ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટની દાવેદારીને લઈ રાજકીય ગરમાવો આવી ગયો છે. તેમાંય ખાસ કરીને કોંગ્રેસમાં દાવેદારીનો રાફડો ફાટ્યો છે. ત્યારે કિસાન સંઘના આગેવાન પાલ આંબલીયાને ટિકિટ ન મળતા કિસાન સેલમાં ભારે નારાજગી જોવા મળી હતી. કોંગ્રેસના કિસાન સેલના આગેવાનોએ સોશિયલ મીડિયામાં રોષ વ્યક્ત કર્યો હતો અને પાલ આંબલીયાને ટિકિટ મળવી જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. દ્વારકા બેઠક પર કોંગ્રેસમાંથી પાલ આંબલીયાએ દાવેદારી નોંધાવી હતી.
વઢવાણમાં જીજ્ઞા પંડ્યાની જગ્યાએ બીજાને ટિકિટ આપતા બ્રહ્મ સમાજમાં વિરોધ
વઢવાણ બેઠક પર ભાજપે જીજ્ઞા પંડ્યાનું નામ બદલીને જગદીશ મકવાણાનું નામ જાહેર કરતા રાજકોટના બ્રહ્મ સમાજમાં વિરોધ ઉઠ્યો છે. બ્રહ્મ સમાજના અગ્રણી મિલન શુક્લએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, આ બ્રહ્મ સમાજનું અપમાન છે. સૌરાષ્ટ્રમાં બ્રહ્મ સમાજને ભાજપે એક પણ ટિકિટ આપી નથી. જીજ્ઞા પંડ્યાની જેમ રાજકોટ પશ્ચિમની બેઠક પર બ્રાહ્મણ ઉમેદવાર જાહેર કરવાની માગ કરી છે. બીજી તરફ રાજકોટ પશ્ચિમ બેઠક પર ગોપાલ અનડકટનું ઉમેદવાર તરીકે નામ જાહેર ન થતા તેઓ નારાજ થયા છે. યાજ્ઞિક રોડ પર વિવેકાનંદ સ્ટેચ્યુ ખાતે કાર્યકરો એકઠા થયા છે.
જસદણમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા
જસદણના ભાડલા ખાતે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો ડો ચિરાગ કાકડિયા, વલ્લભભાઈ રાજપરા, રિંકલબેન કાકડિયા, હંસરાજભાઇ, અશોકભાઈ પોતાના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
પાલ આંબલિયાની પણ ટિકિટ કપાતા વધુ નારાજગી
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેનની ટિકિટ કપાતા કિસાન કોંગ્રેસના પ્રવક્તા અતુલ કમાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કિસાન કોંગ્રેસ દ્વારા 8 ટિકિટની માંગ કરવામાં આવી હતી પરંતુ એકપણ ટિકિટ ન આપતા તેમજ પાલ આંબલિયાની પણ ટિકિટ કપાતા વધુ નારાજગી જોવા મળી હતી. પાલ આંબલિયા અપક્ષમાં લડવાનું કહેશે તો પણ અમે તેમની સાથે જોડાયેલા રહીશું. પાલ આંબલીયાની ટિકિટ કપાતા ખેડૂતોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે.
રાજકોટમાં કોંગ્રેસના નારાજ બે દિગ્ગજ નેતા એક થયા
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત વચ્ચે નારાજગી ચાલતી હતી. પરંતુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને મહેશ રાજપુત ફરી એકત્ર થયા છે. આ બન્ને નેતાની હાજરીમાં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી વોર્ડ નં. 4ના નંદાભાઈ ડાંગર અને દિપકભાઈ મકવાણા કોંગ્રેસમાં જોડાયા છે.ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના અનેક સમર્થકો કોંગ્રેસમાં જોડાશે.
પંજાબના પંચાયત મંત્રી પ્રચાર માટે રાજકોટ આવી પહોંચ્યા
પંજાબના આમ આદમી પાર્ટીના પંચાયત મંત્રી કુલદીપસિંહ ધવલિયા રાજકોટ પહોંચ્યા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકોટમાં પ્રચાર કરશે અને ચૂંટણી સુધી રહેશે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને લઈને તેઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે. ગુજરાતમાં તો શું પૂરા દેશમાં આમ આદમી પાર્ટી રૂપિયાનો ગોટાળો કરે તે શક્ય નથી. આગામી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે ઘરે ઘરે જઈશું, બેઠકો કરીશું અને લોકોને સમજાવીશું. અમારી સાથે બે પ્રકારના લોકો જોડાઈ છે. એક જે સિસ્ટમ બદલવા માટે આવે છે અને બીજા એ કે જે પોતાને બદલવા માટે આવે છે.
કિસાન કોંગ્રેસ દ્વારા 8 ટિકિટની માંગ કરવામાં આવી
કિસાન કોંગ્રેસના પ્રવક્તા એ હતો ત્યાં સુધી કહી દીધું કે જો પાલ આંબલિયા નિષ્ક્રિય થવાનું કહે છે તો અમે નિષ્ક્રિય પણ થશું. ખેડૂતો સાથે જોડાયેલ નેતાની ટિકિટ કપાતા વધુ નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.નોંધનીય છે કે કિસાન કોંગ્રેસ દ્વારા 8 ટિકિટની માંગ કરવામાં આવી હતી. જોકે એકપણ ટિકિટ ન આપતા નારાજગી ફેલાઈ છે.
આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે
કોંગ્રેસના યૂથ મોરચાએ તેમજ કિસાન કોંગ્રેસે પણ આગામી ચૂંટણીમાં ઝપલાવવાનું નક્કી કરી લીધું છે. એક તરફ કોંગ્રેસના જૂના જોગીઓ હજુ પણ ચૂંટણી લડવા તલપાપડ છે ત્યારે બીજી તરફ આજે ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા રાજનીતના ખેલ ધીમે ધીમે ઉઘાડા થઈ રહ્યા છે. આગામી સમયમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.