ખર્ચમાં વધારો:ઈ-બિલિંગ માટેની મર્યાદા ઘટાડવાથી નાના વેપારીઓને મુશ્કેલી થશે, નાણામંત્રીને પત્ર

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટર્ન ઓવરની મર્યાદા 20 કરોડ રાખવા માગણી, ખર્ચમાં વધારો થશે

ઈ-ઈન્વોઈસિંગની મર્યાદા રૂ. 20 કરોડથી ઘટાડીને 10 કરોડ કરવાની અમલવારીના નિર્ણય સામે રાજકોટ ચેમ્બરે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ અંગે નાણામંત્રીને પત્ર પણ લખ્યો છે જેમાં ઈ-ઈન્વોઇસિંગ માટેની મર્યાદા રૂ. 20 કરોડ યથાવત રાખવા માટેની માંગણી ઉઠાવી છે.

રાજકોટ ચેમ્બરે નાણામંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, 1 ઓક્ટોબરથી ઈ-ઈન્વોઈસિંગના ઓનલાઈન જનરેશનની મર્યાદા રૂ. 10 કરોડના વાર્ષિક ટર્નઓવર ઉપર લાગુ કરવાનું નક્કી કરાયું છે.

આ પહેલા વેપારીઓ દ્વારા કરવાપાત્ર ઓનલાઈન ઇ- ઈન્વોઈસિંગની મર્યાદા રૂ. 20 કરોડ હતી જે ઘટાડીને રૂ. 10 કરોડ કરવાથી અનેક વ્યાપારી એકમોને ફરજિયાતપણે ઈ- ઈન્વોઈસિંગની પ્રક્રિયા કરવી પડશે. આ પ્રક્રિયાના કેટલાક ફાયદા તથા ઉપયોગિતા હોવા છતાં મધ્યમ વેપારીઓને પ્રક્રિયાના ભાગરૂપે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

નાના વેપારીઓની મુશ્કેલી હલ થાય તે માટે મધ્યમ વેપારી એકમોને ઓનલાઇન ઈ-ઈન્વોઈસિંગ પ્રક્રિયામાંથી બાકાત રાખવા તથા હાલની જોગવાઈ મુજબ રૂ. 20 કરોડની મર્યાદા યથાવત રાખવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે.

રાજકોટમાં અનેક વ્યવસાય સાથે સંચાલયેલા વેપારીઓ કે જેની પાસે ટેકનિકલ નોલેજ પણ નથી. ટેકનોલોજી વસાવી શકે તેટલા આર્થિક સક્ષમ નથી. ઇ-ઇન્વોશીંગની મર્યાદા 10 કરોડ રાખવામાં આવશે તો આવા નાના વેપારીઓ ખર્ચમાં વધારો થશે.હીસાબ કિતાબ રાખવા માટે કર્મચારીઓ રાખવા પડશે.

આ બધી પ્રક્રિયામાં મોટી રકમનો ખર્ચ થઇ જાય છે. જીએસટી લાગુ થયા બાદ વેપારીઓના માસીક બજેટમાં રૂ. 5 હજારથી લઇ 50 હજાર સુધીનો વધારો થયો છે. તેવામાં આ એક વધારાનો આર્થિક માર સહન કરવો પડશે. રાજકોટ ચેમ્બરે આ અંગે કરીયાણા સહિતના તમામ ક્ષેત્રના વેપારી એસોસિએશન સાથે બેઠક કરી મંતવ્યો જાણ્યા છે. હાલ આ સુચનો દિલ્હી ખાતે મોકલી દેવાયા છે. જીએસટીમાં અવારનવાર આવતા ફેરફારથી સમસ્યા થાય છે.

અન્ય સમાચારો પણ છે...