એક્સક્લૂઝિવ:18 વર્ષ ધારાસભ્ય રહેલા અને શિક્ષક બાવળિયાએ જ સ્વીકાર્યું કે પોતાના મત વિસ્તારમાં ઓછું શિક્ષણ અને અંધશ્રદ્ધાને કારણે વેક્સિનેશન ઓછું

રાજકોટ5 દિવસ પહેલા
  • પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની દિવ્ય ભાસ્કર સાથે વાતચીત
  • જસદણ-વીંછિયામાં પહેલા લોકોને શિક્ષિત કરવા જરૂર લાગે છેઃ બાવળિયા

રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પૂરપાટ ઝડપે ચાલે તો છે પરંતુ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણ-વીંછિયામાં જિલ્લાનું સૌથી ઓછું વેક્સિનેશન થયું છે. આ મુદ્દે કુંવરજી બાવળિયાએ દિવ્યભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોમાં અંધશ્રદ્ધા ખરી જ, કોરોના રોગની ગંભીરતા જે પ્રકારે લેવાવી જોઈએ પ્રકારે કોઈ લેતા નથી.ઓછું શિક્ષણ અને જાગૃતિનો અભાવ પણ જોવા મળે છે. પાટીલ સાહેબે ચૂંટણીકાર્ડના આધારે કોણ વેક્સિન લેવામાં બાકી છે તેને શોધવા અને તેઓને વેક્સિન અપાવવા સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયા 1995થી 2009 સુધી જસદણ-વિંછીયાના ધારાસભ્ય રહ્યા છે અને 2009થી 2014 સુધી સંસદ સભ્ય અને ત્યાર બાદ 2017થી અત્યાર સુધી ધારાસભ્ય પદે રહ્યા છે. આમ તેઓ 18 વર્ષથી ધારાસભ્ય રહેલા હોવાછતાં સાક્ષરતા મામલે તેમનો મત વિસ્તાર હજુ પણ પછાત છે. માત્ર એટલું જ નહીં, B.SC બીએડ એવા એવા બાવળિયા વિછીંયાની અજમેરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

બુથ વાઇઝ ડેટા એકઠો કરવાની કામગીરી કરાશે
બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અનેક કેમ્પમાં હું જાતે ગયો હતો. પાટીલ સાહેબ સાથે કોન્ફરન્સ થઈ હતી અને તેઓએ પણ સૂચના આપી કે બુથ વાઇઝ કાર્યકરોની ટીમ બનાવો અને જે વ્યક્તિ બાકી છે તેનો સર્વે કરો. હવે જસદણ અને વીંછિયા તાલુકાના બુથ વાઇઝ ડેટા એકઠો કરી આરોગ્ય અને અમારી ટીમ સાથે મળી આ દિશામાં મહેનત કરીશું.

આરોગ્યની ટીમ દ્વારા સમજાવવાની કોશિશ કરવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર).
આરોગ્યની ટીમ દ્વારા સમજાવવાની કોશિશ કરવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર).

શિક્ષણ આપીએ તો જ પ્રશ્નોનો ઉકેલ આવે
અંધશ્રદ્ધા દૂર કરવા ભુવાનો સાથ લેવો જોઈએ કે નહીં તેવા દિવ્ય ભાસ્કરના સવાલના જવાબમાં કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હાલ તો શિક્ષણ આપીએ તો જ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે. પરંતુ હાલ ચૂંટણીકાર્ડના આધારે બાકી લોકોને શોધી વેક્સિનેશન લેવા સમજાવી તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ. આરોગ્ય ટીમની કામગીરીમાં ક્યાંય કચાશ જોવા મળી રહી નથી. લોકો જ વેક્સિન લેવાની ના પાડે તો તેમાં આરોગ્ય ટીમ પણ શું કરી શકે. અમારી ટીમ પણ વેક્સિન લેવા લોકોને સમજાવી રહી છે.

આરોગ્યની ટીમ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી હોવાનું બાવળિયાએ જણાવ્યું (પ્રતિકાત્મક તસવીર).
આરોગ્યની ટીમ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી હોવાનું બાવળિયાએ જણાવ્યું (પ્રતિકાત્મક તસવીર).

ઓછા વેક્સિનેશનને લઇને કલેક્ટર પણ દોડી ગયા હતા
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુ પણ જસદણ-વીંછિયા પંથકમાં ઓછા વેક્સિનેશનને લઈને દોડી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની સાથે-સાથે જિલ્લામાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં પ્રથમ ડોઝનું 97.3% વેક્સિનેશન પૂર્ણ થયું છે. વીંછીયા, જસદણ અને ધોરાજીમાં હાલ લોકોમાં ગેરસમજને કારણે વેક્સિનેશન ઓછું છે. સાથે જ બીજા ડોઝની વાત કરીએ તો બીજા ડોઝમાં ફક્ત 60 ટકા આસપાસ જ વેક્સિનેશન થયું છે. હાલ કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે અને તેને જ લઈને વેક્સિનેશનની કામગીરી ઝડપભેર કરવા જિલ્લા વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે.

રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુ.
રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુ.

લઘુમતિ સમાજના આગેવાનો સાથે બેઠક કરીઃ કલેક્ટર
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ લઘુમતિ સમાજમાં વેક્સિનને લઈને કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળી હતી. જેને પગલે મસ્જિદ તેમજ દરગાહોમાં ખાસ મુલાકાત કરી હતી. આ સાથે જ મૌલવીઓ સાથે બેઠક યોજી વેક્સિનેશનનાં કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ટૂંક સમયમાં આ તમામ તાલુકાઓમાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરીને રાજકોટ જિલ્લામાં 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક હાંસિલ કરી લેવા માટે કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...