રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામે 20 વીઘા જમીન ધરાવતા ડો. રમેશ પીપળિયાએ પ્રાકૃતિક ખેતી માટે ડોક્ટરની પ્રેક્ટિસ મૂકી દીધી છે. 10 વીઘા જમીનમાં ટિશ્યૂ કલ્ચરથી ખારેકનું વાવેતર શરૂ કર્યું છે. આ નવતર પ્રયોગને કારણે એક ઝાડ પર 50 થી 70 કિલો ખારેકનો ઉતારો આવે છે અને 10 વીઘા જમીનમાં 14 હજાર કિલો ખારેકનું ઉત્પાદન મેળવે છે. આ સિવાય ગીર ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ ખાતરમાં કરે છે. દૂધનો છંટકાવ કરીને શાકભાજીના પાક પર આવતા રોગ પર નિયંત્રણ મેળવ્યું છે.
ડો.રમેશ પીપળિયાએ જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલા જશવંતપુર ગામે તેમને ખારેક માટે 7 વર્ષ પહેલા ટિશ્યૂ કલ્ચરથી ખારેકનું વાવેતર શરૂ કર્યું હતું અને ચાર વર્ષથી ખારેકનું ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટે 15 ગીર ગાય વસાવી છે. ગાયના ગોબર અને મૂત્રમાંથી સંપૂર્ણ નેચરલ ખાતર બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ખેતીમાં થતો હોવાથી બીજા કોઈ ખાતર કે દવાની જરૂર રહેતી નથી. હાલ એક એકર જમીનમાં ખારેકના 60 ઝાડ ઊભા છે. સામાન્ય રીતે માર્ચ મહિનાથી ખારેક આવવાનું શરૂ થઈ જાય છે અને જૂન-જુલાઈમાં આ ખારેક પાકી જતા તેનો ઉતારો લેવામાં આવે છે.
અન્ય પાકના પ્રમાણમાં તેઓને ખારેકમાં મબલખ ઉત્પાદન મળી રહ્યું છે. એક ઝાડ દીઠ રૂ. 5 થી 7 હજારની આવક થાય છે. ટિશ્યૂ કલ્ચર પદ્ધતિને કારણે બધી જ ખારેકમાં મીઠાશ જળવાઈ રહે છે.આ ઉપરાંત ખારેકના બે ઝાડ વચ્ચે વધારે અંતર રહેતું હોવાથી આંતર ખેતીથી પણ પૂરક આવક મેળવી શકાય છે. ઈઝરાયલ પદ્ધતિથી ખારેકના ઝાડ વચ્ચે હવે આંબાના વાવેતરનો પ્રયોગ સફળ થયા છે. બાગાયતી પ્રાકૃતિક ખેતી પણ ખેડૂતો માટે નિયમિત અને કાયમી રોજગારીનું માધ્યમ બની શકે છે. પ્રાકૃતિક ખેતી થઈ શકે એ માટે 15 ગીર ગાય વસાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.