એજ્યુકેશન:ખાનગી શાળાઓને એકમ કસોટી પોતાના આયોજન મુજબ લેવા દો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકમ પરીક્ષા, ધો.1થી 5 શરૂ કરવા સહિતના મુદ્દે સંચાલકોની રજૂઆત

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્યના દરેક જિલ્લા મથકોએ શિક્ષણ અધિકારીઓને શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને ઉદ્દેશીને આવેદનપત્ર અપાયું હતું. જેમાં ગુજરાતની નોન-ગ્રાન્ટેડ (ખાનગી) શાળાઓને પ્રથમ પરીક્ષા પોતાના જ આયોજન મુજબ લેવાની મંજૂરી આપવા બાબત અને કોરોનાની પરિસ્થિતિ સ્થિર છે ત્યારે ધોરણ 1થી 5ના વર્ગો દિવાળી પહેલા ઓફલાઇન શરૂ કરવા, તેમજ સંપૂર્ણ શિક્ષણને પૂર્વવત પ્રત્યક્ષ કરવા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને ઉદ્દેશીને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર અપાયું હતું.

રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, સરકારના પરીક્ષા વિભાગ દ્વારા તમામ શાળાઓમાં એક જ સમયે એક સમાન ટાઈમ ટેબલ સાથે એકમ કસોટી લેવાના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે નોન ગ્રાન્ટેડ શાળાઓ માટે આ આયોજનમાં જોડાવું અશક્ય હોય આ અંગે તેમજ જ્યારે કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં છે, ખૂબ વ્યાપક પ્રમાણમાં સરકાર દ્વારા વેક્સિનેશન થયું છે, ત્યારે બાકી રહેતા ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાની મંજૂરી દિવાળીના વેકેશન પહેલા આપવામાં આવે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે, એકમ કસોટીઓ માટે ગ્રામ્ય, તાલુકા અને શહેરની દરેક શાળાઓમાં કોવિડને કારણે ઓનલાઈન કે ઓફલાઈન ચલાવવામાં આવેલ કોર્સની પરિસ્થિતિ અલગ-અલગ છે, શિક્ષણ વિભાગે આપેલા સમયપત્રક મુજબ વિદ્યાર્થીઓનું ટ્રાન્સપોર્ટેશનથી માંડીને બીજી સુવિધાઓ ગોઠવવી પણ અશક્ય છે.

અન્ય સમાચારો પણ છે...