મેઘમહેર યથાવત:રાજકોટમાં સતત બીજા દિવસે હળવાથી ભારે ઝાપટા વરસ્યા, 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચી હોય તેમ ગુરુવાર સાંજથી આભમાંથી અમી વરસી રહ્યું છે. ગુરુવારે રાત્રે તો પ્રચંડ મેઘગર્જનાની સાથે 30 મિનિટમાં એક ઈંચ વરસાદ પડી ગયો હતો. ત્યારે આજે પણ સતત બીજા દિવસે મેઘમહેર યથાવત છે. રાજકોટ શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા છે અને રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.

ગુરુવારે અમુક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ
નોંધનીય છે કે ગુરુવારે સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં એક ઇંચ પડ્યો હતો. જ્યારે સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં 18 મીમી વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 833.0 મીમી, ઈસ્ટ ઝોનમાં 656.00 અને વેસ્ટ ઝોનમાં 782.00 મીમી વરસાદ પડ્યો છે. માત્ર 30 મિનિટમાં ધોધમાર એક ઈંચ વરસાદ વરસી જતાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડતાં થોડીવાર ગભરાટ ફેલાયો હતો. રૈયા પાસે સબ સ્ટેશન પર વીજળી પડતાં અમુક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી.

આગામી સોમવારે ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ જે વરસાદ હતો તે લોકલ ફોર્મેશનને કારણે પડ્યો હતો. લો પ્રેશર બન્યા બાદ તે 48 કલાક સુધીમાં વધુ મજબુત બનશે અને તેને કારણે 10, 11, 12 અને 13 સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે વરસાદ રહેશે. ભારે વરસાદ આગામી સોમવારે પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.