ગ્રામપંચાયત ચૂંટણી:રાજકોટ જિલ્લાની 413 ગ્રામપંચાયતોની ચૂંટણીનું મતદાન પૂર્ણ, 6805 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ, 5 વાગ્યા સુધીમાં 72.41% મતદાન થયું

રાજકોટએક મહિનો પહેલા
  • રાજકોટ જિલ્લામાં કુલ 965 મતદાન મથકમાંથી 372 મતદાન મથક સંવેદનશીલ અને 87 અતિ સંવેદનશીલ
  • 2235 પોલીસ જવાન, 144 ચૂંટણી અધિકારી, 144 મદદનીશ ચૂંટણી અધિકારી, 5500નો પોલિંગ સ્ટાફ તૈનાત

રાજ્યમાં આજે વિવિધ ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે રાજકોટ જિલ્લામાં કુલ 541 ગ્રામપંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ હતી. જેમાંથી 130 સમરસ થઈ જતાં 413 ગ્રામપંચાયત માટે મતદાન યોજાયું હતું. આજે વહેલી સવારથી જ ગામડાઓમાં મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈન લાગી હતી અને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. 413 ગ્રામ પંચાયત પર મતદારોએ મતદાન કરી ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ કર્યું છે. રાજકોટ જિલ્લામાં 965 મતદાન મથકમાં 372 મતદાન મથક સંવેદનશીલ અને 87 મતદાન મથક અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી. પોલીસના બંદોબસ્ત વિરપુરને બાદ કરતા બધા મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. રાજકોટ જિલ્લામાં સવારના 7થી 5 વાગ્યા સુધીમાં 72.41 ટકા મતદાન નોંધાયું છે.

રાજકોટના ગૌરીદળમાં મહિલાઓની મતદાન મથકે લાંબી લાઇન લાગી હતી
રાજકોટ નજીક આવેલા ગૌરીદળમાં આ વખતે મહિલા અનામત હોવાથી મહિલા ઉમેદવારોને જીતાડવા ગામની મહિલાઓએ મતદાન મથકે લાંબી લાઇન લગાવી દીધી હતી. સરપંચ તરીકે બીનાબેન મનિષભાઈ અજાણી, ભારતીબેન રમેશભાઇ અજાણી અને પારૂલબેન ભલાભાઇ વચ્ચે જંગ ખેલાયો છે. બીજી તરફ લોધિકા તાલુકાના મેટોડા ગામમાં ધીમું મતદાન થયું હતું. સરપંચ પદ માટે સંગાતીબેન સભાયા અને મિનાબેન વેકરિયા વચ્ચે ચૂંટણી જંગ છે. રોડ-રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓ અને મેટોડા GIDC આવેલી હોવાથી દૂષિત પાણીનો પ્રશ્ન પણ વર્ષોથી છે.

EVMને બદલે બેલેટ પેપરથી મતદાન થયું
ગોંડલ, કોટડાસાંગાણી, જસદણ સહિતના તાલુકામાં ખાસ વધારાનો પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. EVMને બદલે મતપેટીની મદદથી મતદાન થયું હતું. માટે બોગસ મતદાન ન થાય. આ માટે જિલ્લા વહીવટી તંત્રએ પણ દરેક તાલુકામાં ફરિયાદ માટે અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાએ ચૂંટણીલક્ષી ફરિયાદ માટે 0281-2471573 નંબર પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.

કુંવરજી બાવળિયા વીંછિયાની કન્યા શાળામાં મતદાન કર્યું હતું.
કુંવરજી બાવળિયા વીંછિયાની કન્યા શાળામાં મતદાન કર્યું હતું.

કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું
પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વીંછિયાની કન્યા શાળા ખાતે મતદાન કર્યું હતું. બાદમાં મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કમળો હોય તેને પીળું દેખાય વિકાસ ન દેખાય. વિકાસ ના દેખાય, ખાલી વિકાસની વાતો હોય છે. આમાં ઉમેદવાર છે જેને હંમેશા ટીકા જ આવડતી હોય છે. સારૂ ન દેખાય તેવા પણ ઉમેદવાર છે.

રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાએ તેમના વતન વિરપુરમાં પરિવાર સાથે મતદાન કર્યું.
રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાએ તેમના વતન વિરપુરમાં પરિવાર સાથે મતદાન કર્યું.

