લલિત વસોયાની સ્પષ્ટતા:જિલ્લા કોંગ્રેસના વ્હોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયાના સ્ક્રિનશોટ વાઇરલ, ધોરાજીના MLAએ કહ્યું- કોઈએ ટીખળ કરી

રાજકોટ18 દિવસ પહેલા
વ્હોટ્સએપ ગ્રુપનો સ્ક્રીનશોટ અને કોંગી MLA લલિત વસોયા
  • હું ગ્રુપમાંથી લેફ્ટ થયો એવું સાબિત કરી બતાવે તો ધારાસભ્ય પદ છોડવા પણ તૈયાર છું: લલિત વસોયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે નેતાઓનો પક્ષ પલટો શરૂ થયો છે. અશ્વિન કોટવાલ અને હાર્દિક પટેલ જેવા કોંગી નેતાઓના ભાજપમાં જવાથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસના વ્હોટ્સએપ ગ્રુપમાંથી કોંગ્રેસના નેતા અને ધોરાજીના MLA લલિત વસોયા લેફ્ટ થયાના સ્ક્રિનશોટ વાઇરલ થયા હતા. આ મામલે દિવ્યભાસ્કરે લલિત વસોયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ મને બદનામ કરવાનું કાવતરું છે, કોઈએ ટીખળ કરી.

લલિત વસોયા લેફ્ટ થયાના સ્ક્રિનશોટ વાઇરલ થયા
લલિત વસોયા લેફ્ટ થયાના સ્ક્રિનશોટ વાઇરલ થયા

હું ધારાસભ્ય પદ છોડવા પણ તૈયાર છું
દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે,હું એક પણ ગ્રુપમાંથી લેફ્ટ નથી થયો. કોઈએ ટીખળ કરી મને બદનામ કરવા ખોટા સ્ક્રીનશોટ વાઈરલ કર્યા છે. હું વ્હોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયો એવું જો કોઈ સાબિત કરી બતાવે તો ધારાસભ્ય પદ છોડવા પણ તૈયાર છું.

આ પૂર્વે ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા
આ પૂર્વે ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા

શું છે સ્ક્રિનશોટમાં
હાલ સોશિયલ મીડિયામાં કોંગ્રેસના 3 વ્હોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યા છે. જેમાં જસદણ કોંગ્રેસ પરિવાર, રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ 2022ના વ્હોટ્સએપ ગ્રુપમાંથી લલિત વસોયા લેફ્ટ થયા હોય તેવું લખેલું છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના જામકંડોરણામાં પાંજરાપોળ ખાતે ભાજપના નેતા જયેશ રાદડિયા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પૂર્વ CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કથામાં કોંગી MLA લલિત વસોયાએ હાજરી આપી હતી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગહન ચર્ચા કરતા પણ નજરે ચડ્યા હતા.