તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રની રથયાત્રા:રાજકોટ અને ભાવનગરમાં પોલીસ બંદોબસ્ત સાથે મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

એક વર્ષ પહેલા
  • સવારે 4 વાગ્યે પૂજન કરવામાં આવ્યું
  • ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાવનગરમાં રથનું દોરડું ખેચ્યું હતું

કોરોના મહામારીને પગલે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર કોર્ટે રોક ફરમાવી છે. ત્યારે રાજકોટમાં સાદગીથી પણ શુકન સાચવવા માટે રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવામાં આવી છે. રથયાત્રાનું શુકન પૂરતા પૂજન માટે સવારે 4 વાગ્યે પૂજન કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસરમાં જ 7 વાગ્યે પહિંદ વિધિ કરવામાં આવી હતી. બીજી તરફ ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. 

સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિકો દર્શન કરી રહ્યાં છે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે કોરોના મહામારીને લીધે સરકારે હાલ કોઈપણ ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા, સંમેલન કરવા પર મનાઈ ફરમાવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભગવાન જગન્નાથના દર્શન કરવામાં આવી રહ્યાં છે.

ગીરસોમનાથમાં હનુમાનજીને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીના વાઘા પહેરાવ્યા 
ગીરસોમનાથમાં હનુમાનજી મહારાજને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ગીરગઢડાના દ્રોણેશ્વરગુરૂકુળમાં  અષાઢી બીજના દિવસે પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજે વિશેષ પ્રસાદ જાંબુ, કાકડી, ખારેક અને ડાયફ્રુટ તથા મિસરી ભગવાનને ધરવામાં આવી હતી. પૂજનના અંતે ભગવાન જગન્નાથજીને પૂજારીએ દેશ અને દુનિયામાંથી કોરોના વાઇરસ ઝડપથી દૂર થાય તેમજ શત્રુ દેશથી ભારત દેશનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમજ દેશના જવાનોને અતૂલ્ય બળ મળે.  

ભાવનગરમાં 35મી જગન્નાથજીની રથયાત્રાને મંદિર પરિસરમાં રથને ખેંચી શુકન સાચવ્યું હતું
કોરોના મહામારીના કારણે ગુજરાતમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને કોર્ટે મંજૂરી ન આપતા આજે ભાવનગર ખાતે નીકળતી દેશના ત્રીજા અને રાજ્યના બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 35મી રથયાત્રાની પારંપરિક પૂજનવિધિ મંદિર પરિસરમાં જ કરવામાં આવી હતી. તેમજ ભાવનગરના નેક નામમદાર મહારાજા વિજયરાજસિંહજીનાહસ્તે છેડાપોરા અને પહિન્દ વિધિ કરી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રથનું શુકન પૂરતું પ્રસ્થાન કરાવી અને ત્યાં જ તેનું સમાપન કરવા માં આવ્યું હતું. 

સવારે 5 વાગ્યે પૂજા વિધી કરવામાં આવી
ભાવનગર ખાતે આજે 35મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂજન વિધીનો મંદિર પરિસરમાં આજે વહેલી સવારે 5 કલાકે પ્રારંભ થયો હતો. જેમાં ભગવાન શ્રીજગન્નાથજી અને મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની આંખેથી પટ્ટી ખોલી રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેમજ તેનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે સંતો, મહંતો અને ભાવનગરના નેક નામદાર મહારાજા  વિજયરાજસિંહજીના હસ્તે સોનાના સાવરણાથી “છેડાપોરા” વિધિ અને “પહિન્દ” વિધી યોજાઇ હતી. શહેરના સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિર ખાતેથી વહેલી સવારે લીમીટેડ લોકોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. 

રાજકીય આગેવાનો હાજર રહ્યા
જ્યારે આ ખાસ તકે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ડો.ભારતીબેન શિયાળ,મેયર મનહરભાઈ મોરી, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના લોકો પૂજા વિધિ અને પ્રસ્થાનમાં જોડાયા હતા. આ તકે કોરોના મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. લોકોને આવતા જતા સેનેટાઈઝ ચેમ્બરમાંથી પસાર થવાની ગોઠવણ કરવામાં આવી હતી. તેમજ દર વર્ષની માફક જગન્નાથજીના રથને શુકન પૂરતું ખેંચવા મહારાજા-રાજકીય આગેવાનો તેમજ ભોય સમાજના યુવકો પણ જોડાયા હતા અને દોરડાથી ખેંચીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે આ રથયાત્રા અંગે ભાવનગરના મહારાજાએ શુભકામના પાઠવી હતી તેમજ વહેલી તકે કોરોના મહામારીમાંથી દુનિયા મુક્ત બને અને આવતા વર્ષે ફરી રથયાત્રા ધામધૂમ પૂર્વક નીકળે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે રાજકીય મહાનુભાવો દ્વારા પણ ભાવનગરવાસીઓને રથયાત્રાની શુભકામના સાથે ભગવાન જગન્નાથ વહેલી તકે કોરોના નો નાશ કરી તેમાંથી મુક્તિ અપાવે તેવી પ્રાર્થના કરી હતી.

(ભરત વ્યાસ, ભાવનગર/જયેશ ગોંધિયા, ઉના)

અન્ય સમાચારો પણ છે...