું જ બંધ કર્યું, અમુકે કહ્યું બે લિટરનો ઘટાડો આવ્યો
દૂધની આવક ઘટ્યાનું ડેરીએ સ્વીકાર્યું, બહાનું ચોમાસાનું ધર્યું
ડેરીમાં સામાન્ય દિવસોમાં 5 લાખ લિટર દૂધની આવક થતી હોય છે, પરંતુ હાલમાં દૈનિક આવક 3.50 લાખ લિટર છે. જોકે દૂધની આવક ઘટવાનું કારણ હાલમાં લમ્પી વાઇરસ નથી પરંતુ ચોમાસું છે. ચોમાસાના ત્રણ મહિનામાં દૂધની આવક ઓછી રહેતી હોય છે. એક અંદાજ મુજબ સરેરાશ 3 ટકા જેટલી આવક ઘટી રહી છે. વીરપુર, ચરખડી, જેતપુર તાલુકામાં હાલ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે. જ્યારે શ્રાવણ માસ શરૂ થયો છે ત્યારે દૈનિક ડિમાન્ડ સામાન્ય દિવસો કરતા 10થી 12 હજાર લિટર વધારે ઉપડે છે. > ગોરધનભાઈ ધામેલિયા, ચેરમેન, રાજકોટ ડેરી
પહેલા સારવાર માટે 30 ફોન આવતા, અત્યારે 80 આવે છે
કરુણા ફાઉન્ડેશન અને અર્હમ યુવા સેવા ગ્રૂપની 15 લોકોની ટીમ રાજકોટ શહેર અને ગાંધીધામમાં ફરી રહી છે. અત્યાર સુધી 12 હજાર અબોલ જીવોને વેક્સિન આપી દીધી છે. જ્યારે શરૂઆત હતી ત્યારે રોજના 30 ફોન આવતા હતા પરંતુ અત્યારે રોજ 80 પશુપાલક અને માલિકોના ફોન આવી રહ્યા છે. તેમ કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ મિતલ ખેતાણી જણાવે છે.
વેક્સિનની સાથે દવા મળે તો રિકવરી ઝડપથી આવે
તંત્ર પાસેથી માત્ર વેક્સિન જ મળે છેે. દવા નથી મળતી. જો દવા મળે તો ઝડપથી રિકવરી આવે. કેન્દ્રમાં દવા- સારવાર લેવા માટે ગયા ત્યારે સૌથી પહેલા તો એવો જવાબ મળ્યો કે, બે-ત્રણ દિવસ કામમાં છીએ. કામ પૂરા થયા બાદ આવીશું. કેન્દ્રમાંથી દવા નહિ મળતા ખાનગી મેડિકલમાંથી દવા લેવી પડી રહી છે. > ભરતભાઈ ધોળકિયા, રૈયાધાર પશુમાલિક
કિસ્સો:- ગાયને વેક્સિન આપવા ઉપરાંત બાટલા પણ ચડાવવા પડ્યા
લમ્પીગ્રસ્ત ગાય સંદર્ભે આનંદનગર વિસ્તારના માલધારી દેવેન્દ્રભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, તેની ગાયે ખાવા-પીવાનું બંધ કરી દીધું છે. વેક્સિન આપવા ઉપરાંત બાટલા પણ ચડાવવા પડ્યા હતા. તેની એક ગાય પહેલા 10 લિટર દૂધ આપતી હતી પણ જ્યારથી લમ્પી વાઇરસનો ભોગ બની છે. ત્યારથી દૂધ આપતી જ બંધ થઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.