નારી ગૌરવ દિવસ:રાજકોટમાં ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ હેઠળ135 જૂથને 1.35 કરોડની વગર વ્યાજની લોન આપી, ઊર્જામંત્રીએ કહ્યું- 2 વર્ષમાં 18 હજાર ગામડાંનાં ખેડૂતોને દિવસે વીજળી મળશે

રાજકોટ6 મહિનો પહેલા
મહિલાઓને ધિરાણ આપવામાં આવ્યું.
 • 2030 સુધીમાં 30 હજાર મેગાવોટ વીજળી પેદા કરનારૂં ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્ય બનશેઃ ઊર્જામંત્રી

રાજકોટમાં યોજાયેલા ‘નારી ગૌરવ દિવસ’ના કાર્યક્રમમાં રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 135 જૂથને 1.35 કરોડની વગર વ્યાજની લોન આપવામાં આવી હતી. આ પ્રસંગે સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની મહિલાઓને સોંપેલો રૂપિયો સારા કાર્યોમા જ વપરાશે એવો રાજ્ય સરકારને દ્રઢ વિશ્વાસ છે. માટે જ રાજ્ય સરકારે રાજ્યની મહિલાઓ માટે રૂપિયા 51 કરોડ 66 લાખ 88 હજારની ફાળવણી ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ હેઠળ કરી છે. 2 વર્ષમાં 18 હજાર ગામડાંનાં ખેડૂતોને દિવસે વીજળી મળશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી.

ગ્રામીણ મહિલાઓ ભાતીગળ કલા અને ઘરગથ્થું વપરાશના ચીજોના ઉત્પાદન થકી પગભર થઈ પરિવારને મદદરૂપ બને તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સખી મંડળની બહેનોને વગર વ્યાજની લોન આપી સહાયરૂપ બને છે. આજરોજ નારી ગૌરવ દિવસ નિમિતે 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં સખી મંડળના 135 જૂથને રૂ.1.35ની વગર વ્યાજની લોન એનાયત કરવામાં આવી છે. આ ઉપરાંત રૂ. 83 લાખ ઇન્વેસ્ટમેન્ટ રિવોલ્વીંગ ફંડ તેમજ સ્ટાર્ટ-અપ અન્વયે સખી મંડળને એનાયત કરવામાં આવ્યા છે.

સોલાર ઉર્જામાં સરકારે 1640 કરોડ રૂપિયાની સબસિડી આપી
સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે 63 હજાર કૃષિ વીજ કનેક્શન રાજ્યના ખેડૂતોને આપ્યા છે. આ માટે રાજ્ય સરકારને રૂપિયા 18 કરોડનો ખર્ચ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતોને રૂપિયા 30 હજાર કરોડની સબસિડી આપી છે. અત્યાર સુધી રાજ્ય સરકારે 5 હજાર ગામડાઓને દિવસે વીજળી પૂરી પાડી છે અને 35 કરોડના ખર્ચે આવનારા બે વર્ષમાં 18 હજાર ગામડાંને દિવસે વીજળી પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે. જૂન-21 સુધીમાં એક હજાર મેગાવોટ વીજળી રાજ્યના 2 લાખ 66 હજાર લોકોએ પોતાની અગાસી પરથી ઉત્પાદિત કરી છે. આ માટે રાજ્ય સરકારે રૂપિયા 1640 કરોડ રૂપિયાની સબસિડી આપી છે.

ઊર્જામંત્રી સૌરભ પટેલના હસ્તે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
ઊર્જામંત્રી સૌરભ પટેલના હસ્તે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

