મોબાઇલનું વળગણ ડામવા અનોખી પહેલ:લોકડાઉન પછી રાજકોટની સ્કૂલમાં બાળકો નહીં, વાલીઓ ભણવા આવે છે!, ઘરે જઈ સંતાનોને શિક્ષક બની શિક્ષણ આપે છે

રાજકોટ17 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • સ્કૂલમાં નર્સરી, HKG અને LKGના બાળકો અભ્યાસ કરી રહ્યા છે
  • 100થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ, તમામની ઉંમર 3થી 6 વર્ષની

ત્રીજી લહેર વચ્ચે શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં ધોરણ 1થી 12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. જેમાં 15 વર્ષ સુધીના બાળકો નોન વેક્સિનેટેડ છે. આ દરમિયાન ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવાની માગ કરવામાં આવે છે. પરંતુ ઓનલાઇન શિક્ષણને લઇ અનેક અગવડતા વાલીઓ તથા શિક્ષકો વ્યક્ત કરી રહ્યા છે. આ બધા વચ્ચે રાજકોટની એક સ્કૂલની નવી પહેલ અન્ય સ્કૂલો માટે પ્રેરણા બની છે. આ સ્કૂલમાં નર્સરી, HKG અને LKGના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. લોકડાઉન બાદ બાળકોમાં મોબાઇલનું વળગણ ડામવા અને કોરોના-ઓમિક્રોનથી સુરક્ષિત રાખવા સ્કૂલે વાલીઓને સ્કૂલે બોલાવી શિક્ષકો પાસે અભ્યાસ કરાવવામાં આવે છે અને બાદમાં વાલીઓ ઘરે જઇને શિક્ષક બની પોતાના સંતાનોને શિક્ષણ આપે છે.

વાલીઓ બાળકોનું ભણતર સરળતાથી આગળ વધારી રહ્યા છે
શિક્ષક એ વિદ્યાર્થીઓના વાલી માનવામાં આવે છે અને ખરા અર્થમાં વાલી શિક્ષક બની બાળકોને અભ્યાસ કરાવી મોબાઈલથી અળગા રાખી કોરોનાથી બચાવવાનું કામ રાજકોટના વાલીઓ કરી રહ્યા છે. રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલી આ સ્કૂલમાં 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલમાં કોરોનાથી બાળકોને બચાવવા માટે અને મોબાઇલથી અળગા રાખવામાં માટે અનોખી પહેલ કરવામાં આવી છે. કોરોનાની શરૂઆતમાં અને લોકડાઉન બાદથી આજ દિવસ સુધી આ સ્કૂલમાં બાળકોને ઓનલાઇન કે ઓફલાઈન શિક્ષણ આપવાના બદલે તેમના વાલીઓને શિક્ષણ આપવામાં આવે છે. ઘરે જઈને વાલીઓ બાળકોનું ભણતર સરળતા અને સફળતાથી આગળ વધારી રહ્યા છે.

ઓનલાઈન શિક્ષણથી બાળકોને દૂર રાખવામાં સ્કૂલની સફળતા
સ્કૂલના આચાર્ય વર્ષાબેન પોપટે જણાવ્યું હતું કે, અમારી સ્કૂલમાં હાલ 100થી વધુ વિદ્યાર્થીઓ છે. આ તમામ વિદ્યાર્થીઓની ઉંમર 3થી 6 વર્ષની વચ્ચેની છે. બાળકોની ઇમ્યુનિટી ઓછી હોય છે માટે તેઓ ઝડપથી સંક્રમિત થઇ શકે છે. આથી કોરોનાની શરૂઆત અને લોકડાઉન બાદથી આજ દિવસ સુધી બાળકોને અભ્યાસ માટે સ્કૂલે બોલાવવામાં આવ્યા નથી. સાથોસાથ બાળકોને નાની ઉંમરમાં મોબાઈલનું વળગણ ન લાગે માટે ઓનલાઇન શિક્ષણથી દૂર રાખી બાળકોના વાલીઓને શાળાએ બોલાવી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, બાદમાં વાલીઓ ઘરે જઇ બાળકોને અભ્યાસ કરાવે છે.

