સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જાહેર જનતા માટે ખુલ્લા મુકનારી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટીની અત્યાર સુધીની પરીક્ષાના સીસીટીવી લોકો પણ નિહાળી શકે તે માટે વેબસાઈટ ઉપર લાઈવ મુકાયા છે પરંતુ હવે તેનાથી પણ આગળ યુનિવર્સિટી કેમ્પસમાં જ વિશાળ એલઈડી સ્ક્રીન મુકાશે તેમાં પણ યુનિવર્સિટીની પરીક્ષાના સીસીટીવી ફૂટેજ લાઈવ બતાવવામાં આવશે. જોકે આ અંગે કુલપતિએ હજુ પ્રાથમિક નિર્ણય કર્યો છે, પરંતુ આગામી ફાઇનાન્સની બેઠકમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા કર્યા બાદ અમલી કરાશે.
કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ આ અંગે કહ્યું કે, હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કોલેજોમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તેના સીસીટીવી ફૂટેજ હાલ મોનિટરિંગ રૂમમાં જોઈ શકાય છે પરંતુ આખા મોનિટરિંગ રૂમને જ બહાર લાવવાનું આયોજન કરી રહ્યા છીએ જેમાં યુનિવર્સિટી કેમ્પસમાં જ કોઈ એક જગ્યા નક્કી કરીને ત્યાં એલઈડી લગાવવાનું પ્રાથમિક આયોજન છે જેથી દરેક લોકો યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં લેવાતી પરીક્ષાનું લાઈવ મોનિટરિંગ જોઈ શકે.
આ અંગે હજુ ફાઇનાન્સની મિટિંગમાં મુદ્દો મુકાશે. આવું કરવા પાછળ કેટલી જગ્યાની જરૂર પડશે, કઈ જગ્યાએ એલઈડી લગાવવામાં આવે જેથી વધુને વધુ લોકો નિહાળી શકે, આવું કરવા પાછળ કેટલો ખર્ચ થશે તેવી બીજી અનેક બાબતોની ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના કુલપતિએ અગાઉ કોલેજોમાં લેવાતી પરીક્ષામાં સીસીટીવી જાહેર જનતા માટે ખુલ્લા મુક્યા છે. પરંતુ હવે યુનિવર્સિટી કેમ્પસમાં પણ લોકો એલઇડી સ્ક્રિનમાં પરીક્ષા લાઇવ જોઇ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.