આજે 3 માર્ચ એટલે કે ‘વિશ્વ શ્રવણ શક્તિ’ દિવસ. હાલના સમયમાં નાની ઉંમરમાં બહેરાશનું પ્રમાણ વધી રહ્યું છે. whoના એક અંદાજ પ્રમાણે 63 મિલિયન લોકો કાનની બહેરાશની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જ્યારે રાજકોટમાં પણ કાનની બહેરાશથી પીડાતા યુવાઓની સંખ્યા વધી છે. જેનું એક કારણ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને ઘોંઘાટ પણ છે.
વિશ્વ શ્રવણ શક્તિ દિવસની વાત કરી એ તો વર્ષ 2007માં પ્રથમ ‘વિશ્વ ઇઅર કેર’ તરીકે આ દિવસને ઉજવવામાં આવતો હતો. જેને 2016માં whoએ નામ બદલીને ‘વિશ્વ શ્રવણ શક્તિ’ દિવસ કરવામાં આવ્યું હતું. 65થી 70 વર્ષની ઉંમરે આવતી કાનની બીમારી હવે 25 થી 30 વર્ષના યુવાનોમાં પણ દેખાય છે. કાનની હાડકીની બહેરાશ, નસની બહેરાશ અને આ બંનેની મિક્સ બહેરાશ એમ ત્રણ પ્રકારની બહેરાશ હોય છે. નસની બહેરાશ ઉંમર લાયક લોકોમાં જોવા મળે છે. જ્યારે હાડકીની બહેરાશ એટલે કે કાનના પડદામાં કાણું હોવું, હાડકી ચોટી જવી. બહેરાશ થવાનું મુખ્ય કારણ વાઈરસનો ચેપ, માથામાં, કાનની અકસ્માતમાં ઈજા, જન્મજાત બહેરાશ, નાના બાળકોને આંચકી આવવી, કાયમી શરદી રહેવી, ભારે તાવ વગેરે ચિહ્નો યુવાનો અને બાળકો માટે બહેરાશના કારણ હોઈ શકે છે.
રાજકોટના ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કરએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં 25 થી 30 વર્ષના યુવાનોમાં પણ બહેરાશની સમસ્યા વધુ હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્ય કારણ મોબાઈલનો ઉપયોગ, હેડફોન-હેન્ડ્સફ્રીનો વધુ પડતો ઉપયોગ, ઘોંઘાટ, કારખાનાઓમાં કામ કરતા લોકો, ડીજેનો મોટો અવાજ વગેરેને કારણે યુવાનો બહેરાશની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. સમયસર નિદાનથી બહેરાશ અટકાવી શકાય છે. કાનમાં મશીન પહેરવાથી તેનો ઉકેલ શક્ય છે નાના બાળકોમાં જન્મજાત બહેરાશ માટે કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનથી સારવાર શકય છે. જ્યારે હાડકીની બહેરાશ માટે ઓપરેશન દ્વારા સારવાર કરાવી શકાય છે. હવે તો હાલના સંશોધનો પ્રમાણે બાળકના જન્મના બે દિવસ બાદથી પણ બહેરાશનો ઈલાજ શક્ય છે.
બે-ત્રણવાર બોલાવવા છતાં બાળક ધ્યાન ન આપે તો નિદાન જરૂરી
બાળક શાળામાં બરાબર ધ્યાન ન આપતું હોય, બે-ત્રણવાર બોલાવવા બાદ ધ્યાન આપતો હોય, ટીવીનો અવાજ સામાન્ય અવાજ કરતા વધારે રાખતું હોય તે બહેરાશના લક્ષણો હોય શકે છે. જેથી સમયસર નિદાનથી બહેરાશ અટકાવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.