ગોંડલ તાલુકામાં 106 મતદાન મથકમાંથી 13 સંવેદનશીલ હતા
ગોંડલ તાલુકામાં 106 મતદાન મથકમાંથી 13 સંવેદનશીલ મતદાન મથક જાહેર કરવામાં આવ્યા હતા. ગોંડલ તાલુકામાં કુલ 1,33,785 મતદારો નોંધાયા હતા. જેમાં 64242 પુરૂષ અને 69543 સ્ત્રી મતદારો નોંધાયા હતા. ગોંડલ તાલુકામાં એક પણ મતદાન મથક અતિ સંવેદનશીલ નહોતું. રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાએ તેમના વતન વિરપુરમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું.

રાજકોટના ગૌરીદળમાં મહિલા મતદારોની લાંબી લાઇન લાગી હતી.
રાજકોટના ગૌરીદળમાં મહિલા મતદારોની લાંબી લાઇન લાગી હતી.
ગોંડલ પંથકમાં મહિલાઓની મતદાન માટે લાંબી લાઇન લાગી હતી.
ગોંડલ પંથકમાં મહિલાઓની મતદાન માટે લાંબી લાઇન લાગી હતી.

413 ગ્રામપંચાયતની ચૂંટણી માટે કુલ 7,43,486 મતદાર
ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું. તેમજ આ ચૂંટણીમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. જોકે આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણી મશીનના બદલે બેલેટ પેપરથી યોજાઇ હતી. આ ગ્રામપંચાયતોમાં 413 સરપંચપદ માટે કુલ 1120 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાય રહ્યો છે. જ્યારે 3005 સભ્ય ચૂંટવા માટે 5685 સભ્ય ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાય રહ્યો છે. જિલ્લામાં 413 ગ્રામપંચાયતની ચૂંટણી માટે કુલ 7,43,486 મતદારો નોંધાયા હતા. જેમાં 3,69,627 પુરુષ મતદાર અને 3,73,859 મહિલા મતદારનો સમાવેશ થયો હતો.

ગોંડલ પંથકમાં વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઇન લાગી હતી.
ગોંડલ પંથકમાં વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઇન લાગી હતી.

2235 પોલીસ જવાન સુરક્ષા બંદોબસ્ત જાળવ્યો
ગ્રામપંચાયતની ચૂંટણીઓ માટે કુલ 965 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં 372 મતદાન મથક સંવેદનશીલ અને 87 મતદાન મથક અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે 413 ગ્રામપંચાયતોમાં કુલ 2235 પોલીસ જવાન સુરક્ષા બંદોબસ્ત જાળવી રહ્યા હતા. મતદાન પ્રક્રિયા માટે 144 ચૂંટણી અધિકારી, 144 મદદનીશ ચૂંટણી અધિકારી અને 5501 પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.

પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું.
પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું.

1089 મતપેટીનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો
રાજકોટ જિલ્લામાં 1939 મતપેટી ઉપલબ્ધ છે જેમાંથી 1089 મતપેટીનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. શનિવારે બપોર બાદ બેલેટ પેપર, મતદાન પેટી માટે કિટ તૈયાર કરી તમામ મતદાન મથક પર પહોંચાડી દેવામાં આવી હતી.

ગામડાઓમાં યુવાનોમાં મતદાન કરવાનો ઉત્સાહ, લાંબી લાઇન લગાવી હતી.
ગામડાઓમાં યુવાનોમાં મતદાન કરવાનો ઉત્સાહ, લાંબી લાઇન લગાવી હતી.

એક પણ બોગસ વોટની ફરિયાદ મળી નથીઃ SP
રાજકોટ જિલ્લાની 413 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહેલી સવારના સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર સાથે જિલ્લા પોલીસ વડાની ટીમ સતત સંકલનમાં સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે માટે કામ કરી રહી હતી. મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, એક પણ જગ્યાએ અતિ સંવેદનશીલ કે સંવેદનશીલ કે સામાન્ય મતદાન મથકોમાં બોગસ વોટિંગ તેમજ બૂથ કેપ્ચરિંગ સહિતની એક પણ ઘટના સામે નથી આવી.

EVMના બદલે બેલેટ પેપરથી મતદાન થયું.
EVMના બદલે બેલેટ પેપરથી મતદાન થયું.
વીંછિયા પંથકમાં પણ વહેલી સવારથી જ મતદારોની લાઇન લાગી હતી.
વીંછિયા પંથકમાં પણ વહેલી સવારથી જ મતદારોની લાઇન લાગી હતી.

(તસવીર- દેવાંગ ભોજાણી, ગોંડલ/કરસન બામટા, આટકોટ/ દિપક રવિયા, જસદણ/ભરત બગડા, ધોરાજી)

અન્ય સમાચારો પણ છે...