વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો વિરોધ આજે LRDની પરીક્ષાના ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે અલગ અલગ કેન્દ્રો ઉપર 36 હજારથી વધારે ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષા આપવા પહોંચ્યા છે. પરંતુ મોટાભાગના ઉમેદવારો કાળા વસ્ત્રો પહેરી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે. યુવરાજસિંહના સમર્થનમાં અને સરકારના વિરોધમાં ઉમેદવારોએ કાળા વસ્ત્રો પહેરી આજના દિવસને બ્લેક ડે જાહેર કર્યો છે. તેમજ યુવરાજસિંહના ફોટો સાથે ‘હું યુવરાજસિંહને સપોર્ટ કરૂ છું, 10 એપ્રિલ બ્લેક ડે’ લખેલા મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આજ રોજ પોલીસે જાહેર કરેલા મોબાઇલ નંબર 905433592 પર 3 જેટલા ઉમેદવારોએ પોલોસની મદદ માંગી હતી. જે પૈકી એક ઉમેદવારને 15 મિનિટના સમયમાં રાજકોટ શહેરથી દૂર બહાર હાઇવે પર ત્રંબા ગામ સ્થિત પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યો હતો.
132 કેન્દ્ર પર પરીક્ષા
પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટમાં 132 કેન્દ્ર પર 36,981 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવનાર છે. પરંતુ મોટાભાગના ઉમેદવારો યુવરાજસિંહના સમર્થનમાં કાળા વસ્ત્રો પહેરી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે. કેટલાક ઉમેદવારો સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી વાંચનમાં મશગૂલ જોવા મળ્ય હતા. પરીક્ષા શરૂ થાય એ પહેલા ઉમેદવારોએ પુસ્તકો ખોલી તૈયારી કરતા જોવા મળી રહ્યા છે.
પરીક્ષાર્થીઓની મદદે પોલીસ
પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ શહેર પોલીસ ટ્રાફિક શાખા દ્વારા ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા મુશ્કેલી સર્જાઇ તો પોલીસની મદદ માગી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે. આ માટે પોલીસ દ્વારા મોબાઇલ નંબર 9054335924 જાહેર કરવામાં આવ્યા છે.
ટ્રાફિક પોલીસે એક ઉમેદવારને પરીક્ષા કેન્દર પહોંચાડ્યો
આજે યોજાયેલી લોકરક્ષકની પરીક્ષા અંગે 11.14 વાગ્યે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો કે, તેઓને ભરાડ સ્કૂલ ત્રંબા ખાતે જવાનું હોઇ પરંતુ તેઓ ઇન્દ્રપ્રથ હેમુગઢવી પાસે આવેલી ભરાડ સ્કૂલ ગયો છે. ત્યાં ખબર પડી હતી કે, તેઓને ત્રંબા ભરાડ સ્કૂલ જવાનું હોય આ બાબતે ટ્રાફિકનાં કર્મચારીને મોકલી 11.25 વાગ્યે હેમુગઢવી હોલથી ટ્રાફિકના વાહનમાં બેસાડી 11.40 વાગ્યે ત્રંબા ભરાડ સ્કૂલ ખાતે પહોંચાડી પરીક્ષા કેન્દ્ર પહોંચાડ્યો હતો.
દરેક સેન્ટર પર એક PI અને PSI તૈનાત
આ અંગે રાજકોટ DCP પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, પરીક્ષાને લઈ પોલીસ તંત્ર તૈયાર છે. રાજકોટ સેન્ટર માટે બે સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા માટે સિલબંધ પેપર આવશે અને પરીક્ષાના અડધો કલાક પહેલાં સિલ ખોલવામાં આવશે. સ્ટાફ અને ઉમેદવારો પાસે મોબાઈલ ફોન ન રહે તેની ખાતરી કરવામાં આવશે. દરેક સેન્ટર પર એક PI અને PSI તૈનાત છે. પરીક્ષા સેન્ટર પર ટ્રાફિક વ્યવસ્થા માટે પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટુડન્ટ હેરાન ન થાય તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જો કોઈ ઉમેદવાર ટ્રાફિકમાં ફસાઇ તો પોલીસ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે. તમામ કેન્દ્ર પર CCTV અને વીડિયો ગ્રાફરની વ્યવસ્થા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.