ઠંડી વધતા પ્રાણી-પક્ષીઓ માટે હૂંફની વ્યવસ્થા:રાજકોટ ઝૂમાં સિંહ, વાઘ માટે નાઇટ શેલ્ટરમાં પુંઠાની વ્યવસ્થા, કાણાવાળા માટલામાં ઇલેક્ટ્રિક લેમ્પ ગોઠવતા સાપ વીંટળાઇ જાય છે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 61 પ્રજાતિનાં કુલ 519 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતિ અનુસાર ઠંડીથી રક્ષણ આપવા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાજકોટ ઝૂમાં સિંહ, વાઘ માટે નાઇટ શેલ્ટરમાં પુંઠાની વ્યવસ્થા કરવામાં આવી છે તો કાણાવાળા માટલામાં ઇલેક્ટ્રિક લેમ્પ ગોઠવતા સાપ વીંટળાઇ જાય છે.

કઈ પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ માટે કેવી વ્યવસ્થા કરાઇ

  • સિંહ, વાઘ, દિપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી-દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય.
  • ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રિ દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુંફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે.
  • સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રિક લેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જ્યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રિ દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.
  • તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવે છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવ્યા છે.
  • નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવી છે અને બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવે છે.
  • ​​​​​​​જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાથરવામાં આવે છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રિ દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના લાકડાના બોક્સ તથા માટલા ગોઠવવામાં આવ્યા છે. જેની અંદર લાકડાનો છોલ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રિડિંગમાં પણ ઉપયોગ કરે છે.
  • આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતિનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં 10થી 15 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લીલો ચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વગેરે સરિસૃપ પ્રજાતિના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયો છે.
અન્ય સમાચારો પણ છે...