તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓ સાથે છેતરપિંડી:જસદણના હેત ઇમેજીંગ સિટી સ્કેન સેન્ટરના તબીબ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ, દર્દીને બિલ કે પહોંચ આપ્યા વિના રિપોર્ટ કરી આપતા

રાજકોટ2 મહિનો પહેલા
જસદણ-વીંછિયા પંથકમા એકમાત્ર સેન્ટર.
  • જસદણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર હકીકત બહાર આવી
  • ડોક્ટર સામે જસદણના નાયબ મામલતદારે છેતરપિંડી સહિતની ડોક્ટક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

જસદણ મામલતદાર ઓફિસમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને જોરાવરનગર લાતી બજાર ખાતે રહેતા શુભમ પ્રકાશભાઈ ચાવડાએ જસદણ પોલીસ સ્ટેશનમાં હેત ઇમેજિંગ સિટી સ્કેન સેન્ટરના તબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આથી ગઈકાલે જસદણ પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર, જસદણ સર્કલ ઓફિસર વાય.બી. મૂળિયા, ક્લાર્ક બી.જે. ડાભી સહિતના સ્ટાફે આટકોટ રોડ ઉપર પંચમુખી હનુમાનજી સામે આવેલા હેત ઇમેજિંગ સિટી સ્કેન સેન્ટર ખાતે તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલ્યું હતું કે સિટી સ્કેન સેન્ટર દ્વારા દર્દીઓને બિલ કે પહોંચ આપ્યા વગર રિપોર્ટ કરી આપવામાં આવતો હતો. દર્દીઓ બિલ કે પહોંચ માગે તો આપતા નહીં અને સ્ટાફ દ્વારા કહેવામાં આવતું કે, બિલ કે પહોંચ માગશઓ તો સિટી સ્કેન કરી આપીશું નહીં.

બિલ કે પહોંચ માગશો તો સિટી સ્કેન કરી દેશું નહીં તેવી ધમકી
પ્રાંત અધિકારીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, જસદણના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા કેશુભાઈ પોપટભાઈ ઝાપડીયાએ તેમના ભાઈ કિશોરભાઈ પોપટભાઇ ઝાપડીયાની તબિયત સારી રહેતી નહીં હોય સિટી સ્કેન કરવા માટે હેત ઇમેજિંગ સેન્ટર ખાતે સિટી સ્કેન કરાવવા ગયા હતા. સિટી સ્કેન કરાવવાના 2500 રૂપિયા રોકડા આપ્યા હતા. પરંતુ બિલ અને પહોંચ માગતાં ફરજ પરના સ્ટાફે બિલ કે પહોંચ આપવાની ના પાડી હતી. અને જણાવ્યું હતું કે બિલ કે પહોંચ માગશો તો સિટી સ્કેન કરી આપવામાં આવશે નહીં.

અનેક દર્દીને પહોંચ કે બિલ આપવામાં આવ્યા નહીં
તેમજ સીટી સ્કેનના ઊંચા ભાવ આપવામાં આવે તો વહેલો વારો આવી જાય. આ ઉપરાંત ઢોકળવાના રામભાઇ નારણભાઈ ગઢવીએ પણ રોકડા રૂપિયા 2500 આપ્યા હતા. પરંતુ તેને પણ બિલ કે પહોંચ આપવાને બદલે પહોંચ કે બિલ માગશો તો સિટી સ્કેન કરી આપવામાં આવશે નહીં તેવું સ્ટાફે કહ્યું હતું. આ ઉપરાંત મયુરભાઈ દિનેશભાઈ ગઢવીને પણ આ પ્રમાણે જ રોકડ રકમ લઈને પહોંચ આપવામાં આવી ન હતી. જસદણના નાયબ મામલતદાર એસ.પી. ચાવડાની હેત ઇમેજિંગ સેન્ટરના ડો. પુષ્કર ડાભી સામે દર્દીઓનાં સિટી સ્કેનની રકમ લઇ પહોંચ કે બિલ નહીં આપી છેતરપિંડી કરવા ઉપરાંત કોરોનાના જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમોને આધારે જસદણ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ PSI જે. એચ. સિસોદિયા ચલાવી રહ્યાં છે.

વાઇરલ વીડિયોમાં મહિલા કર્મચારીની દાદાગીરી જોવા મળી
હેત ઇમેજીંગ સિટીસ્કેન સેન્ટરમાં કામ કરતી એક મહિલા કર્મચારીની દાદાગીરીનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં દર્દીના સગા પહોંચ માગે છે તો મહિલા કર્મચારી ઉશ્કેરાય જાય છે. બાદમાં દર્દીના સગાને કહે છે કે આ અમારૂ બિલ્ડીંગ છે જે થાય તે કરી લ્યો. તેમજ પોલીસમાં ફરિયાદ કરી દ્યો તેવી ખુલ્લી ચેલેન્જ આપી રહી છે. બાદમાં દર્દીના સગા સાથે જેમ ફાવે તેમ બોલી બેજવાબદાર વર્તન કરી રહી છે.

મહિલા કર્મીએ દર્દીના સગા સાથે દાદાગીરી કરી.
મહિલા કર્મીએ દર્દીના સગા સાથે દાદાગીરી કરી.

જસદણ-વીંછિયા પંથકનું આ એકમાત્ર સિટી સ્કેન સેન્ટર

અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ-વીંછિયા શહેર અને તાલુકામાં આ એકમાત્ર સિટી સ્કેન સેન્ટર હોય છેલ્લા એક મહિનાથી કોરોનાને લીધે હેત ઈમેજીંગ સેન્ટર ખાતે સવારે સિટી સ્કેન કરાવવા માટે દર્દીના સગા-સબંધી આગલા દિવસે મોડી રાતથી જ લાઈનમાં ઉભા રહી જતા હતા. વહેલી સવારે છ વાગ્યે મેળા જેવી ભીડ એકત્ર થઇ જતી હતી. લોકોમા સોશિયલ ડિસ્ટન્સના ભંગથી કોરોના ફેલાય તેવી દહેશત હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યાં હતા.

(કરસન બામટા-આટકોટ)

અન્ય સમાચારો પણ છે...