ગોંડલના દેરડીકુંભાજી ગામમાં રૈયાણી પરિવારના મંદિરે યજ્ઞ યોજાયો હતો. જેમાં રાજ્યકક્ષાના મંત્રી અને રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પણ હાજરી આપી હતી. રાત્રે ઓસમાણ મીરના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓસમાણ મીરે લોકગીતોની રમઝટ બોલાવતા રૈયાણી પરિવારે અરવિંદ રૈયાણી પર અઢળક રૂપિયા ઉડાડ્યા હતા. એક ક્ષણે તો પગ મૂકવાની જગ્યા ન મળે એ રીતે સ્ટેજ રૂપિયાની નોટોથી ઢંકાય ગયું હતું.
અરવિંદ રૈયાણીએ પણ રૂપિયાનો વરસાદ કર્યો
લોકડાયરામાં ઓસમાણ મીરે ‘ધમધમે નગારા રે...મારી ખોડિયારના ધામમાં’ ગીત ગાતા જ રૈયાણી પરિવારનો લોકો અરવિંદ રૈયાણી પર રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા હતા. તેમજ દેશભક્તિના ગીતો પણ રેલાતા અરવિંદ રૈયાણીએ રૂપિયાના બંડલો સાથે સ્ટેજ પાસે આવ્યા હતા અને કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
સ્ટેજ નીચે પણ રૂપિયા જ રૂપિયા
રૈયાણી પરિવારના લોકોએ લોકડાયરામાં એટલા રૂપિયા ઉડ્યા હતા કે, એક સમયે સ્ટેજ નોટોથી ઉભરાય ગયું હતું. તેમજ સ્ટેજ નીચે પણ રૂપિયાની નોટોની ચાદર પથરાઇ ગઈ હતી. લાખો રૂપિયા ઉડ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ચૈત્ર મહિનામાં ગામોગામ યજ્ઞ, ભાગવત સપ્તાહ, રામ પારાયણ અને શિવકથાના આયોજનો ચાલી રહ્યા છે. સાથોસાથ રાત્રે લોકડાયરાના પણ આયોજનો કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.