ચૂંટણી પૂર્વે રાજકોટમાં પાટીદાર પાવર:ખોડલધામ અને માંડવીયાના લોબિંગથી ટીલાળાને મળી ટિકિટ, છતાં માંડવીયાનું સ્પષ્ટ રટણ: 'બોર્ડે નિર્ણય કર્યો તેને ટિકિટ મળી'

રાજકોટએક મહિનો પહેલા

રાજકોટમાં જૂથવાદ અને દાવેદારોની હારમાળા વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વાર રાજકોટ મહાનગરમાં ચાલુ ધારાસભ્યોને કાપી તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે એટલું જ નહિ આ વખતે તો ભાજપે ચાલુ ધારાસભ્યોની ભલામણને પણ સાઇડમાં રાખી પાર્લામેન્ટરી બોર્ડે ઉમેદવારો પર મહોર મારી છે. તેમાં પણ રાજકોટ દક્ષિણ બેઠક પર સેન્સ પ્રકિયા પૂર્ણ થયા બાદ મોદી અને શાહ સુધી લોબિંગ કરવામાં આવ્યું આ બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ ભાજપની આખરી પાર્લામેન્ટરીની બેઠકમાં ભલામણ કરતા આખરે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે.

સંગઠનોના હોદ્દેદારોના ગણિત બદલી નાંખ્યા
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ મહાનગરમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીને લઇ ઘણા સમીકરણો બંધાઈ રહ્યા હતા. ચાલુ ધારાસભ્યો થી લઇ અનેક આગેવાનોએ સમાજ અને સંગઠનને સાથે રાખી સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવી ટિકિટની માંગણી કરી હતી. જો કે આ બધા વચ્ચે રાજકોટમાં એક નવું જ સમીકરણ બંધાયું અને તેમને વર્તમાન ધારાસભ્યો સહીત અનેક સંગઠનોના હોદ્દેદારોના ગણિત બદલી દીધા.

ખરે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટની ફાળવણી કરવામાં આવી
ખરે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટની ફાળવણી કરવામાં આવી

ખોડલધામનું લોબિંગ મજબૂત હતું
રાજકોટ મહાનગરની સેન્સ દરમિયાન દક્ષિણ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ડો. ધનસુખ ભંડેરી સહીત 13 જેટલા લોકોએ દાવેદારી કરી હતી જો કે આ સમયે રમેશ ટીલાળાનું નામ જ ન હતું અને એકાએક ખોડલધામના ટ્રસ્ટીઓની દિલ્લી મુલાકાત અને પ્રધાનમંત્રને કાગવડ આવવા આમંત્રણ અને બાદમાં ચાર્ટર પ્લેન મારફત રાજકોટથી અમદાવાદ અમિત શાહ પાસે પહોંચી ખાસ સેન્સ આપવામાં આવી. જો કે અમિત ભાઈએ પણ પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય લેશે તેવું કહેવાતા ખોડલધામનું લોબિંગ મજબૂત બન્યું હતું. ખુદ નરેશ પટેલ રમેશ ટીલાળા માટે ટિકિટ માંગવા પહોંચ્યા હતા અને પાર્લામેન્ટરી બોર્ડમાં આખરી નિર્ણયમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિએ એ રાત્રે ચાર ચાંદ લગાવ્યા માફક રમેશ ટીલાળાના નામ પર શમતી દર્શાવતા પાર્લામેન્ટરી બોર્ડે માંડવીયા અને ખોડલધામન લોબિંગ માન્ય રાખી ટિકિટ ફાળવી.

ડો.ભરત બોઘરાનું એક સપ્તાહમાં પત્તુ કાપાઇ ગયું
જસદણ બેઠક પર કુંવરજીભાઇને જ રિપીટ કરવાના સંકેત સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક જાહેર કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાને કહ્યું હતું કે, ભરતભાઈ તમારે જસદણ બેઠક પર ટિકિટ માંગવાની નથી કુંવરજીભાઇને લડાવવાના છે. આ પછી ડો. ભરત બોઘરાએ રાજકોટની દક્ષિણ વિધાનસભા બેઠક માટે દાવેદારી કરી લોબિંગ શરૂ કર્યું હતું અને છેલ્લે સુધી તેમનું નામ ફાઇનલ માનવામાં આવતું હતું પરંતુ પાછળના એક સપ્તાહની અંદર ખોડલધામ નરેશ અને રમેશ એન્ટ્રી કરી તેમનું પત્તુ કાપી દીધું છે. જો કે આ અંગે મનસુખ માંડવિયાને સવાલ કરતા તેમને જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર ગોણ છે દરેક કાર્યકરની જેમ ખભે ખભો મિલાવી આજે એક મંચ પર બેઠા હતા અને દરેક ઉમેદવારને જીતાડવાની જવાબદારી એક એક કાર્યકર્તાની છે. પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય એ ભાજપના કાર્યકરો માટે શીરો માન્ય હોય છે.

કુંવરજીભાઇને રિપીટ કરાયા ડો.ભરત બોઘરાનું પતુ કપાયુ
કુંવરજીભાઇને રિપીટ કરાયા ડો.ભરત બોઘરાનું પતુ કપાયુ

દિલ્હીની બેઠક ટીલાળા માટે શુકનવંતી સાબિત થઈ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્લામેન્ટરી બોર્ડ પાસે પહોંચેલી યાદીમાં રમેશ ટીલાળાનું નામ ન હતું પરંતુ બુધવારે રાત્રે દિલ્હી ખાતે મળેલી હાઇકમાન્ડ ની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં ચર્ચા બાદ રમેશ ટીલાળાને ફોન કરી તેમનું આખું નામ અને બાયોડેટા મંગાવવામાં આવ્યો હતો જે બાદ તેના નામની ગુરુવારે સવારે જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે ઉમેદવારી પત્રક ભરવા સમયે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રમેશ ટીલાળાની સાથે હતા.

રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં છે મોટું નામ
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ચેરમેન પણ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ આજે 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે.

ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે
ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે

ગત ચૂંટણીમાં ભાજપને થયું હતું મોટું નુકસાન
આ વખતે ગુજરાતના ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટી પણ છે. ત્યારે ભાજપ કોઈ જ રિસ્ક લેવા માગતું ન હોય અને શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગત વખતની ચૂંટણીમાં પાટીદાર સમાજના ગઢ સમાન અમરેલી, જૂનાગઢ, જામનગરમાં ભાજપને મોટું નુકસાન ગયું હતું અને કેટલીક તો પરંપરાગત વર્ષોથી ભાજપના ગઢ સમાન બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી સૌરાષ્ટ્રની 22 સીટમાંથી 15 પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. માત્ર એટલું જ નહીં આ 22 સીટમાંથી ભાજપને માત્ર 9 અને કોંગ્રેસને 13 સીટ મળી હતી.

50 બેઠક પર પાટીદાર પાવર
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજૂરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.

ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા

આ 22 બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ
આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના 44 ધારાસભ્ય, 6 સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે.

અન્ય સમાચારો પણ છે...