રાજકીય દાવપેચ શરૂ:ખોડલધામ ખાતે લેઉવા-કડવા સમાજના અગ્રણીઓની બેઠક, વિધાનસભા ચૂંટણી પૂર્વે પાટીદારોનો હુંકાર, નરેશ પટેલે કહ્યું- આગામી CM પાટીદાર હોય એવી ઇચ્છા છે

રાજકોટ4 મહિનો પહેલા
  • ખોડલધામ મંદિરમાં લેઉવા અને કડવા પાટીદારો ઇતિહાસ સર્જશે
  • લેઉવા અને કડવા પાટીદારો બેઠક પૂર્ણ થયા બાદ સાથે મળીને ખોડલધામ મંદિરમાં ધજા ચડાવશે
  • ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક પહેલાં જ પાટીદારો એક મંચ પર
  • બે કલાકથી મેરેથોન બેઠક ચાલુ, રાજકીય માહોલ ગરમાયો

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ છે. આ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે, જેના પરથી મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે. આ ઉપરાંત ખોડલધામ મંદિરમાં ઇતિહાસ સર્જાયો. હતો જ્યાં બેઠક પૂર્ણ થયા બાદ લેઉવા અને કડવા પાટીદારો સાથે મળીને ખોડલધામ મંદિરમાં ધજા ચડાવી હતી.

12 જૂનની સવારે 10 વાગ્યાથી ખોડલધામ ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ-આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઊઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત છે.

રાજકીય અને સમાજ સાથેના અન્યાયની ચર્ચા
આ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા ઊંઝા ખાતે મા ઉમિયાનાં દર્શન કરવા કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એકત્ર થયા હતા. એ વખતે અમારા ભાઈઓ સાથે બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ કોરોનાની બીજી લહેર આવતાં મીટિંગ થઈ શકી નહોતી. આજની બેઠકમાં સમાજના વિકાસની વાત અને રાજકીય ચર્ચા કરી હતી. જો પાટીદાર સમાજ સાથે થયેલા અન્યાયની પણ ચર્ચા કરી હતી..

પાટીદારો ચૂંટણીમાં કયા પક્ષ સાથે હશે એ કહેવું મુશ્કેલ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વસવાટ કરી રહ્યો હોવાથી આ બેઠક દરમિયાન અમે સરકાર તેમજ વહીવટી તંત્ર બન્નેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે એ વિશે ચર્ચા કરીશું અને અમારા જે અધિકાર બને છે એની ચર્ચા આગામી દિવસોમાં કર્યા બાદ સરકારને વાકેફ કરવામાં આવશે..અહીં કોઈ CM કે કોઈ પક્ષને સપોર્ટ કરવાની વાત નથી, પરંતુ જે પક્ષમાં અમારા પાટીદારો છે તેમનું વર્ચસ્વ વધે એની જરૂર થઈ ચર્ચા કરવામાં આવશે.

હાલ ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં અધ્યક્ષસ્થાને પાટીદારોની ચર્ચા થઈ રહી છે. હજુ 15 મહિના પછી ચૂંટણી યોજાવાની છે ત્યારે કદાચ કોરોનાની ત્રીજી લહેર પણ આવી જાય એટલે પાટીદારોનો ચૂંટણીમાં કયા પક્ષ સાથે હશે એ કહેવું મુશ્કેલ છે.

AAPએ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં
તેમણે વધુમાં જણાવ્યું હતું હતું કે કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ 'આપ' જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં 'આપ'નું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. 'આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.

બેઠકને લઈ રાજકીય માહોલ ગરમાયો
ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે 15 જૂને બેઠક યોજાવાની છે. આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે, પરંતુ ભાજપ કોઈ પ્લાનિંગ કરે એ પહેલાં આજે મળેલી બેઠકના સમાચારથી રાજકીય ગરમાવો આવી ગયો છે, જેના પરથી મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાન્યુઆરી 2021માં, એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા.

ખોડલધામ મંદિરમાં પાટીદારોએ સાથે મળી ઘ્વજા ચડાવી હતી
આજે ખોડલધામ મંદિર ખાતે ચાલી રહેલી લેઉવા-કડવા પાટીદારોની બેઠકમાં આમ તો અનેક મુદ્દે ચર્ચા થઈ હતી અને ખોડલધામના ટ્રસ્ટીઓ જ્યારે સીદસર ખાતે મા ઉમિયાનાં દર્શનાર્થે ગયા હતા ત્યારે સીદસર મંદિરના ટ્રસ્ટીઓને ખોડલધામ દર્શનાર્થે આવવાનું આમંત્રણ આપ્યું હતું જેનો સ્વીકાર કરીને આજે કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો મા ખોડલના આંગણે એકત્ર થયા છે. અને ઘ્વજા ચડાવી હતી

(​દીપક મોરબિયા, વીરપુર)

અન્ય સમાચારો પણ છે...