વાલીઓ ઘરે જઈને પોતાનાં સંતાનોને સરળતાથી અભ્યાસ કરાવે છે.
વાલીઓ ઘરે જઈને પોતાનાં સંતાનોને સરળતાથી અભ્યાસ કરાવે છે.

બાળકોની ભૂલનો વીડિયો ઉતારી વાલીઓ શિક્ષકને મોકલે છે
તેઓ વધુમાં જણાવતાં કહે છે, એટલું જ નહીં, એકસાથે માત્ર 4થી 5 વાલીને જ બોલાવી સોશિયલ ડિસ્ટન્સમાં બેસાડી એકસાથે એકથી બે અઠવાડિયાંનું શિક્ષણ શીખવવામાં આવતું હોય છે. આ શિક્ષણ વાલીઓ બાળકોને કરાવતા હોય છે અને તે મુજબ બાળકોનો વીડિયો ઉતારી શિક્ષકને મોકલવામાં આવે છે. આથી બાળકની કોઈ ભૂલ હોય તો તે વિશે શિક્ષક વાલીને ગાઈડ કરી લખતા-વાંચતા અને બોલતા શીખવે છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સ્કૂલ રોજ 4થી 5 વાલીને બોલાવી શિક્ષણ આપે છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સ્કૂલ રોજ 4થી 5 વાલીને બોલાવી શિક્ષણ આપે છે.

મોબાઈલથી દૂર રહી મારો પુત્ર પૂરતો અભ્યાસ કરી શકે છેઃ વાલી
બીજી તરફ રૂચિતા લોઢા નામના વાલીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારો પુત્ર આરુષ સ્કાય કિડ્ઝ સ્કૂલમાં અભ્યાસ કરે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે સ્કૂલમાં આરુષને બોલાવવામાં આવતો નથી પરંતુ તેના બદલે હું સ્કૂલ પર આવી તેનું હોમવર્ક શીખું છું, બાદમાં ઘરે જઈ આરુષને શીખવું છું. ખુશી એ વાતની છે કે સગા- સંબંધીઓ અને પાડોશીઓના બાળકોને જોવ તો ઓનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોમાં મોબાઈલનું વળગણ જોવા મળે છે. જેની સામે મારુ બાળક તેમના કરતા અલગ મોબાઈલથી દૂર રહીને પૂરતો અભ્યાસ કરી શકે છે અને શિક્ષણ પ્રાપ્ત કરે છે.

વાલી રુચિતા લોઢાએ કહ્યું- મારા પુત્રને બદલે હું સ્કૂલ પર આવી તેનું હોમવર્ક શીખું છું અને પછી ઘરે જઇ પુત્રને શીખવું છું.
વાલી રુચિતા લોઢાએ કહ્યું- મારા પુત્રને બદલે હું સ્કૂલ પર આવી તેનું હોમવર્ક શીખું છું અને પછી ઘરે જઇ પુત્રને શીખવું છું.

વાલીએ કહ્યું- દરેક સ્કૂલે આ પહેલ શરૂ કરવી જોઈએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારું માનવું છે કે, દરેક સ્કૂલે આ પહેલ શરૂ કરવી જોઈએ અને બાળકોને બને ત્યાં સુધી મોબાઇલથી દૂર રાખવા જોઈએ. જેમના બે મુખ્ય ફાયદાઓ છે એક તો બાળકની આંખને નુકશાન નહીં થાય અને બીજું બાળક શું અભ્યાસ કરે છે તેની ખબર વાલીઓને પોતાને રહેશે. જે ઓનલાઇન એજ્યુકેશનમાં વાલીઓને ખ્યાલ રહી શકતો નથી.

સ્કૂલનાં આચાર્ય વર્ષાબેન પોપટ.
સ્કૂલનાં આચાર્ય વર્ષાબેન પોપટ.
અન્ય સમાચારો પણ છે...