આ ભૂલ ભારે પડી શકે છે:રાજકોટ જિલ્લાના 37 ગામમાં 50 ટકાથી ઓછું વેક્સિનેશન, ધોરાજીના વેલારિયામાં માત્ર 8 ટકા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેરમાં ભયાનક સ્થિતિ જોયા બાદ પણ રસીમાં રસ નથી!

એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો હજુ યથાવત્ છે. તેની વચ્ચે રાજકોટ જિલ્લામાં હજુ પણ અનેક ગામડાંઓમાં લોકો કોરોના વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યાં છે. જિલ્લાના 37 ગામ આજે પણ એવા છે જ્યાં 50 ટકાથી ઓછું વેક્સિનેશન થયું છે. કેટલાક ગામોમાં તો માત્ર 10થી 20 ટકા જ રસીકરણ થયું છે.

કોરોનાની બીજી લહેરમાં ભયાનક દૃશ્યો સર્જાયા હતા. લોકો સારવાર અને ઓક્સિજન ન મળવાને કારણે મોતને ભેટી રહ્યાં હતાં. જોકે આ સ્થિતિ જોયા બાદ પણ હજુ અનેક ગામોમાં લોકોને રસી લેવામાં રસ નથી. રાજકોટ જિલ્લામાં એવા પણ ગામો છે જ્યાં 50 ટકાથી પણ નીચું વેક્સિન થયું છે. જિલ્લાના 37 ગામમાં 50 ટકા લોકોએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ નથી લીધો.

જિલ્લાના તાલુકાઓના કેટલાક વોર્ડમાં પણ 50 ટકા કરતા ઓછા લોકોએ કોરોનો વેક્સિન લીધી છે. આ વોર્ડ કે ગામમાં આજે પણ લોકોમાં વેક્સિન લેવા અંગે જાગૃતતા જોવા નથી મળી રહી. જેમાં ધોરાજીના વેલારિયા ગામમાં માત્ર 8 ટકા જ વેક્સિનેશન થયું છે. જ્યારે ઉડકિયામાં 19 ટકા અને ગરીડામાં 23 ટકા રસીકરણ થયું છે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે કોરોનાની ત્રીજી લહેર આવે તો રસી ન લેવાનો નિર્ણય ભારે પડી શકે છે.

રસીમાં રસ લાવવા રાત્રે વેક્સિનેશન
આરસીએચઓ ડો. ભંડેરીના જણાવ્યા મુજબ ગામડાંઓમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી મોડી સાંજે પરત ફરતા હોય છે. ત્યારે આ ગામોમાં વેક્સિનેશન વેગવંતું બને અને લોકો રસી લેવા અંગે જાગૃત થાય તે માટે રાત્રીના 9 વાગ્યા સુધી વેક્સિનેશન શરૂ રાખવામાં આવે છે. ઘરે ઘરે જઈને પણ લોકોને રસી આપવા પ્રયત્ન થઈ રહ્યો છે. સાથે જ ગામના આગેવાનોનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.

જિલ્લાની સ્થિતિ

  • 82 ટકાએ લીધો પહેલો ડોઝ
  • 28 ટકાએ લીધા બન્ને ડોઝ
  • 87 ગામમાં 100 ટકા રસીકરણ
  • 158 ગામમાં 90થી 100 ટકા વેક્સિનેશન
  • 37 ગામમાં 50 ટકાથી ઓછું રસીકરણ
અન્ય સમાચારો પણ છે...