ખેડૂતો આનંદો:લાંબા વિરામ બાદ પડધરીમાં ધોધમાર, કોટડાસાંગાણીમાં ધીમીધારે વરસાદ, રાજકોટમાં ઝાપટુ, ખેડૂતોના જીવમાં જીવ આવ્યો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પડધરીમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા.
  • રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી ઝાપટાથી રસ્તાઓ ભીંજાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 15થી વધુ દિવસ સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ આજે સવારથી જ રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સવારેથી બપોર સુધી વાદળછાયા વાતવરણને કારણે અસહ્ય બફારાથી લોકો અકળાયા છે. ત્યારે બપોર બાદ પડધરીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. કોટડાસાંગાણીમાં કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. બાદમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. રાજકોટ શહેરમાં પણ 150ફૂટ રિંગ રોડ પર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ ભીંજાયા હતા. વરસાદથી કપાસ અને મગફળીના પાકને જીવનદાન મળશે.

પડધરી તાલુકામાં ધોધમાર વરસાદ
પડધરી તાલુકામાં પણ લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પડધરીના બાઘી, નારણકા, તરઘડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા કેટલાક ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યાં છે. આથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

કોટડાસાંગાણીમાં ધીમીધારે વરસાદથી રસ્તા પર પાણી વહ્યાં.
કોટડાસાંગાણીમાં ધીમીધારે વરસાદથી રસ્તા પર પાણી વહ્યાં.

કોટડાસાંગાણી પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. જસદણ, ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, પડધરી સહિતના વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કોટડાસાંગાણી તાલુકાના સાંગણવા, મેંગણી, રિબડા, હડમતાળા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. જોકે લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો પણ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.

પડધરી પંથકમાં ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
પડધરી પંથકમાં ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

વાતાવરણમાં ઠંડક પ્રસરી
છેલ્લા 15થી વધુ દિવસથી વરસાદનો એક પણ છાંટો ન પડતા ખેડૂતો મૂંઝવણમાં મૂકાય ગયા છે. ત્યારે આજે જિલ્લામાં વરસાદની શરૂઆત થતા ખેડૂતો પણ ધોધમાર વરસાદની આશા રાખી રહ્યાં છે. કોટડાસાંગણીમાં ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...