માવઠાની શક્યતા:દરિયામાં લો પ્રેશરને કારણે વાદળો છવાતાં વાઇરસજન્ય રોગચાળો વકરી શકે

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તડકાની ગેરહાજરીમાં વાઇરસ વધુ સક્રિય થાય છે જેથી કાન, ગળા સહિત શ્વસનને લગતા રોગો વધે : ડો. વણઝારા
  • હજુ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, ન્યૂનતમ તાપમાન વધ્યું પણ તડકો ન રહેતા આખો દિવસ ઠંડી અનુભવાઈ
  • શનિવારથી વાતાવરણ ચોખ્ખું થશે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની શક્યતા

રાજકોટ શહેરમાં બુધવારે વહેલી સવારથી જ વાદળો છવાઈ ગયા હતા. આછા વાદળોને કારણે બપોર સુધી પણ તડકો ન હતો અને જાણે સવાર જ હોય તેવો માહોલ સર્જાયો હતો. હજુ બે દિવસ સુધી આવું જ વાતાવરણ રહેશે તેને કારણે ઘણા સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો પણ આવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર પર ઉદભવેલા લો-પ્રેશરને કારણે વાદળો ઉદભવ્યા છે હજુ બે-ત્રણ દિવસ સુધી આકાશમાં વાદળો છવાયેલા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના છે. દિવસ દરમિયાન વાદળોને કારણે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થયો હતો હવે વાદળો દૂર થશે એટલે ઠંડીમાં વધારો થશે. શહેરમાં ન્યૂનતમ 20 ડિગ્રીએ હતું જે મંગળવારની સરખામણીએ 3 ડિગ્રીનો વધારો દર્શાવે છે.

ન્યૂનતમ તાપમાનમાં વધારાથી ઠંડીનો ઘટાડો અનુભવી શકાય પણ આવું થયું ન હતું કારણ કે દિવસ દરમિયાન વાદળો રહેતા તડકો પડ્યો ન હતો તેથી મહત્તમ તાપમાન કે જે મંગળવારે 32 ડિગ્રી કરતા પણ વધુ હતું તે 30 ડિગ્રી સુધી જ પહોંચી શક્યું હતું અને સાંજે ફરી 28ની નીચે ગયું હતું. આ કારણે આખો દિવસ ન્યૂનતમ નહીં પણ મહત્તમ તાપમાન ઘટવાને કારણે ઠાર અનુભવાયો હતો. આ ઉપરાંત તડકાની ગેરહાજરીને કારણે ઘરો ઉપર રહેલા સોલાર વોટર હિટર જે શિયાળામાં હુંફાળા પાણી આપે છે તે પણ માંડ પાણીને નવશેકુ બનાવી શક્યા હતા.

આ પ્રકારનું ધ્રાબડિયું વાતાવરણ હજુ બે દિવસ રહેવાનુ છે તેના કારણે સ્વાસ્થ્ય પર શું અસર આવે તે અંગે શહેરના અગ્રણી ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. સંકલ્પ વણઝારા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ‘તડકાની ગેરહાજરીમાં વાઇરસજન્ય રોગો વધી જાય છે. જે વાયરસના રોગ દેખાતા હોય તે વધુ સક્રિય બને છે અને કાન, ગળા અને શ્વસનને લગતા રોગ વધી જાય છે. આવી સિઝનમાં ન્યૂમોનિયા પણ થઈ શકે છે. હાલ શક્યતા લાગતી નથી પણ જો વરસાદ પડશે અને લાંબો સમય આવું જ વાતાવરણ રહેશે તો ફરી ડેંગ્યૂ મલેરિયા જેવા રોગો પણ વધી શકે છે.’

આવા વાતાવરણમાં રાબ, ઓસામણ પીવું
ડો. સંકલ્પ વણઝારાએ જણાવ્યુ હતુ કે આવા વાતાવરણમાં ગરમ અને હુંફાળો જ ખોરાક ખાવો જોઈએ. જેમ કે સૂપ, રાબ, ઓસામણ સહિતના પ્રવાહી લેવા જોઈએ. ઠંડી તેમજ ફ્રિઝની વસ્તુઓ આઈસક્રિમ, કોલ્ડ્રીંક્સ જેવા શરદી કરાવે તેવા પદાર્થ ન લેવા. મીઠાઈ સદંતર ન ખાવી પણ જો મિષ્ટાન્ન ખાવું હોય તો ગરમ શીરો ખાવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...