તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં વડીલોનો વસવસો:‘સવારે 6 વાગ્યાથી લાઈનમાં ઊભા રહીએ, વારો આવે ત્યારે જવાબ મળે રસી ખલાસ, તો હવે અમારો વાંક છે?’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલાકી ભોગવનાર રાજકોટવાસીઓની તસવીર - Divya Bhaskar
હાલાકી ભોગવનાર રાજકોટવાસીઓની તસવીર
  • 84 દિવસ વીતી ગયા તેવા બીજા ડોઝ લેનારા વૃદ્ધો સૌથી વધુ પરેશાન થયા, 5 દિવસે પણ વારો નથી આવતો
  • 9000 કોવિશિલ્ડ અને બાકીની કોવેક્સિન, 60 ટકા જથ્થો બીજા ડોઝ માટે રખાશે
  • ‘ધંધાના સ્થળે આવીને દંડ કરે તેના કરતા રસી લેવી સારી તે વિચારી આરોગ્ય કેન્દ્ર ગયા પણ ત્યાં સ્ટોક નથી’

રાજકોટમાં વેક્સિનની ભારે અછત વર્તાઈ રહી છે. આરોગ્ય કેન્દ્રો પર ઘર્ષણ વધી રહ્યા છે અને પોલીસ પણ બોલાવવી પડે છે. લોકો રસી માટે કેટલા પરેશાન થાય છે તે વાત તંત્ર સુધી લાવવા માટે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે વહેલી સવારથી મુખ્ય આરોગ્ય કેન્દ્રો પર જઈને લોકો સાથે વાત કરી હતી જેમાં જાણવા મળ્યું કે વેક્સિન માટેનો સમય ભલે 9 વાગ્યાનો હોય પણ વહેલી સવારે 5 વાગ્યે આવે ત્યારે માંડ ટોકન હાથમાં આવે છે. ઘણા લોકો એક સપ્તાહથી દરરોજ આવે છે છતાં વેક્સિન મળતી નથી તેથી કર્ફ્યૂના સમય પહેલા એટલે કે 5 વાગ્યાથી લાઈનમાં બેસવું પડે છે. નાના મૌવા આરોગ્ય કેન્દ્ર પર જતા દ્દશ્ય જોવા મળ્યું હતું કે 150થી વધુ લોકો ફૂટપાથ પર બેબસ અને નિરાશ થઈને બેઠા હતા. હજુ આરોગ્ય કેન્દ્રને તાળાં હતાં.

મજબૂરીવશ ફૂટપાથ પર બેસવું પડે છેઃ વેપારી
લોકોએ જણાવ્યું કે, ‘સવારના 5.30 વાગ્યાના આવ્યા છીએ, ત્યારે પણ 20થી વધુ લોકો લાઈનમાં હતા. કેટલીકવાર લાઈનમાં ઊભા રહેવું અહીં બેસવાની પણ વ્યવસ્થા નથી એટલે થાકીને ફૂટપાથ પર બેસે છે. એક શખ્સે જણાવ્યુ કે, તેઓ વેપારી છે અને દુકાને કે ઘરે ખુરશી સિવાય બેસતા નથી પણ અહીં મજબૂરીવશ ફૂટપાથ પર નીચે બેસવું પડે છે. લોકો સાથે વાતચીત ચાલતી હતી એ દરમિયાન 8 વાગ્યાના સમયે આરોગ્ય કેન્દ્રના કર્મચારી આવ્યા અને તાળું ખોલ્યું હતું અને તે જ વેળાએ બધા જ લોકો ઊભા થઈને લાઈનબધ્ધ થઇ ગયા હતા. મવડી આરોગ્ય કેન્દ્ર, અમીન માર્ગ બધે જ જોવા મળ્યું હતું કે લોકો કેન્દ્રના દરવાજાની બહાર રોડ પર ઊભા હોય છે અને કર્મચારીઓ છેક 8 વાગ્યે આવે પછી ગેટ ખોલીને ટોકન આપીને બેસવાની વ્યવસ્થા કરાય છે

પપ્પા રોજ ધક્કા ખાય છે, છેલ્લે નક્કી કર્યું કે પૈસા આપીને લેશું
ભાવેશભાઈ બડેલિયા નામના વેપારીએ જણાવ્યું કે, ‘જો આપેલી તારીખ સુધીમાં રસી ન લઈ તો દંડ કરે. એટલે રસી માટે ધક્કા ખાઇએ છીએ પણ હોતી જ નથી. બીજી તરફ સ્થળ પર ટોકન આપવું, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું કે સ્પોટ રજિસ્ટ્રેશન કરવું બધું જ બદલાતું રહે છે. મેં તો કંટાળીને પપ્પાને પણ કહી દીધું હતું કે છોડોને, નથી ખાવા ધક્કા પૈસા દઈને બીજો ડોઝ લઇ લેશું.’

