પ્રેમી પર ભરોસો કરવો ભારે પડ્યો:રાજકોટમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું, આરોપીના પરિવારે ઘરે બોલાવી ગળેટૂંપો આપવાનો પ્રયાસ કર્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં રહેતી મૂળ કેશોદ પંથકની યુવતીએ રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગોવર્ધન ચોકમાં રહેતા નીરવ નામના યુવકે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં આ સાથે યુવકનાં માતા-પિતાએ પણ યુવતીને ઘરે બોલાવી મોબાઈલ ચાર્જિંગ કરવાના વાયરથી ગળેટૂંપો આપવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીરવે યુવતીને લગ્ન કરવાનો ભરોસો આપ્યો હતો
ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગોવર્ધન ચોક પાસે સુખસાગર સોસાયટી શેરી નં. 5માં રહેતા નીરવ પરેશભાઈ ધંધુકિયા સાથે તેને પ્રેમસંબંધ બંધાતા બન્ને પ્રથમ ફોન પર વાતચીત કરતાં અને પછી રૂબરૂ મળવા લાગ્યાં હતાં. દરમિયાન આરોપી નીરવે યુવતીને લગ્ન કરવાનો ભરોસો આપ્યો હતો. આથી વિશ્વાસ મૂકી નીરવને જ પોતાનું સર્વસ્વ માની લેતાં આરોપીએ અવારનવાર યુવતી સાથે શરીરસુખ માણ્યું હતું.

નીરવનાં માતા-પિતાએ સંબંધ તોડી નાખવા દબાણ કર્યું
જો કે, એક દિવસ નીરવે યુવતીને કહી દીધું હતું કે, મારાં મમ્મી-પપ્પા લગ્ન માટે માનતાં નથી. આથી તેણે નીરવને લગ્ન માટે મનાવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગઈકાલે રવિવારે રાત્રે નીરવે યુવતીને પોતાના ઘરે બોલાવી હતી. અહીં નીરવના પિતા પરેશભાઈ ધંધુકિયા અને માતા ભારતીબેન હાજર હતાં. તેણે નીરવ સાથે સંબંધ તોડી નાખવા દબાણ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ યુવતીના ગળામાં મોબાઈલના ચાર્જિંગ કેબલથી ગળેફાંસો આપવા પ્રયત્ન કર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહ્યા હતા.

યુવતીને ઘરે બોલાવી આરોપીનાં માતા-પિતાએ માર માર્યો (પ્રતિકાત્મક તસવીર)
યુવતીને ઘરે બોલાવી આરોપીનાં માતા-પિતાએ માર માર્યો (પ્રતિકાત્મક તસવીર)

યુવતીને આંખના અને નાકના ભાગે ફ્રેક્ચર થયું
માર મારતા યુવતીને આંખ પાસે અને નાકના ભાગે ફેક્ચર થયું હતું. મોઢામાં, હોઠ પર, દાંતમાં, ઘૂંટણમાં અને પગના પંજામાં ઈજા પહોંચી હતી. યુવતી તત્કાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હતી અને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આથી તાલુકા પોલીસે પ્રેમી યુવક નીરવ, તેના પિતા પરેશભાઈ અને માતા ભારતીબેન સામે IPC કલમ 376 (2) (એન) 323, 325, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ-3 (2) 5, 3 (1) ડબલ્યુ, 3(1) ચાર મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

યુવતી બીએસસીનો અભ્યાસ કરે છે
કેશોદ પંથકની યુવતી રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરવા આવી હતી અને અહીં રહી તેણે નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. હાલ બીએસસીનો અભ્યાસ કરી રહી છે. દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય થયાની જાણ થતાં તેનાં પરિવારજનો પણ રાજકોટ દોડી આવ્યાં હતાં.

યુવતીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત પણ કરવામાં આવી (પ્રતિકાત્મક તસવીર)
યુવતીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત પણ કરવામાં આવી (પ્રતિકાત્મક તસવીર)

પ્રેમજાળમાં ફસાવી વારંવાર શરીર સંબંધ બાંધ્યો
યુવતીના કોઈ સગાં મેટોડા રહેતા હતા. આથી યુવતી શનિ-રવિ ત્યાં રોકાવા જતી હતી. દરમિયાન નીરવ કન્સ્ટ્રક્શનનો ધંધાર્થી હોય તેની એક બાંધકામ સાઈટ મેટોડામાં યુવતીનાં સગાં જ્યાં રહેતાં તેના ઘરની સામે જ ચાલતી હતી. આથી યુવતી સાથે આંખ મળતા પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં લગ્નની ના પાડી દીધી હતી.

રાજકોટ તાલુકા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી (ફાઈલ તસવીર)
રાજકોટ તાલુકા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી (ફાઈલ તસવીર)

જ્ઞાતિ અલગ હોવાથી પ્રેમીનાં માતા-પિતાએ લગ્નની ના પાડી
ભોગ બનનાર યુવતીને માર મરાતા તે હોસ્પિટલમાં દાખલ થઇ હતી અને ત્યાંથી જ તેણે પોતાની આપવીતી પોલીસને જણાવી હતી. જેમાં યુવક અને યુવતી બન્ને અલગ-અલગ જ્ઞાતિનાં છે. યુવકે ભરોસો અપાવ્યો હતો કે તે તેની સાથે લગ્ન કરશે. પરંતુ જ્યારે યુવકે તેનાં માતા-પિતાને વાત કરી ત્યારે માતા-પિતાએ યુવતીની જ્ઞાતિ અલગ હોવાથી લગ્નની ના પાડી દીધી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...