નવરાત્રિમાં બેવડો માર:રાજકોટમાં અર્વાચીન ગરબા બંધ રહેવાથી ચણિયા-ચોળીના વેપારીઓને 20 કરોડનું નુકસાન, કહ્યું- ગ્રાહકો સસ્તું માગી રહ્યા છે, USA-UKના ઓર્ડર ઘટ્યા

રાજકોટ11 દિવસ પહેલા
ગ્રાહકો સસ્તાં ચણિયા-ચોળી માગે છે.
  • નવરાત્રિની ખરીદી ખીલતાં બે વર્ષથી પડી રહેલો સ્ટોક નીલ થયો, વેપારીઓ આર્થિક રીતે પગભર થયા
  • આ વર્ષે યુવાધનમાં કેડિયાની માગ વધી, બજારમાં બોર્ન બેબીથી એડલ્ટ સુધીના નવરાત્રિ ડ્રેસ ઉપલબ્ધ

આજથી મા જગદંબાની આરધાના કરવાનું પર્વ નવલા નવરાત્રિનો પ્રારંભ થઈ ગયું છે. ત્યારે કોરોના મહામારીને કારણે ગત વર્ષે સાવ બંધ રહેલા નવરાત્રિ ગરબામાં આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. રાજકોટમાં દિવ્ય ભાસ્કરએ ચણિયા-ચોળીના વેપારીઓની મુલાકાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે અર્વાચીન ગરબાને કારણે દર વર્ષે શહેરમાં ચણિયા-ચોળીમાં 40 કરોડનો વેપાર થાય છે, પરંતુ આ વર્ષે બંધ રહેતાં વેપાર 20 કરોડ થાય એવી સંભાવના છે. બીજી તરફ, ગ્રાહકો સસ્તાં ચણિયા-ચોળી માગી રહ્યા છે તેમજ અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓના ઓર્ડર પણ ઘડ્યા છે.

યુવતીઓમાં ધોતી-કેડિયાનો ક્રેઝ વધ્યો
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણની ભીતિએ અર્વાચીન રાસ પર પ્રતિબંધ લગાવી પ્રાચીન ગરબીઓ યોજવા જ છૂટ અપાઈ છે. ત્યારે એની અસર બજારમાં થતી ખરીદી પર પણ જોવા મળી છે અને યુવતીઓમાં ચણિયા-ચોળીના સ્થાને ધોતી-કેડિયાનો ક્રેઝ વધ્યો છે. જ્યારે યુવકો પણ કેડિયા અને કુર્તા વધુ પહેરે છે. જોકે કોરોનાના ચેપના ડરે જૂજ લોકો ડ્રેસ ભાડે લઇ રહ્યા છે.

નાની સાઇઝનો ક્રેઝ વધ્યો છે.
નાની સાઇઝનો ક્રેઝ વધ્યો છે.

મોટી સાઇઝનો સ્ટોક વધ્યો, નાની સાઇઝનો વધ્યો
છેલ્લાં 20 વર્ષથી ચણિયા-ચોળી બનાવતા અજિતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં રાજકોટ-અમદાવાદમાં મોટે ભાગે ચણિયા-ચોળી બને છે, જેમાં બોર્ન બેબીથી એડલ્ટ સુધીના નવરાત્રિ ડ્રેસ રાખીએ છીએ. આજથી માતાજીનાં નોરતાં શરૂ થઇ રહ્યાં છે, જેને લઈ એકાદ અઠવાડિયાથી બજારમાં ખરીદીનો માહોલ છે, પણ આ વખતે અર્વાચીન રાસ બંધ હોવાથી મોટી સાઈઝનો સ્ટોક પડ્યો રહ્યો છે અને નાની સાઈઝનો ક્રેઝ છે.

ચણિયા-ચોળી બનાવતા અજિતભાઈ ચૌધરી.
ચણિયા-ચોળી બનાવતા અજિતભાઈ ચૌધરી.

પ્રાચીન ગરબીની છૂટ આપતાં સરકારનો આભાર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકો સસ્તું જ વધુ માગે છે. અર્વાચીન રાસોત્સવ બંધ હોવાને લીધે ભારે વસ્તુઓની માગ ઓછી છે. હાલ ગર્લ્સ માટેના ડ્રેસની રૂ.300થી રૂ.1500 અને બોયઝમાં રૂ.300થી રૂ.1000 સુધીની કિંમત છે. આ વખતે કોરોનાને હિસાબે ખરીદી ઘટી છે, પરંતુ સરકારે પ્રાચીન ગરબીઓ થવા દીધી એના આભારી છીએ, જેથી અમે વેપાર કરી શક્યા અને આર્થિક રીતે પગભર થયા છીએ. છેલ્લાં બે વર્ષથી પડેલો સ્ટોક પણ હાલ નીલ થઇ ગયો છે.

રાજકોટની બજારમાં બોર્ન બેબીથી એડલ્ટ સુધીના લોકો માટે ચણિયા-ચોળી ઉપલબ્ધ.
રાજકોટની બજારમાં બોર્ન બેબીથી એડલ્ટ સુધીના લોકો માટે ચણિયા-ચોળી ઉપલબ્ધ.

વિદેશથી આવતા ઓર્ડર ઘટ્યા
ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં ચણિયા-ચોળીના હબ રાજકોટમાં લાખાજીરાજ રોડ સહિતની બજારોમાં વેપાર રૂ.40 કરોડ રહે છે, પણ આ વર્ષે વેપાર ઘટીને રૂ.20 કરોડ થઇ ગયો છે. અહીંથી ઓસ્ટ્રેલિયા, યુ.કે., યુ.એસ.એ. અને દુબઈમાં રહેતા ગુજરાતી પરિવારો ચણિયા-ચોળી લઇ જાય છે, પરંતુ હાલ આવા ઓર્ડર પણ ઘટ્યા છે. જોકે છેલ્લાં બે વર્ષથી વેપાર બંધ હતો, એને બદલે ચાલુ વર્ષે વેપાર શરૂ થતાં વેપારીઓ ખુશ છે.

છેલ્લા એક અઠવાડિયાથી ખરીદી નીકળી.
છેલ્લા એક અઠવાડિયાથી ખરીદી નીકળી.

શહેરમાં 550 જેટલી ગરબીનું આયોજન
કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી શેરી ગરબાનું આયોજન કરવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે આયોજકો દ્વારા પણ કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન થાય એ માટે વ્યવસ્થા ગોઠવવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજકોટ શહેરમાં અંદાજિત 550 જેટલી ગરબીમાં 10,000 જેટલી દીકરીઓ ભાગ લઇ ગરબે રમી માતાજીની આરાધના કરશે.

મોટી સાઇઝનો સ્ટોક પડ્યો રહ્યો.
મોટી સાઇઝનો સ્ટોક પડ્યો રહ્યો.
અન્ય સમાચારો પણ છે...