તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી શ્રદ્ધાંજલિ:કોરોનામાં ભાઈ-ભાભી ગુમાવ્યા, બીજા લોકોની સુરક્ષા માટે વેક્સિનેશન કેમ્પ કરશે, રસી લેનારને આપશે ભેટ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની મહામારીમાં ભાઈ-ભાભીને ગુમાવી ચૂકેલા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ વેક્સિન કેમ્પ કરીને શ્રદ્ધાંજલિ આપશે. આ કેમ્પમાં વધુ લોકો જોડાય તે માટે રસી લેનારને સ્વખર્ચે ગિફ્ટ પણ આપશે. રાજકોટના સાહોલિયા પરિવારે માત્ર 18 કલાકના અંતરમાં જ બે સ્વજન ગુમાવ્યા હતા. બીજા લોકો કોરોના સામે સુરક્ષિત થાય અને અન્ય લોકોનો પરિવારનો માળો વીંખાય નહીં તે માટે આ વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે આ માટે રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતુ. જેમાં 80 થી વધુ લોકોએ પોતાની નામ નોંધણી કરાવી હતી.

રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેના ભાઈ હરેશભાઈના નિધનના આઘાતમાંથી બહાર નહોતા આવ્યા ત્યાં જ ભાભી હંસાબેનનું પણ નિધન થયું હતું. આમ 18 કલાકમાં જ અમારો પરિવાર વિખેરાઈ ગયો. જ્યારે મારા ભાઈ-ભાભીનું નિધન થયું હતું ત્યારે વેક્સિન શોધાઈ ન હતી, પરંતુ હવે વેક્સિન શોધાઈ ગઇ છે અને આમ છતાં કેટલાક લોકો તેને લેવાનું ટાળી રહ્યા છે. વેક્સિન અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે તેને શરૂઆત પોતાનાથી જ કરી. પોતાની દુકાનમાં કામ કરતા તમામ કર્મચારીઓ વેક્સિન લે તે માટે સ્વૈચ્છિક લોકડાઉન ખુલ્યા બાદ એવો નિયમ બનાવ્યો કે જે કર્મચારીઓએ વેક્સિન લીધી હશે તેમને જ પ્રવેશ આપવામાં આવે. પરિણામ એ આવ્યું કે દરેક કર્મચારીઓએ વેક્સિન લઈ લીધી. આ સિવાય તેને ત્યાં જેટલા ગ્રાહકો આવે છે તેને વેક્સિન લેવા માટે સમજાવવામાં આવે છે.

આ અગાઉ પણ સોની વેપારીઓ દ્વારા વેક્સિન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં અંદાજિત 1331 લોકોએ વેક્સિન લીધી હતી અને ભાઈઓને બ્લેન્ડર અને બહેનોને સોનાની ચૂંક આપી હતી. કોરોનાની પ્રથમ લહેરમાં સોની સમાજના ચાલીસ સભ્યનું નિધન થયું હતું. બુધવાર 16 જૂનના રોજ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં 70 થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

શનિવારે ગુંદાવાડી મર્ચન્ટ એસોસિએશન દ્વારા કેમ્પ
ગુંદાવાડી ઓલ મર્ચન્ટ એસોસિએશન રાજકોટ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 19 જૂનના રોજ શનિવારે સવારે 9.30 થી બપોરે 12.30 કલાકે અને સાંજે 4.00 થી 7.00 સુધી યોજાશે. 18 થી 45 વર્ષના દરેક લોકો આ કેમ્પનો લાભ લઇ શકશે. વેક્સિન લેવા આવનારે આધારકાર્ડ સાથે રાખવું જરૂરી હોવાનું એસોસિએશનના પ્રમુખ પંકજભાઈ બાંટવિયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...