રાજકોટની દેવપરા સોસાયટીમાં રહેતો યુવકે આજે સવારે સોરઠીયાવાડી ગાર્ડનમાં હતો ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને તેના મિત્રને જાણ કરતાં દોડી આવેલા તેના મિત્રએ 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ હોસ્પિટલ આવી યુવકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકના મિત્રએ જણાવ્યું હતું કે, તે દારૂનો ધંધો કરે છે અને અવારનવાર દારૂ સાથે પોલીસે તેને પકડી લીધેલ છે. ગઇકાલે સાંજે તેના ઘરે પડેલી દારૂની એક પેટી ગ્રાહકને આપવા ગયો હતો. જે ગ્રાહકને પણ પોલીસે દબોચી લીધો હતો અને પૂછપરછમાં તેનું નામ આપ્યું હતું. જેથી ધરપકડ થાય તો જામીન કરાવવાના રૂપિયા ન હોવાથી આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
જસદણના કાળાસર ગામની સીમમાંથી રૂ.3.92 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ પોલીસને દોડતી કરી દીધી હોય તે રીતે રાજકોટ પોલીસ દ્વારા રોજ બરોજ પ્રોહિબિશનના કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહ્યા છે. રાજકોટ રૂરલ LCB પોલીસ દ્વારા જસદણ વિસ્તારમાં કાળાસર ગામની સીમમાં આવેલી વાડીમાં ખાડો ખોદી તેના ઉપર ઘાસના પુડા નાખી છુપાવેલો રૂ.3.92 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને પાઉચ તેમજ બિયર સહિત 2640 નંગનો જથ્થો જપ્ત કર્યો હતો. હાલ પોલીસે વાડી માલીક લલિત ઉર્ફે સાંગો શામજી વાસાણી, વિશાલ શામજી વાસાણી અને કલ્પેશ ભના વાસાણી વિરુદ્ધ કાર્યવાહી કરી તમામની શોધખોળ હાથ ધરી છે.
સદર બજારમાં ચાઈનીઝ દોરીના 56 માંજા ઝડપાયા
રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા સદર બજારમાં પતંગ-દોરાના સ્ટોલ અને દુકાનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન સદર બજારમાં ભરતી પતંગ બજારમાં બે સ્થળે ચાઇનીઝ દોરાનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા સદર બજારમાં બે અલગ-અલગ જગ્યાએથી 5600 ની કિંમતની ચાઇનીઝ દોરાની 56 ફીરકી સાથે આકાશ અશ્વિનભાઇ લાખાણી તથા આસીફ મહંમદ અસરફભાઇ શેખને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
આંગણવાડીમાં ચોરી કરનાર 3 ઝડપાયા
રાજકોટના કીટીપરા વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં ગત તારીખ 9 જાન્યુઆરીના રોજ સ્ટીલની ડીસ તેમજ થાળી અને હોમથિયેટર ચોરી થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી આજ રોજ એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ચોરીના ગુનામાં સંડોવાયેલ સંદીપ ઉર્ફે ઈન્ડો રાજેશ કુવાદીયા (ઉ.વ.18), કરણ મનીષ કલાળીયા (ઉ.વ.18) અને એક સગીરને કિટીપરા પાસેથી પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ગૃહકલેશથી કંટાળી પ્રૌઢે એસિડ પીધું
રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા ભીખાભાઈ છગનભાઈ પરમાર નામના 50 વર્ષના આધેડ બપોરના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે ગૃહકલેશથી કંટાળી એસિડ પી લીધું હતું. આધેડને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા માલવિયાનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.