રાજકોટમાં 10 વીજ સબ સ્ટેશન સ્થાપવાની મંજૂરી ઊર્જા વિભાગે આપી
આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં 10 વીજ સબ સ્ટેશન સ્થાપવાની મંજૂરી રાજ્યના ઉર્જા વિભાગે આપી છે. કચ્છમાં સ્થપાયેલા સોલર રિન્યુએબલ એનર્જી પાર્કમાં વર્ષ 2030 સુધીમાં 30 હજાર મેગાવોટ વીજળી પેદા કરનારૂં ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્ય બનશે. કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યના નાગરિકોને રાજ્ય સરકારે 1300 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડ્યો છે. રાજકોટ શહેરના 20 જૂથ અને રાજકોટ ગ્રામ્યના પડધરી અને લોધિકા સહિતના અન્ય 20 જૂથ મળી કુલ 40 જૂથના 400 વ્યક્તિને આ કાર્યક્રમમાં 40 લાખ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું હતું. આ જૂથને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત જોઈન્ટ લાયેબિલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ તરીકે નિયત બેન્કો દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

સૌરભ પટેલે સંબોધન કર્યું હતું.
સૌરભ પટેલે સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY)નો કોને લાભ મળી શકે

 • મહિલાઓના જોઇન્ટ લાયાબિલિટી અર્નિગ એન્ડ સેવિંગ ગ્રુપ (JLESG)ને રૂ.1,00,000 વ્યાજ સહિત બેંક ધિરાણ
 • જૂથ વતી રાજ્ય સરકાર દ્વારા બેંકને વ્યાજ ચુકવણી
 • જુથને કોઇ પણ પ્રકારની ગેરંટી વગર ધિરાણ
 • બેંક ધિરાણમાં સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ
 • લાભાર્થી તરીકે પાત્રતા
 • ઉંમર 18થી 59 વર્ષની વયજૂથમાં 10 મહિલાનું જૂથ
 • એક જૂથમાં એક કુટુંબની એક જ મહિલા જૂથના સભ્ય તરીકે જોડાઈ શકશે
 • જૂથમાં તમામ સભ્યોનું રહેઠાણ અથવા કાર્યસ્થળ નજીક હોવું જોઈએ
 • કોઈ ધિરાણ સંસ્થાની લોન બાકી ન હોય તેવા હયાત જૂથો પણ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે
 • આ ઉપરાંત યોજનાની માર્ગદર્શિકાની અન્ય તમામ શરતોને આધીન રહી કાર્યવાહી કરવાની રહેશે
 • નારી ગૌરવ દિવસની ઉજવણીમાં શહેરી વિકાસમાં 200 અને ગ્રામ્ય વિસ્તારમાં 200 મળી કુલ 400 લાભાર્થીઓને લાભ મળનાર છે

મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ માટે સેમિનાર યોજાયો
આજ રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સવારે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી મહિલાઓના પ્રશ્નોનું એક જ સ્થળે તાત્કાલિક ધોરણે નિરાકરણ થઇ શકે અને કાયદાકીય તાત્કાલિક મદદ મળી શકે તે માટે સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમાં મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓની સાથો સાથે IUCAW યુનિટના અધિકારીઓ તથા કર્મચારીઓ તથા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરો તથા સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તથા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ વોલેન્ટીયર તથા અભયમ્ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલરો ઉપસ્થિત રહ્યા હતા.

78માંથી 25 અરજીનું સુખદ સમાધાન કરાવ્યું
ખાસ કરીને મહિલાઓનાં ઘરેલું પ્રશ્નોમાં સુખદ સમાધાન થાય અને મહિલા અને તેના બાળકો પોતાના પરિવાર સાથે સારી રીતે રહી શકે અને પરિવારરૂપી માળો વિખેરાય નહીં તે માટે આયોજીત આ સેમિનારમાં કુલ 163 અરજીમાં અરજદાર તથા સામાવાળાઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 78 અરજીના બન્ને પક્ષકારો હાજર રહ્યા હતા. જે પૈકી કુલ 25 અરજીમાં સુખદ સમાધાન કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું છે અને કુલ 4 અરજીમાં ફરિયાદ નોંધાઇ છે. તેમજ કુલ 49 અરજીમાં અરજદાર ભરણપોષણ મેળવવા માંગતા હોય અથવા તો છૂટાછેડા લેવા ઇચ્છતા હોય તેવા અરજદારને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના લિગલ વોલેન્ટીયર સાથે મેળવી સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...