તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂઝિવ:રાજકોટમાં સંતાનોના લગ્નની મંજૂરીના ફોર્મ લઈ પોલીસ સ્ટેશન બહાર મા-બાપની લાંબી લાઇનો, કહ્યું-દીકરીના લગ્ન હોય તો બાપે પોલીસમાં હાજર થવાનું?

રાજકોટ10 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં લગ્નની મંજૂરી માટે પરિવારજનોની લાંબી લાઇન. - Divya Bhaskar
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં લગ્નની મંજૂરી માટે પરિવારજનોની લાંબી લાઇન.
  • અત્યાર સુધીમાં 600 અરજી આવી, 100 કરતાં વધુ પરિવારોને મંજૂરી, પોલીસ પણ રૂટિન કામ પડતું મૂકી નવા ધંધે લાગી
  • રાજકોટના કુવાડવા અને માલવિયા પોલીસ સ્ટેશન બહાર પરિવારજનોનો રીતસર ધરાસો, લાઇન મેનેજ કરવી અઘરી બની

કોરોનાનો બીજો તબક્કો શરૂ થતાં સરકારે ફરી નવા નવા નિર્ણયો લાદવાનું શરૂ કર્યુ છે. એક તરફ, શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં લગ્નની મોસમ શરૂ થઈ છે તો બીજી તરફ, સરકારે અચાનક જ રાત્રે નવ વાગ્યા પછી રાજ્યનાં ચાર મહાનગર- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. પહેલાં 200 વ્યક્તિ અને હવે 100 વ્યક્તિ સાથે લગ્ન કરવાની સરકારે મંજૂરી આપી છે, પરંતુ કરુણતા એ છે કે જે વિસ્તારમાં લગ્ન હોય તેના પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ કંકોત્રી બતાવી માણસોનું લિસ્ટ આપી મંજૂરી લેવાની રહે છે, આથી રાજકોટમાં લગ્નની મંજૂરી માટે પરિવારજનોની લાંબી લાઈન પોલીસ સ્ટેશન બહાર જોવા મળી રહી છે. પરિવારજનો કહી રહ્યા છે કે આ તો કેવો નિયમ કે ઘરે દીકરી-દીકરાના લગ્ન હોય અને બાપે પોલીસ સ્ટેશને હાજર રહેવાનું.

રાજકોટમાં 600 લગ્ન, 100 લગ્નને મંજૂરી અપાઈ
રાજકોટમાં કુલ 600 જેટલાં લગ્ન છે, જેમાં 100થી વધુ પરિવારને લગ્ન કરવા પોલીસે મંજૂરી આપવામાં આવી છે. શહેરનાં અમુક પોલીસ સ્ટેશનમાં પિતા દીકરી-દીકરાના લગ્નની મંજૂરી માટે લાઈનમાં ઊભા છે. રાજકોટસ્થિત કુવાડવા પોલીસ સ્ટેશને 15થી વધુ લોકો લાઈનમાં ઊભા રહ્યાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. શહેરના માલવિયા પોલીસ સ્ટેશને પણ આવી જ સ્થિતિ જોવા મળી અને લોકો લાઈનમાં ઊભા રહી પરમિશન લેવા આવ્યા હતા. રાજકીય રેલી અને મેળાવડા હોય ત્યારે કોઈ જાતની પરમિશન લેવામાં આવતી નથી અને જરૂર કરતાં પણ વધારે લોકો એકઠા થાય છે. રાજકીય કાર્યક્રમો માટે કોઈ મંજૂરી કે કાર્યવાહીની વાત આવતી નથી તો શું આ લોકોને કોરોના નડતો નથી તેવી ચર્ચા સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સંતાનોનાં લગ્નની મંજૂરી માટે પિતાને પોલીસ સ્ટેશનના ધક્કા.
સંતાનોનાં લગ્નની મંજૂરી માટે પિતાને પોલીસ સ્ટેશનના ધક્કા.

50 માણસની મંજૂરી મળી, હવે ઘરમેળે દીકરીના લગ્ન કરીશુંઃ પિતા
કુવાડવા પોલીસ સ્ટેશને મંજૂરી લેવા આવેલા દીકરીના પિતા હકાભાઈ સોમાભાઈએ જણાવ્યું હતું કે પહેલાં 200 માણસની મંજૂરી હોવાથી મારી દીકરીના લગ્નમાં સગાં-સંબંધીઓને લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ હવે સરકારે નિર્ણય ફેરવી નાખતાં પોલીસ સ્ટેશનની મંજૂરી લીધા વગર પ્રસંગ થાય તેમ નથી. હાલ 50 માણસની પરમિશન કઢાવી છે. પહેલાં તો બહુ જ ખુશી હતી અને હવે તો ટૂંકમાં પ્રસંગ પતાવવાનો રહેશે. મારા ઘરે દીકરીના લગ્ન છે એટલે મને વધારે ખુશી હતી, પરંતુ હવે આમાં શું કરી શકીએ. હવે ઘરમેળે લગ્ન કરીશું, બીજું તો કંઇ થઈ શકે તેમ નથી.

રાજકોટના કુવાડવા અને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પરિવારજનો મંજૂરી લેવા પહોંચ્યા.
રાજકોટના કુવાડવા અને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પરિવારજનો મંજૂરી લેવા પહોંચ્યા.

25 માણસ સાથે બહેનના લગ્નની મંજૂરી મળી, પાર્ટ-પ્લોટ પણ કેન્સલ કરાવ્યોઃ ભાઈ
બહેનના લગ્નની મંજૂરી લેવા કુવાડવા પોલીસ સ્ટેશન આવેલા ભાઈ ધાર્મિક મગનભાઈ તાલપરાએ જણાવ્યું હતું કે મારા ઘરે મારી બહેનના લગ્ન છે. પહેલાં લોકડાઉન હટાવી લીધું હોવાથી અનુકૂળતા પ્રમાણે અમે આયોજન કર્યું હતું. અમે મારી બહેનના લગ્ન ધૂમધામથી કરવા માગતા હતા અને બધી જ તૈયારી થઈ ગઈ હતી. 30 નવેમ્બરના રોજ મારી બહેનના લગ્ન છે. પહેલાં અમે પાર્ટી-પ્લોટ પણ રાખ્યો હતો. અત્યારે સરકારના નિર્ણયથી પાર્ટી-પ્લોટ રદ કરાવ્યો છે. હાલ અમે સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે, ટૂંકમાં લગ્ન કરીશું. અત્યારે 25 વ્યક્તિની મંજૂરી મળી છે. આ મંજૂરી લેવા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ. 25 વ્યક્તિની મંજૂરી મળતાં અમે હવે ઘરમેળે જ લગ્ન કરીશું.