નાના મવા આરોગ્ય કેન્દ્રમાં વહેલી સવારથી લાઈનો : મહિલાઓને સવારના ઘરકામ છોડીને રસી લેવા લાઈનમાં ઊભુ રહેવું પડે છે. કલાકો સુધી ફુટપાથ પર બેસવા મજબૂર બનવું પડે છે. સિનિયર સિટીઝન્સને પણ પાંચ-પાંચ દિવસ સુધી ધક્કા ખાવા પડે છે.

5 દિવસથી આવું છું, રસીના ઠેકાણા જ નથી
મવડી આરોગ્ય કેન્દ્ર પર મનુભાઈ નામના વૃધ્ધ ગુસ્સાથી તરબતર હતા, તેઓને ભાસ્કરે પૂછતા જણાવ્યું હતું કે, ‘છેલ્લા 5 દિવસથી ધક્કા ખાઉ છું, રસી મળતી નથી અને બીજો ડોઝ લઇ જાઓ તેવા રોજ મેસેજ આવે છે. આજે સવારે 5.30નો આવી ગયો છું, હજુ ટોકન આપવાના ઠેકાણા નથી આજે તો રસી લઈને જ જાઉ છું’

હાલાકીનો સામનો કરનાર વડીલોની તસવીર
હાલાકીનો સામનો કરનાર વડીલોની તસવીર

દરરોજ સવારે જતો છતાં રસી મળતી ન હતી
ખાનગી કંપનીમાં નોકરી કરતા પ્રવીણભાઈ હાપલિયા જણાવે છે કે, ‘મારે રસી લેવી હતી એટલે રોજ કેન્દ્ર પર જતો હતો. 8 વાગ્યે ગયો ત્યારે ન મળી, 7.30 ગયો ત્યારે પણ ન મળી, 7 વાગ્યે ગયો ત્યારે પણ ન મળી આટલા દિવસથી મવડી આરોગ્ય કેન્દ્ર જતો તો પણ રસી ન મળી. છેલ્લે કંટાળીને સવારે 6 વાગ્યાથી લાઈનમાં બેસી ગયો. ત્યારે માંડ 40 લોકોને ટોકન આપ્યા તેમાં વારો આવ્યો’.

11000 ડોઝ આવ્યા હવે ફક્ત સ્પોટ રજિસ્ટ્રેશનથી જ વેક્સિન મળશે
રાજકોટ મહાનગરપાલિકાને ગુરૂવારે રસીનો 8000નો જથ્થો મળ્યો હતો. શુક્રવારે તેમાં પણ વધારો થતા 10070 લોકોને રસી અપાઈ હતી એટલે કે 25 તારીખ બાદ પ્રથમ વખત 10 હજાર ડોઝ અપાયા છે. શનિવાર માટે અગાઉથી જ 11000 ડોઝ આવી ચૂક્યા છે જેમાંથી 9000 કોવિશિલ્ડ જ્યારે 2000 કોવેક્સિન છે. જો કે હવે ઓનલાઈન સ્લોટ બુકિંગ બંધ કરાયા છે. જો કે ઓનલાઈન કરતા સ્પોટ રજિસ્ટ્રેશન માટે વધુ કતારો લાગે છે તેમજ હવે બીજા ડોઝ માટે વૃધ્ધો આવી રહ્યા હોવાથી ઓનલાઈન સ્લોટ બૂકિંગ બંધ કરી દેવાયું છે અને માત્ર સ્પોટ રજિસ્ટ્રેશન ચાલુ રાખ્યું છે. શુક્રવારે જે કેન્દ્રો હતા ત્યાં જ શનિવારે રસીકરણ અપાશે. જો કે આ તમામ 11000 ડોઝના ઓનલાઈન ઓફલાઈન સિવાય બીજો એક ભાગ પડશે જેમાં 60 ટકા જથ્થો બીજા ડોઝ માટે જ્યારે 40 ટકા પ્રથમ ડોઝ માટે છે. આ માટે દરેક આરોગ્ય કેન્દ્ર પર અલગ અલગ લાઈન રહેશે.

અન્ય સમાચારો પણ છે...