રાજકોટ જિલ્લાના અંદાજિત 595થી વધુ ગામડાંઓના વિકાસની જવાબદારી જેના શિરે છે તેવા રાજકોટ જિલ્લા પંચાયતના શાસક સભ્યોમાં અસંતોષ ઊભો થયાનો મુદ્દો સંગઠન પ્રભારી સુધી પહોંચ્યા બાદ પદાધિકારીઓને કાર્યશૈલી સુધારવા અને સંપીને આંતરિક સંલકન સાધીને કામ કરવા ટકોર કરાયા બાદ આવતીકાલે સોમવારે પ્રથમ લોકદરબાર યોજાવા જઇ રહ્યો હોઇ, તમામ ચેરમેન (હોદ્દેદારો) સાથે બેસી પ્રજાના પ્રશ્નો સાંભળશે તેવો પ્રમુખે દાવો કર્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરે જણાવ્યું હતું કે, હવેથી દર સોમવારે જિલ્લા પંચાયત ખાતે સવારે 11થી 12 દરમિયાન ‘લોકદરબાર’ યોજાશે. જેમાં પ્રમુખ પોતે, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા વિરલભાઇ પનારા, દંડક અલ્પાબેન તોગડિયા સહિતના તમામ હોદ્દેદારો (સમિતિ ચેરમેન) પ્રજાના પ્રશ્નો સાથે બેસીને સાંભળશે અને આવેલા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ થાય તે દિશામાં ઝડપી કામગીરી કરાશે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસું નજીક છે, ત્યારે જિલ્લા પંચાયતમાં સિંચાઇ વિભાગમાં 85 ટકા સ્ટાફની ઘટ છે, તો બાંધકામ વિભાગમાં 50 ટકા સ્ટાફની ઘટ છે, આ સ્થિતિમાં ગામડાંઓમાં વિકાસકામો જે ઝડપે થવા જોઇએ તે ઝડપે નથી થઇ રહ્યા, અને એક તબક્કે ચોમાસા પહેલા તમામ કામ પૂર્ણ પણ થઇ શકે તેમ નથી.
સરકાર સ્તરે સ્ટાફ ઓછો છે તે મુદ્દો હતો જ, બીજી તરફ શાસક સભ્યો વચ્ચે વિવાદનો દોર શરૂ થતા પરિસ્થિતિ વધુ વણસે તેવા એંધાણ વચ્ચે હાલ પ્રભારીએ સોમવારે અને ગુરુવારે ચેરમેનને કચેરીમાં હાજર રહેવા તાકીદ કરી, સભ્યોમાં હાલ તો ઘીના ઠામમાં ઘી પડી ગયાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે આજના લોકદરબારમાં સંકલન રહેશે કે કેમ તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.