રાજકોટ શહેર અને રાજ્યમાં કાયદા વ્યવસ્થા કથળી ગઈ છે અને તે મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે રોષભેર જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ આવેદન આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અનુ. જાતિ સમાજના આગેવાનો રમેશભાઈ, મોહનભાઈ, સુરેશ રાઠોડ, નરેન્દ્ર રાખશિયા સહિતના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં લખ્યું હતું કે, રાજકોટમાં દારૂ, જુગાર, ચરસ, ગાંજો, અફીણ વગેરે ખુલ્લેઆમ વેચાય છે.
સ્કૂલ કોલેજ આસપાસ પડ્યા પાથર્યા રહેતા અસામાજિક તત્ત્વો બહેન દીકરીઓની છેડતી કરે છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બધે જ દારૂ બેફામ વેચાય છે. આ તમામ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારીને દરેક સમાજને નડતરરૂપ છે તેને દૂર કરવું જોઇએ.
આ ઉપરાંત તેમણે અનુસૂચિત જાતિ સમાજને થતી કનડગત સામે પણ રોષભેર અવાજ ઉઠાવ્યો હતો. રાજાશાહી વખતથી જે આનુવંશિક કામગીરી જેવી કે ખાલ ઉતારવા માટે ઓળખકાર્ડ ઈસ્યૂ કરવામાં આવે. આ તમામ માગો સાથે કલેક્ટર ઉપરાંત CPને પણ આવેદન અપાયું છે.
દેશી દારૂ વેચવાની છૂટ માગી
રાજકોટમાં દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજો, છેડતી સહિતના અનેક દૂષણો સામે લડવા તેમજ અનુસૂચિત જાતિ સમાજ સાથે થઈ રહેલા અન્યાયોની વિરુદ્ધમાં સમાજના આગેવાનોએ આવેદન આપી ભેદભાવ દૂર કરવા અને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી. જોકે આ રજૂઆત અને આવેદનમાં પણ તેઓ ભાન ભૂલી ગયા હતા અને જો આ દૂષણ દૂર નહિ થાય તો તેમના સમાજને દેશી દારૂ વેચવાની છૂટ આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.