લીંબુની આવકમાં થતા વધારા વચ્ચે જથ્થાબંધ માર્કેટમાં ભાવ ઘટવા લાગ્યા છે, તેમ છતાં દલાલો અને સંગ્રહખોરોની નીતિને કારણે બજારમાં હજુ પણ લીંબુ મોંઘા મળી રહ્યા છે. આજે રાજકોટ યાર્ડમાં પ્રતિ વીસ કિલો લીંબુના જથ્થાબંધ ભાવ ઘટી રૂ.1900-3000 થઇ ગયા હતા, તેમ છતાં છૂટક બજારમાં ઉત્તમ ગુણવત્તાના લીંબુના પ્રતિ કિલોના રૂ.200થી પણ ઉંચા ભાવે વેચાઇ રહ્યા છે.
રાજકોટ યાર્ડમાં સોમવારે લીંબુની 196 ક્વિન્ટલની આવકે પ્રતિ મણના રૂ.2000-3600ના ભાવ હતા, જેની સામે મંગળવારે 205 ક્વિન્ટલની આવકે મણના રૂ.1900-3000ના ભાવે કામકાજ થયા હતા. ખેડૂતોના મતે લીંબુના ભાવની તેજીનો મોટો લાભ તકવાદીઓ જ લઇ રહ્યા છે. ખેડૂતોને ઉંચા ભાવ મળી રહ્યા છે પરંતુ જે રીતે રૂ.300 સુધીના ઉંચા ભાવ બોલાઇ રહ્યા છે તેની સામે ખેડૂતોને નહીં પરંતુ વધુ નફો વચ્ચેના દલાલો-સંગ્રહખોરો જ અંકે કરી રહ્યા છે.
હાલ તેજીનો લાભ ખાટવા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરાયેલો લીંબુનો ધૂમ જથ્થો ઠલવાઇ રહ્યો છે. કેટલાક કિસ્સામાં લીંબુ સંપૂર્ણ રીતે પાક્યા ન હોય તેવા અધકચરા લીંબુ કે જેની સાઇઝ નાની હોય તેવા લીંબુનો જથ્થો પણ ઠલવાઇ રહ્યો છે, જે ઓછા ભાવે વેચાઇ છે પરંતુ તેમાં ઉત્તમ રસ કે ક્વોલિટી જોવા મળતી નથી હોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.