બોર્ડની પરીક્ષાની તૈયારી:રાજકોટની શાળાઓનું લિસ્ટ, ઝોન, બ્લોક, CCTV સહિતની વિગતો બોર્ડને મોકલાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાલથી રાજ્યના DEO સાથે અધિકારીઓની બેઠક

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આગામી 14 માર્ચથી લેવાનારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શિક્ષણ વિભાગે શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લામાં શાળાઓની સંખ્યા, બ્લોક, વર્ગખંડ, ઝોન, અધિકારીઓની વિગતો, કંટ્રોલરૂમ સહિતની તમામ બાબતોનું લિસ્ટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ બોર્ડને મોકલી દેવાયું છે.

જેના આધારે આગામી તારીખ 4થી 7 જાન્યુઆરી દરમિયાન રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા શિક્ષણાધિકારીઓની બોર્ડના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક મળવાની હોવાનું જાણવા મળ્યું છે જેમાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ સંબંધિત જુદી જુદી બાબતોની ચર્ચા કરવામાં આવશે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યા ફાઈનલ થાય તે પહેલા શિક્ષણ બોર્ડે પરીક્ષાના સુચારુ આયોજન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી તેમના જિલ્લાની શાળાઓનું લિસ્ટ, ઝોન, બિલ્ડિંગ, ક્લાસરૂમ, બ્લોક, શાળામાં સીસીટીવીની વિગતોનો એક્શન પ્લાન મગાવ્યો હતો.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ આ તમામ વિગતો સાથેનો અહેવાલ બોર્ડમાં મોકલી દીધો છે. બોર્ડની આ પરીક્ષામાં ગેરરીતિ અને પરીક્ષા ચોરીના બનાવોને ડામવા માટે દર વર્ષે ખાસ પ્રબંધો કરી એક્શન પ્લાન અમલી બનાવવામાં આવે છે. તેના ભાગરૂપે જ આગામી તારીખ 4થી 7 જાન્યુઆરી દરમિયાન રાજ્યના ડીઈઓની બેઠક મળશે.

પરીક્ષાની તમામ વિગતો બોર્ડને મોકલી છે
બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે શિક્ષણ બોર્ડ દ્વારા જે વિગતો માગવામાં આવી તે રાજકોટ જિલ્લાની તમામ વિગતો બોર્ડને મોકલી આપવામાં આવી છે. હવે 4 જાન્યુઆરીથી તબક્કાવાર બેઠક શરૂ થવાની છે જેમાં પરીક્ષાની તૈયારીના ભાગરૂપે જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરાશે. > બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ

ધો.10ના પરીક્ષા ફોર્મ 7મી સુધી ભરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે કે, ધોરણ 10ની માર્ચ-2023ની પરીક્ષાના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. દરેક શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ 7મી જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી શકશે. 7મીએ રાત્રે 12 કલાક સુધીમાં પ્રિન્સિપાલે આ ફોર્મનું એપ્રૂવલ બાકી હોય તો કરી દેવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...