રાજકોટમાં સમયાંતરે રિક્ષા ગેંગ દ્વારા ઊલટીનું નાટક કરી મુસાફરના ખિસ્સા હળવા કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે હવે રિક્ષા ગેંગની સ્ટાઇલથી ઇકો કાર ગેંગ સક્રિય થઇ હોવાના બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જામનગર રહેતા અને રાજકોટ રેલવે સ્ટેશન પર પાર્સલની ઓફિસમાં પ્યૂન તરીકે નોકરી કરતા અશોકભાઇ નટવરલાલ રાવલ નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.21ના રોજ નોકરીના કામે જામનગરથી ઓખા અને ઓખાથી પરત પાર્સલો લઇ રાજકોટ આવ્યા હતા.
સાંજે પાર્સલો જમા કરાવી પોતે જામનગર જવા માટે જામટાવર ચોક પાસે ઊભા હતા. ત્યારે એક ઇકો કાર આવી હતી. જેમાં ચાલક સહિત બે શખ્સ બેઠેલા હતા. પોતે જામનગર જવા માટે કારની પાછળ બેઠેલા અન્ય શખ્સની બાજુમાં બેસી ગયા હતા. ત્યારે કાર થોડે આગળ જતા બાજુમાં બેઠેલા શખ્સે ઊલટી થતી હોવાની વાત કરી હતી.
બાદમાં ચાલકે મારે જામનગર જવું નથી આ મારા મિત્રની તબિયત ખરાબ છે તેમ કહી પોતાને સાંઢિયા પુલથી આગળ ભાડું લીધા વગર ઉતારી દીધા હતા. ત્યાર બાદ પોતાના ખિસ્સામાં રાખેલા રોકડા રૂ.75 હજાર ચેક કરતા તે ગાયબ હતા. બનાવ બાદ પોતે જામનગર ઘરે પહોંચ્યા હતા. ભાણેજના લગ્ન હોવાથી ઓફિસના જ સાહેબ પાસેથી 75 હજારની રોકડ ઉછીની લીધી હતી.
જયારે અન્ય એક ઘટનામાં ભગવતીપરા, સુખસાગર સોસાયટી-6માં રહેતા અને મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા પવનભાઇ પ્રવીણભાઇ પરમાર નામના યુવાનના ઘરમાંથી ટીવી, હોમ થિયેટર જોવા મળ્યું ન હતું. બાદમાં રસોડામાં સંતાડેલા સોના-ચાંદીના ઘરેણાં, ગેસનો બાટલો, મિક્સચર અને રોકડા રૂ.15 હજાર મળી કુલ રૂ.1,43,500ની મતા ચોરાઈ હતી. જેમાં કોઈ જાણભેદુ હોવાની શંકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.